Gujarat Main

ખેલ મહાકુંભ ગુજરાતમાં ઉત્સવ બની ગયો છે-ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર: અમદાવાદમાં (Ahmedabad) નવરંગપુરા કાતે સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભના ઉદ્ધાટન સમારંભને સંબોધન કરતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) કહયું હતું કે ખેલ મહાકુંભની પરંપરાના સ્થાપક નરેન્દ્ર મોદી (Narendra Modi) છે. આજે પીએમ મોદીના હસ્તે 11 મા ખેલમહાકુંભનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2010 માં શરૂ કરેલી ખેલકુદની આ પરંપરા આઝાદીના અમૃત મહોત્સવના વર્ષે તેના 11 મા પડાવે પહોંચી છે. ગુજરાતી એટલે દાળભાત ખાવું રમત ગમત આપણું કામ નહી તેવું મેણુ ભાંગવા ખેલ મહાકુંભની શરૂઆત તેમણે કરી હતી. ખેલે તે ખીલે તે ભાવ સાથે ગુજરાતના તમામ લોકોમાં ખેલની ધરબાઇને પડેલી ભાવના ઉજાગર કરી છે. એક સમયે 13 લાખ રમતવીરોથી શરૂ થયેલી પરંપરા આજે 55 લાખ લોકોની સહભાગીતા સુધી પહોંચી છે. તે સાબિત કરે છે હવે ગુજરાતનો ખેલ મહાકુંભ એક ઉત્સવ બની ચુક્યો છે.

પટેલે જણાવ્યું હતું કે ખેલાડી રમવા ખાતર રમે તેમ નહી પરંતુ પોતાની રુચીના ખેલમાં ખીલે તે માટે પૌષ્ટીક આહારથી માંડીને વૈશ્વિક કક્ષાની ટ્રેનિંગ, કોચિંગ અને પારિતોષિક દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આદિવાસી વિસ્તાર અને દરિયાકાંઠા લોકોનું ટેલેન્ટ પણ ગુજરાત મળ્યું છે. ગુજરાતમાં ખેલાડીઓ હતા પરંતુ તેમને પ્લેટફોર્મ મળતું નહોતું તે હવે ખેલ મહાકુંભલી મળી રહ્યું છે. લોકોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ આવી છે. 9 વર્ષથી વધારેની ઉંમરના બાળકોથી માંડી 60 વર્ષના લોકો સુધી ખેલમહાકુંભમાં ભાગ લે છે. ગુજરાતમાં એક સ્પોર્ટિંગ કોમ્યુનિટિ શરૂ થઇ છે. ખેલમહાકુંભને અલગ રીતે જોવાય છે. વડાપ્રધાને વાવેલા બીજ હવે વટ વૃક્ષ બનીને ફળ આપી રહ્યા છે. હવે ગુજરાતના યુવાનો તમામ ક્ષેત્રમાં આગળ આવી રહ્યા છે રાષ્ટ્રીય સ્તરે ઓળખ બનાવી રહ્યા છે. વિજેતા બનેલા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા અને તાલીમ અપાઇ રહી છે. જેના પગલે આંતરરાષ્ટીય અને આંતરરાષ્ટ્રીયમાં વધારો થઇ રહ્યો છે. સરિતા ગાયકવાડ ખેલમહાકુંભની જ દેન છે. ગુજરાતની 6 દિકરીઓ ટોકિયો ઓલમ્પિકમાં ભાગ લઇને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.
સ્પોર્ટસ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પીએમ મોદીએ ગુજરાતમાં યુવાનોને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન પુરૂ પાડયુ છે. અનેક યુવાનોને આત્મનિર્ભર ભારત થકી નવુ પ્લેટફોર્મ બહાર પાડ્યું. ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયા, ફીટ ઇન્ડિયા સહિત અનેક પ્રકારે યુવાનોને નવા નવા પ્લેટફોર્મ પુરા પાડ્યા છે. ખેલ મહાકુંભમાં 55 લાખ લોકોએ ભાગ લીધો છે. ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં સ્પોર્ટ સેન્ટર ખુલી ચુક્યાં છે.

Most Popular

To Top