Business

ગુજરાતમાં ચીપ ઉત્પાદન ક્ષેત્રે રોકાણને આકર્ષવા નવી સેમિકન્ડક્ટર નીતિની જાહેરાત કરાઈ

ગાંધીનગર: બુધવારે તા. 27મી જુલાઈના રોજ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વ્રારા સરકારની નવી “ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022-2027”ની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે ઝડપી અને સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે જાહેર કરાયેલી નવી ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022 થી 2027સુધી અમલમાં રહેશે. આ પોલિસી થકી આગામી પાંચ વર્ષમાં બે લાખ જેટલી રોજગારીનું સર્જન થશે.

સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન( ISM)ની સ્થાપના કરવામાં આવી છે અને ભારતમાં સેમિકંડક્ટર ઉત્પાદન ક્ષેત્રે રોકાણ આકર્ષવા માટેની નીતિ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા રૂ.76000 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની આ પહેલને સમાંતર ગુજરાતમાં ચીપ ઉત્પાદન ક્ષેત્રે રોકાણને આકર્ષવા સેમિકંડક્ટર નીતિ જાહેર કરવામાં આવી છે. આ પોલિસીની જાહેરાત સાથે ગુજરાત સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે નીતિ જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે.

સેમિકન્ડક્ટર નીતિની મહત્વની હાઈલાઈટસ

• કેન્દ્ર સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળ ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટસ માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી મૂડી સહાયના 40 ટકાના દરે વધારાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ પોલીસી અંતર્ગત ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝીયન(ધોલેરા સર) ખાતે ધોલેરા સેમિકોન સીટી સ્થાપવામાં આવશે અને પાત્રતા ધરાવતા પ્રોજેક્ટ્સને પ્રથમ ૨૦૦ એકર જમીન ખરીદી પર 75% સબસિડી અને ફેબ પ્રોજેક્ટ અથવા અપસ્ટ્રીમ/ડાઉનસ્ટ્રીમ તથા ISM હેઠળ મંજૂર થયેલા અન્ય પ્રોજેક્ટ્સ માટે જરૂરી વધારાની જમીન ઉપર ૫૦ ટકા સબસિડી આપવામાં આવશે.
• આ નીતિ અંતર્ગત તમામ પાત્રતા ઘરાવતા પ્રોજેક્ટ્સને પ્રથમ પાંચ વર્ષના સમયગાળા માટે રૂ12 પ્રતિ ઘન મીટરના દરે સારી ગુણવત્તાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યારબાદના આગામી પાંચ વર્ષ માટે વાર્ષિક ધોરણે 10 ટકાના દરે પાણીના દરમાં વધારો કરવામાં આવશે. આ પોલીસી અંતર્ગત પાત્રતા ધરાવતા પ્રોજેક્ટ્સ માટે ઉત્પાદનની શરૂઆતથી 10 વર્ષના સમયગાળા માટે યુનિટ દીઠ રૂ. 2 ની પાવર ટેરિફ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે તથા ગુજરાત ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એક્ટ, 1958 હેઠળ નિર્ધારિત જોગવાઈઓ અનુસાર તમામ પાત્ર પ્રોજેક્ટ્સ વિદ્યુત શુલ્ક ભરવામાંથી મુક્તિ મેળવી શકે છે.
• આ નીતિ અંતર્ગત પ્રોજેક્ટના હેતુ માટે જમીનના ભાડાપટ્ટા/ વેચાણ/ ટ્રાન્સફર માટે પાત્ર પ્રોજેક્ટ્સ દ્વારા સરકારને ચૂકવવામાં આવેલ 100% સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીના એક વખતના વળતરની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારના વિવિધ કાયદા હેઠળ મેળવવાની થતી તમામ મંજૂરીઓ ઝડપી રીતે મળી રહે તે અર્થે સિંગલ વિન્ડો મિકેનિઝમ સ્થાપવામાં આવશે. આ નીતીનો ઉદેશ્ય મોટા પાયે રોજગારી ઉભી કરવાનો છે તથા આગામી પાંચ વર્ષમાં ૨ લાખ લોકોને રોજગારી મળવાનો અંદાજ છે.
• ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફ્રમેશન ટેક્નોલોજી મંત્રાલય(MeitY)ના ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનની પેટર્ન પર ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન જી.એસ.ઈ.એમ. નોડલ એજન્સી તરીકે કાર્યરત કરાશે.

Most Popular

To Top