Columns

ભારત અને ચીન વચ્ચેની ટ્રેડ ડેફિસિટ ચિંતાજનક હદે વધી રહી છે

ભારત અને ચીન વચ્ચે સરહદ પર હંમેશા તંગદિલીનું વાતાવરણ હોય છે, પણ તેની પરવા કર્યા વિના ભારતમાં ચીનના માલની આયાત સતત વધી રહી છે. ભારત સરકાર એક બાજુ આત્મનિર્ભર ભારતની વાતો કરી રહી છે અને ચીનના માલની આયાત ઘટાડવાના પ્રયાસો કરી રહી છે, પણ વેપારના ક્ષેત્રમાં નફો જ સર્વોપરી હોય છે. ભારતના વેપારીઓને ચીનનો માલ સસ્તો પડતો હોવાથી તેઓ સ્વદેશી ઉદ્યોગોની પરવા કર્યા વિના ચીનથી આયાત વધારી રહ્યા છે. થોડા સમય પહેલાં કેટલાક રાજકીય પક્ષો દ્વારા ચીનના માલના બહિષ્કારનું આંદોલન છેડવામાં આવ્યું હતું. હવે તે આંદોલનનું સૂરસૂરિયું થઈ ગયું છે. ભારતમાં ચીનથી જેટલા માલની આયાત કરવામાં આવે છે, તેની સરખામણીમાં નિકાસ બહુ ઓછી છે, જેને કારણે ટ્રેડ ડેફિસિટ પણ વધી રહી છે.

ચીની સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ કહે છે કે ૨૦૨૧-૨૨ ના નાણાંકીય વર્ષમાં ભારતમાં ચીનથી ૧૦૩.૪૭ અબજ ડોલરના માલસામાનની આયાત કરવામાં આવી હતી, પણ ભારતથી ચીનમાં માત્ર ૨૬.૪૬ અબજ ડોલરની જ નિકાસ કરવામાં આવી હતી. પરિણામે આયાત-નિકાસ વચ્ચેની ખાઈ વધીને ૭૭ અબજ ડોલર પર પહોંચી ગઈ હતી. ભારત-ચીન વચ્ચેની આ સૌથી મોટી ટ્રેડ ડેફિસટ છે. ૨૦૨૦-૨૧ માં ભારત-ચીન વચ્ચેની ટ્રેડ ડેફિસટ ૪૪ અબજ ડોલર હતી. માત્ર એક વર્ષમાં તેમાં ૩૩ અબજ ડોલરનો તોતિંગ વધારો થયો છે.

૨૦૧૮-૧૯ માં ટ્રેડ ડેફિસિટ ૫૩.૫૭ અબજ ડોલરની હતી તો ૨૦૧૯-૨૦ માં તે ૪૮.૬૫ અબજ ડોલર હતી. ૨૦૧૭-૧૮ માં ભારત-ચીન વચ્ચેની ટ્રેડ ડેફિસિટ ૬૩ અબજ ડોલરની હતી. ૨૦૨૧-૨૨ માં ભરતની કુલ ટ્રેડ ડેફિસિટ ૧૯૨.૨૪ અબજ ડોલરની હતી, જેમાં ચીનનો ફાળો ૭૭ અબજ ડોલરનો હતો. ભારત અને ચીન વચ્ચે કુલ આશરે ૧૩૦ અબજ ડોલરનો વેપાર થાય છે. ભારત-અમેરિકા વચ્ચે ૧૧૯.૪૨ અબજ ડોલરનો વેપાર થતો હોવાથી ચીન ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બની ગયું છે.

ભારત ચીનમાં ખનિજ લોખંડ, કપાસ અને માંસ જેવી ચીજોની નિકાસ કરે છે. ચીનમાં કોવિડ-૧૯ ને કારણે સખત લોકડાઉન ચાલી રહ્યું હોવાથી આ ચીજોની નિકાસમાં ઘટાડો થયો છે. ૨૦૨૧ ના પ્રથમ ૬ મહિનામાં ચીન આપણા દેશમાંથી થતી નિકાસનું બીજા નંબરનું સૌથી મોટું લક્ષ્યાંક હતું. પ્રથમ ૬ મહિનામાં આપણી કુલ નિકાસમાં ચીનનો હિસ્સો ૬.૮ ટકાનો હતો. બીજા ૬ મહિનામાં તે હિસ્સો ઘટીને ૩.૭ ટકા પર આવી ગયો હતો. હવે ભારતથી થતી નિકાસની બાબતમાં ચીનનો પાંચમો નંબર આવે છે. પહેલા નંબરે અમેરિકા, બીજા નંબરે સંયુક્ત આરબ અમીરાત, ત્રીજા નંબરે નેધરલેન્ડ અને ચોથા નંબરે બાંગ્લા દેશ આવે છે. ચાલુ વર્ષના બે મહિનામાં પણ ભારતથી ચીનમાં થતી નિકાસમાં ઘટાડો ચાલુ રહ્યો છે. ૨૦૨૧-૨૨ ના પ્રથમ બે મહિનામાં ભારતે ચીનમાં ૪.૪ અબજ ડોલરની નિકાસ કરી હતી. ૨૦૨૨-૨૩ ના બે મહિનામાં તે ૩ અબજ ડોલર થઈ ગઈ છે.

ભારતમાં ચીનથી જે ચીજવસ્તુઓની આયાત કરવામાં આવે છે તેમાં મોબાઈલ ફોન, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, મશીનરી, કેમિકલ્સ અને દવાઓનો કાચો માલ હોય છે. તેની આયાત સતત વધી રહી છે. ભારતમાં ઉત્પાદનના ક્ષેત્રમાં ઉછાળો જોવા મળી રહ્યો હોવાથી ચીનથી કેમિકલ્સની આયાત વધી રહી છે. ભારતની ફાર્મા કંપનીઓ તેમના કાચા માલ માટે ચીન ઉપર નિર્ભર છે. તેઓ ચીનમાંથી કાચો માલ મંગાવે છે, તેનું પ્રોસેસિંગ અને પેકિંગ કરે છે, અને તેની નિકાસ કરે છે. જો ચીન ભારતમાં કાચો માલ મોકલવાનું બંધ કરી દે તો ભારતીય કંપનીઓ મુશ્કેલીમાં મૂકાઈ જાય તેમ છે.

ભારત ચીનમાં જે ચીજોની નિકાસ કરે છે તેમાં પેટ્રોલિયમ પેદાશો, દરિયાઈ જીવો, માંસ, નોન-બાસમતી ચોખા, એરંડિયું, તાંબું, ખનિજ લોખંડ, મસાલાઓ અને ઓર્ગેનિક કેમિકલ્સનો સમાવેશ થાય છે. ચીનનાં ઘણાં શહેરોમાં હાલમાં લોકડાઉન ચાલી રહ્યું હોવાથી ઉદ્યોગો બંધ છે, જેને કારણે તાંબું અને લોખંડના ખનિજની આયાત ઘટી ગઈ છે. નિષ્ણાતો કહે છે કે જો ભારત ચીનથી થતી આયાતમાં ૫૦ ટકા જેટલો કાપ મૂકી દે તો ભારતના જીડીપીમાં ૨૦ અબજ ડોલર જેટલો વધારો થઈ શકે છે.

આ માટે ભારત સરકારે નિકાસલક્ષી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની જરૂર છે. જો ભારતની કંપનીઓ ચીનમાં પોતાની ફેક્ટરીઓ ખોલીને ત્યાં સસ્તામાં ઉત્પાદન કરી શકતી હોય અને ભારતમાં જ તેમના માલની નિકાસ કરીને કમાણી કરી શકતી હોય તો તે ઉત્પાદન તેઓ ભારતમાં કેમ ન કરી શકે? ચીનથી ભારતમાં માલ મોકલવા માટે ટ્રાન્સપોર્ટનો ખર્ચો કર્યા પછી પણ જો તેઓ નફો રળી શકતી હોય તો ભારતની કંપનીઓ ભારતમાં ઉત્પાદન કરીને કેમ કમાણી ન કરી શકે?

ચીનનું અર્થતંત્ર દુનિયાનું બીજા નંબરનું મોટું ગણાય છે, પણ તેમાં ગંભીર કટોકટી પેદા થઈ છે. ચીને તેના કેટલાક પડોશી દેશો સાથે મળીને બેલ્ટ એન્ડ રોડ યોજના શરૂ કરી હતી, જેમાં માળખાકીય સુવિધાઓ માટે અબજો ડોલરની લોનો આપવામાં આવી હતી. શ્રીલંકા જેવા દેશે લોન તો લઈ લીધી, પણ તે લોન પાછી વાળવાની સ્થિતિમાં નથી. તેને કારણે ચીને શ્રીલંકાનાં બે બંદરો ૯૯ વર્ષના લીઝ પર લઈ લીધા છે. ચીન દ્વારા બીજા ઘણા દેશોમાં કરવામાં આવેલું રોકાણ પણ નિષ્ફળ ગયું છે. આ રોકાણ કેવી રીતે વસૂલ કરવું તેની મોટી ચિંતા છે.

બીજી બાજુ ચીનમાં રિયલ એસ્ટેટનો ફુગ્ગો ફૂટી જવાની તૈયારીમાં છે. મિલકત ખરીદનારાઓ દ્વારા બેન્કો પાસેથી મોટી લોન લેવામાં આવી છે, પણ બિલ્ડરો મકાનો પૂરાં કરી શકતાં ન હોવાથી કટોકટી પેદા થઈ છે. ચીનના મધ્ય પ્રાંતની કેટલીક બેન્કો ઊઠી જવાની તૈયારીમાં છે. તેમણે ગયા એપ્રિલ મહિનાથી ગ્રાહકોને પૈસા આપવાનું બંધ કર્યું છે. કેટલાક ગ્રાહકો મોરચો લઈને બેન્ક ઉપર ગયા તો ટેન્કો ગોઠવી દેવામાં આવી હતી.

ભારતમાં ચીની કંપનીઓ પગપેસારો કરી રહી છે તે દેશના અર્થતંત્ર ઉપરાંત સલામતી માટે પણ ખતરો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા મોબાઇલ ફોન બનાવતી વિવો કંપનીનાં ૨૨ રાજ્યોમાં આવેલાં ૪૪ ઠેકાણાંઓ પર દરોડાઓ પાડવામાં આવ્યા છે. ઇડીએ શાઓમી કંપનીના બેન્ક ખાતાંઓ સિલ કર્યાં છે, જેમાં આશરે ૫૫૦૦ કરોડ રૂપિયા પડ્યા હતા. વિવો સાથે સંકળાયેલી હિમાચલ પ્રદેશની સોલાન કંપનીના બે ચીની ડિરેક્ટરો તો ભારત છોડીને ભાગી ગયા છે. ચીનનાં આ નાગરિકોને દસ્તાવેજોમાં છેડછાડ કરીને ભારતીય કંપનીના ડિરેક્ટરો બનાવવામાં આવ્યા હતા. ઇડીને શંકા છે કે ચીની કંપનીઓ દ્વારા ૧૦,૦૦૦ કરોડની ગોલમાલ કરવામાં આવી છે.

ભારતનાં લોકો જે ચીનના મોબાઇલ ખરીદે છે, તેની સ્વયંસંચાલિત લિન્ક ચીનના સર્વર સાથે હોય છે. ભારતના કરોડો મોબાઇલધારકો મોબાઇલ ફોનનું લોક ખોલવા માટે પોતાના ફિન્ગર પ્રિન્ટનો કે ચહેરાના ફોટાનો ઉપયોગ કરે છે. આ બધી માહિતી ઓટોમેટિક ચીનના સર્વરમાં પહોંચી જતી હોય છે. આ રીતે ચીની કંપનીઓ પાસે કરોડો ભારતીયોનો બાયોમેટ્રિક ડેટા પહોંચી ગયો છે, જેનો ઉપયોગ ચીનની સરકાર પણ કરી શકે છે. ભારતની જેમ અમેરિકામાં પણ ચીને તેની જાસૂસી જાળ પાથરી છે. વિમાન ઉત્પાદક અમેરિકી કંપનીમાં કામ કરતાં ચીની ટેકનિશિયનો વિમાનની ડિઝાઇનની નકલ કરીને તેને ચીન મોકલી દેતા જણાયા છે. અમેરિકાની યુનિવર્સિટીમાં ભણતા ચીની વિદ્યાર્થીઓ ત્યાં જે સંશોધન ચાલતું હોય છે, તેની વિગતો ચીન સુધી
પહોંચાડી દે છે.       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top