Comments

લોખંડની સાથે સરકી ગયું સોનું, નસીબ એ કહેવાય કોનું?

લોઢાના ભાવે કોઈ સોનું વેચે? આનો જવાબ ‘ના’ જ હોય, છતાં એવી આશંકા સેવાય છે ખરી. વાત ગોવાની છે. ગોવામાં પોર્ચુગીઝ શાસન હતું ત્યારે અહીંથી નિકાસ થતાં ખનીજાનું સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ કરાવવું ફરજિયાત હતું. અહીંથી ઉપડતા જહાજમાં લોખંડની કાચી ધાતુ જ છે અને બીજું કશું નથી એ ચકાસ્યા પછી જ જહાજને બંદર છોડવાની પરવાનગી અપાતી. અલબત્ત, ગોવાની સ્વાતંત્ર્યપ્રા પછી ધીમે ધીમે આ પ્રથા શિથિલ થતી ગઈ અને આખરે બંધ પડી. પરિણામે વિવિધ કંપનીઓ દ્વારા અહીંથી લોખંડની કાચી ધાતુના નામે જેની નિકાસ થતી હોવાનો દાવો કરાતો એ ખરેખર લોખંડની કાચી ધાતુ જ હતી કે સોનાની કાચી ધાતુ હતી એ સવાલ અનુત્તર રહ્યો છે. 

એ સવાલ થાય ખરો કે ગોવામાં સોનાની કાચી ધાતુ શી રીતે આવી? અને એ નીકળતી હોય તો કોઈને એની જાણ કેમ ન થઈ? સોળમી સદીના ડચ મુસાફર જહોન લીન્શોટને ગોવાની ધરતીમાં લોખંડની કાચી ધાતુ હોવાનું કદાચ પહેલવહેલી વાર નોંધ્યું હતું. વખત જતાં અહીંની ધરતીમાં તાંબું અને સોનું હોવાનો પણ વિજ્ઞાનીઓએ દાવો કર્યો. આર.એસ.હઝારે નામના કોલ્હાપુરસ્થિત નિષ્ણાતે ૧૯૮૦માં મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાની ધરતીમાં કેટલીક મૂલ્યવાન ધાતુઓ હોવા પ્રત્યે ધ્યાન દોયુ* હતું. સરકારના ખનન વિભાગમાં કેમિસ્ટ તરીકે ફરજરત આર.એસ.હઝારેએ સિંધુદુર્ગના રેડી વિસ્તારની જમીનના નમૂનાનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં તેમને જણાયું હતું કે આ વિસ્તારની જમીનમાંથી પૂરતા પ્રમાણમાં સોનું અને પ્લેટિનમનું ખનન કરી શકાય એમ છે. આ અભ્યાસ બાબતે તેમણે સરકાર સાથે પણ કાર્યવાહી કરી હતી. એ પછી છેલ્લા ત્રીસ વર્ષમાં શિવાજી યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર સાથે સંકળાયેલા ખ્યાતનામ ભૂસ્તરશાસ્ત્રી ડૉ. એમ.કે.પ્રભુએ અને એ પછી ડૉ. કામતે આ દિશામાં સંશોધન કયુ* છે, જે હઝારેના દાવાને સમર્થન આપે છે.

ઈ.સ.૨૦૦૨માં આર.એસ.હઝારે અને શિવાજી યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. એમ.જી.તકવલે તથા ભૂસ્તર વિભાગના વડા ડૉ. આર.આર.પાટિલે રેડી અને કાળાને વિસ્તારની મુલાકાત લઈને જમીનના નમૂના એકત્ર કર્યા હતા. એ પૈકી રેડીની જમીનમાં પ્રતિ ટન ૬૭ ગ્રામ અને કાળાનેની જમીનમાં પ્રતિ ટન ૨૦ ગ્રામ સોનું તેમજ પ્લેટિનમ હોવાનું જણાયું હતું. આ અહેવાલમાં એમ પણ નોંધાયું હતું કે આ નમૂના કેવળ સપાટી પરથી લેવામાં આવ્યા છે, અને વધુ ઊંડાણમાં જતાં એ પ્રતિ ટન ૧૦૦ ગ્રામ હોવાની પૂરેપૂરી સંભાવના છે. આર.એસ.હઝારેને ફરજમોકૂફ કરવામાં આવ્યા. સિંધુદુર્ગ અને ગોવાના ભૂસ્તરમાં રહેલા સામ્યને કારણે ગોવાની જમીનમાં પણ આ મૂલ્યવાન કાચી ધાતુઓ હોવાની સંભાવના માટે પૂરતો આધાર હતો.

ડૉ. કામતે આઠ-નવ વરસ અગાઉ ગોવાની ધરતીમાં સોનાની કાચી ધાતુ હોવાની ઘોષણા કરી હતી. રેતીમાંથી સોનું શી રીતે છૂટું પાડી શકાય એનું નિદર્શન પણ તેમણે આપ્યું હતું. અલબત્ત, સરકાર વિજ્ઞાનીઓના દાવાને કાં અવગણતી રહી કે પછી આર્થિક રીતે એ પરવડે એમ નહીં હોવાનું બહાનું આગળ ધરતી રહી.

વાસ્તવમાં મુમ્બઈની વડી અદાલતમાં એવો દાવો દાખલ કરવામાં આવ્યો હતો કે સિંધુદુર્ગમાં લોખંડના નામે હકીકતમાં સોનાની નિકાસ થઈ રહી છે. દાવેદારે પોતાના દાવાના સમર્થનમાં વૈજ્ઞાનિક અહેવાલો બીડ્યા હતા. વડી અદાલતની તાજેતરની એક સુનવણી દરમિયાન ગોવાના પિસ્સુરલેમ વિસ્તારની જમીનમાં લોખંડની સાથોસાથ સોનાની કાચી ધાતુ હોવાનું બહાર આવ્યું. એ રીતે ડૉ. કામતના દાવાને સમર્થન પ્રા થયું.

ગોવા સરકારે હવે ખનનકામ માટે હરાજી બોલવાનો આરંભ કર્યો છે, જે થોડા વખત અગાઉ સ્થગિત કરવામાં આવી હતી. આટઆટલા અહેવાલ પછી પણ હવે જા સરકાર આ ખનનકાર્ય કરાવે અને અહીંથી નીકળતી કાચી ધાતુને લોખંડ તરીકે નિકાસ કરે તો એમ માનવું રહ્યું કે કાં તે આ બાબતે સાવ ઊપેક્ષા સેવે છે, કાં સંબંધિત લોકોની મોટા પાયે કોઈક ‘ગોઠવણ’ હોય એ શક્યતા છે.

જાવાનું એ પણ છે કે આજ સુધીમાં ગોવામાં કેટકેટલી સરકારો આવી અને ગઈ, આ બાબતે તમામે કાં આંખ આડા કાન કર્યા અથવા આ ‘ગોઠવણ’ને ચાલવા દીધી. સર્વોચ્ચ અદાલતે એ બાબત પણ સ્પષ્ટ કરેલી છે કે કોઈ પણ રાજ્યમાં નીકળતું ખનીજ જે તે રાજ્યની માલિકીનું જ ગણાય. સંબંધિત કંપનીઓને સરકારે કેવળ તે કાઢવાનો ખર્ચ જ આપવાનો હોય છે. જાવાનું એ છે કે હવે ગોવાની વર્તમાન સરકાર સોનું પોતાને માટે કઢાવીને આવકનો સ્રોત ઊભો કરે છે કે પછી ચાલતું આવ્યું એમ ચાલવા દે છે.

આ આખો મામલો આપણા દેશમાં સરકાર શી રીતે કામ કરે છે એનું લાક્ષણિક ઉદાહરણ છે. સંશોધનકર્તાઓ, વિજ્ઞાનીઓનાં સંશોધનો સિફતથી અભરાઈ પર ચડાવવાની પ્રથા નવી નથી. લોખંડના ભાવે સોનું ખરેખર વેચાયું હશે કે નહીં એ ચોક્કસપણે કહી શકાય એમ નથી, પણ ઉપલબ્ધ વિગતો એ શક્યતા તરફ દોરી ચોક્કસ જાય છે. લોખંડની કાચી ધાતુ ભેગી સોનાની કાચી ધાતુની થતી નિકાસ અવગણાઈ હોય તો એ અક્ષમ્ય છે, પણ એ જાણીબૂઝીને કરવામાં આવી હોય તો ભ્રષ્ટાચારના વિશાળકાય કૌભાંડ તરફ નિર્દેશ કરે છે. તેમાં વિવિધ સ્તરના અનેક લોકો સંડોવાયેલા હોવાની શક્યતા નકારી શકાય એમ નથી. આવા મહત્ત્વના મુદ્દે વરસોથી તમામ સરકાર એકસરખી ઉદાસીન રહી હોય એ હકીકત સામાન્ય તર્કથી ગળે ઊતરી શકે એમ નથી. એ બાબતે હજી કંઈક થાય છે કે પછી એની ગતિ એમની એમ જ રહેશે એ બહુ ઝડપથી ખબર પડી જશે. ત્યાં સુધી આપણે આપણા રાષ્ટ્રીય વારસાનો ગર્વ લેતા રહીએ એ જ ઈષ્ટ છે.

– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top