Business

સૌને આ પૃથ્વી પર લાવનાર ઇશ્વર જ છે

સંસારમાં એવા લોકો પણ જોવા મળે છે કે તેઓ પોતાની મસ્તીમાં જ ડૂબેલા રહે છે. તેઓની આંખો દુનિયાના પદાર્થોને જુએ છે છતાં મન જોતું નથી. આંખ જોવાનું કામ કરે છે પરંતુ આંખ સાથે જો મન જોડાયેલું હોય તો તે સમ્યકદર્શન બને છે. કેટલાક ઓલિયા જેવા માણસો આપણી વચ્ચે જ રહેતા હોય છે. તેઓ બીજા લોકોની જેમ જ ખાય છે, હરેફરે છે પરંતુ તેઓનું ચિત્ત, તેઓનું મન નિશ્ચિત જગાએ ચોંટેલું રહે છે. એક સમયે એક સંન્યાસી વૃક્ષ નીચે સૂતા હતા. લોકો પાસે તે કંઇ માંગતા નથી અને ઘરે ઘરે ફરીને વાતો પણ કરતા નથી. લોકો તો કુતૂહલથી તેમની પાસે જઇને અમને માર્ગદર્શન આપો, અમને જીવન તરી જવાય તેવો રસ્તો બતાવો. પેલા સંન્યાસી કંઇ પ્રવચન કરતા ન હતા પણ લોકો આવું કંઇ પૂછે તો ટૂંકમાં ઉત્તર આપતા હતા. એક વખતે લોકોએ બહુ આગ્રહ કર્યો ત્યારે તેમણે કહ્યું કે આપણે સૌને આ પૃથ્વી પર લાવનાર ઇશ્વર છે. ઇશ્વરે જ હવા સર્જી છે, ખોરાક અને પાણી પણ રાખ્યાં છે.

આપણું જીવન તેનાથી ચાલે છે પરંતુ જીવન ચાલે એટલે આપણે જીવીએ છીએ. માત્ર જીવતા રહેવા માટે જ આપણો જન્મ થયો નથી પરંતુ કોઈએ આપણને અને પશુપંખીઓને જીવન આપ્યું છે અને સૌ જીવન ટકાવી શકે તેવી વ્યવસ્થા પણ કરી છે. ચૌદ ભુવનોનું સંચાલન કોણ કરે છે? તે કયાં રહે છે? આવા વિચારો કરવાથી જ પરમ તત્ત્વનો આશય મનુષ્ય, પશુ, પંખી ઇત્યાદિ જીવિતોનો આ પૃથ્વી પર મેળાવડો કરવાનું કારણ મળી રહેશે. તેથી આંખથી જોવાની સાથે મન પણ તેનું તારણ કાઢતું જાય તો તેમાંથી સત્ય ઉપલબ્ધ થાય છે. શ્રી પુષ્પદંત રચિત ‘મહિમ્ન સ્તોત્ર’ છે. તેમાં એક શ્લોક છે કે જે મુનિ શાસ્ત્રમાં દર્શાવેલા માર્ગે જીવન વ્યતીત કરે છે તથા શ્વાસને આત્મતત્ત્વ સાથે જોડે છે તેવી વ્યકિત રડે અને અમૃત સુખમાં રહેલા આનંદને પણ માણે છે. હે પ્રભુ એ પરમ સત્ય બીજું કોઇ નહીં પરંતુ તમે જ છો. જયારે મનુષ્ય દત્ત ચિત્ત થઇને મનથી અને સમગ્રતાથી પરમ તત્ત્વનું જ ચિંતન કરે છે ત્યારે તેને પ્રતીતિ થાય કે એ પરમ સત્ય એ પરમાનંદ હે પ્રભુ તમે જ છો. આવા માણસો આપણી વચ્ચે જ હોય છે પરંતુ તેમની આધ્યાત્મિક ક્ષેત્રે જે ઊંચાઇ છે તેને બધા લોકો પામી શકતા નથી. આ સ્થિતિ સહજભાવે જ પ્રાપ્ત થતી હોય છે પરંતુ તે માટે સાધકે તેના જીવનની વ્યવસ્થા કરવી પડે છે. પોતાનું જીવન કેવી રીતે ગાળવું અને માનસિક સ્તર સદૈવ ઊંચી સપાટી પર જ રહે તેવી સહજ સ્થિતિ જો ઊભી થાય તો મનુષ્યનું આ પૃથ્વી પર આવવાનું સફળ બની જાય છે.

Most Popular

To Top