Business

મનોબળ: દૃઢ કરવાની માસ્તર ચાવી

આજની ત્રસ્ત, ગ્રસ્ત અને તનાવયુકત માનવજાત ઝંખે છે શાંતિ, પરમશાંતિ. વિષાદગ્રસ્ત અવસ્થામાંથી પસાર થઇ રહેલી માનવજાતની ઝંખના છે શાંતિ-મનની, તનની અને આત્માની- અને સંતોષ. આ શાંત અને સંતોષ પામવા માનવ શરણું લે છે વિજ્ઞાનનું. પરંતુ વિજ્ઞાનનું આ શરણું મૃગજળ સમાન સાબિત થાય છે કારણ વિજ્ઞાન તેની અવનવી શોધો દ્વારા માનવજાતને આનંદ, સુખ અને શાંતિમય જીવનની આશા તો આપે છે પરંતુ તેના અનુચિત પ્રયોજન, ઉપયોગને કારણે, તેની સાથેના અનુચિત વ્યવહારને કારણે એ જ વિજ્ઞાન સર્વનાશનું નિમિત્ત બનીને માનવજાતને થથરાવી રહ્યું છે, ધ્રુજાવી પણ રહ્યું છે. વિજ્ઞાનનાં બંને પ્રદાન માનવમનની દેન છે. શાસ્ત્રોએ માનવમનને બંધન અને મોક્ષનું કારણ કહ્યું છે. નાના અમથા મનની અંદર એટલી ધમ્માચકડી ચાલે છે. એટલું ધમસાણ મચી રહ્યું છે. એટલા ઉધામા મન કરે છે કે એ બધુ શાંત થાય નહીં ત્યાં સુધી શાંતિ પ્રાપ્ત થાય નહીં.

મૂળે મનનો સ્વભાવ ભટકવાનો છે. એક મિનિટમાં તો શું એક ક્ષણમાં એ કયાંનું કયાં ફરી આવે છે. સારી દુનિયાની સફર કરી આવે છે. અમેરિકાના ‘ધ ટાઇમ્સ’માં આવેલા સંશોધન અહેવાલ અનુસાર મનુષ્ય દિવસના 30000 થી વધુ સંકલ્પ કરતો રહે છે. મનનો આ રઝળપાટ, આ રખડપટ્ટી માનવને સ્વરૂપ, સ્વભાવમાં સ્થિર થવામાં અડચણ કરે છે. આ અડચણ દૂર કરવાના અનેક ઉપાયોમાંનો એક ઉપાય છે મનોબળ વધારવાનો, મનોબળ દૃઢ કરવાનો. આ મનોબળ શું છે? એ કેવી રીતે વધી શકે? એને દૃઢ કરવાના કયા ઉપાયો છે? એની કોઇ માસ્ટર ચાવી હોય? એથી શાં લાભહાનિ થાય? એની વાત કરીશું.

મનોબળ શું છે?
વિકટ યા વિપરીત પરિસ્થિતિ સામે ઝુકી જવાને બદલે આત્મભાવમાં સ્થિર રહીને એ પરિસ્થિતને હલ કરવા માટેનો રસ્તો શોધવો અને તે દ્વારા સમાધાન શોધવાની ક્ષમતા તે મનોબળ છે.
અનેક પ્રકારના વ્યર્થ સંકલ્પ વિકલ્પોથી મુકત રહીને મનને એક જ સંકલ્પમાં સ્થિર કરી શકવું એ મનોબળ છે.
કોઇ એક સ્થિતિમાં ઇચ્છો છો એટલો સમય મનને એકાગ્ર કરવાની ક્ષમતા એ મનોબળ છે.
ગીતામાં કહ્યું છે બધી કામનાઓને આત્મભાવમાં ઓગાળી દો. આ ઓગાળવાની ક્ષમતા એ મનોબળ છે.
મનોબળ વધારવા માટે ત્રણ બાબતો જરૂરી છે. (1) એકાગ્રતા (2) સામનો કરવાની શકિત (3) શુભ સંકલ્પ.

તે જ રફતારથી પરિવર્તન પામતું આ જગત 21મી સદી તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે એટલી જ બલકે એની પણ વધારે તેજ રફતારથી જગતમાં શારીરિક, માનસિક, આત્મિક, સામાજીક દુ:ખ, અશાંતિ અને અસ્વસ્થતા વધતાં રહ્યાં છે. આનું કારણ છે મનની માયાજાળ. સ્પર્ધાના આ જમાનામાં માનવી પોતાને અન્યથી જુદો ગણાવવાની બીજાથી ચઢીયાતા દેખાડવાની વૃત્તિ વધુ ઉત્તેજીત કરી રહ્યો છે અને આ હોડ અને ચડસા ચડસીએ એટલી માઝા મૂકી છે કે ઉંદરિયામાં જેમ ઉંદર ફસાય તેમ માયાજાળમાં માનવી ફસાતો જાય છે. આ બધાનું ઉપસ્થાન છે માનસિક દુર્બળતા, શિથિલ મનોબળ, દ્રઢ મનોબળ દ્વારા પહાડ જેવી પરિસ્થિતિને રાઈથી પણ નાની અને પાણીથી પણ પાતળી બનાવી શકાય છે. બલકે વિકટ પરિસ્થિતિ મનોબળ દ્રઢ કરવામાં એક શિક્ષકની ગરજ સારે છે. એક કવિએ કહ્યું છે ‘‘મળી મને નિષ્ફળતા અનેક, તેથી સફળ થયો કંઈક જીંદગીમાં.’’ સ્વ અનુભવ જ આપણો ઉત્તમ શિક્ષક છે.

મનોબળને શિથિલ કરનારાં કેટલાંક પરિબળો
(1) ડર, ભય, ચિંતા : પોતાની કમજોરીનો ડર, નિર્બળતાનો ડર, દ્રઢ સંકલ્પના અભાવનો ડર, વિશ્વમાં અસ્થિરતાનો ડર, ધાર્યા પ્રમાણે થશે કે નહીં તેની ચિંતા, સફળતા મને મળશે કે નહીં તેની ચિંતા, મારી મહેનતનું ફળ બીજા તો નહીં લઈ જાય એનો ભય અને ચિંતા.
(2) સંશય : પોતાની ક્ષમતા, પોતાના આત્મવિશ્વાસ પર, પોતાની શક્તિ પર સંશય, સ્પર્ધામાં ઊણા ઉતરી જવાશે એનો સંશય.
(3) વ્યર્થ ચિંતન : સંસારના આકર્ષણરૂપ પદાર્થોનું ચિંતન, પરચિંતન, ટીકા, નિંદા, ખોટી પ્રશંસા, વર્તમાનમાં જીવવાને બદલે અતીતનું સ્મરણ અને ભવિષ્યનું ચિંતન.

મનોબળને વધારવાની, દ્રઢ કરવાની માસ્તર ચાવી :
(1) ડર, ભય, ચિંતા, વ્યર્થ ચિંતન, સંશયથી મુક્તિ : માનવને શારીરિક, માનસિક, આત્મિક થકાવટનો અનુભવ કરાવનારા આ નિમિત્તોને જાકારો આપી દો. આ નિમિત્તો શારીરિક, માનસિક, આત્મિક શક્તિનો હ્રાસ કરે છે, માનવને અશક્ત, નિર્બળ, નિરાશ અને હતાશ કરી મૂકે છે તેથી ડર, સંશય ત્યાગીને આત્મનિષ્ઠ બનો. વ્યર્થ સંકલ્પોની જગ્યાએ આત્મોન્નતિ તરફ દોરી જનાર સ્વસ્થ અને પોઝીટીવ સંકલ્પો ધારણ કરો.
(2) શારીરિક અસ્વસ્થતામાં પરમાત્મ સ્મરણ : શારીરિક અસ્વસ્થતા પૂર્વ જન્મનાં વિકર્મો ચૂકતે કરવા માટેની તક છે એવી ધારણા કરો. આ અવસ્થામાં પરમપિતા પરમાત્મા મા-બાપના રૂપમાં સ્નેહભરી સુશ્રુષા કરે છે, સખા-સાથીના રૂપમાં કંપની આપે છે, ભાઈબહેનના રૂપમાં સકાશ આપે છે અને મારી પીડાના એ ભાગીદાર છે એવી લાગણી અનુભવો તો પીડા સહેવા માટેનું મનોબળ દ્રઢ બનશે.
(3) ભાગ્ય કરતાં વહેલુ અને ભાગ્ય કરતાં વધુ કે ઓછું કદી મળતું નથી, ભાગ્યમાં છે તે કોઈ લઈ શકવાનું નથી અને ભાગ્યમાં નથી તે કોઈ આપી શકવાનું નથી એમાં શ્રદ્ધા રાખો. જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે. આ ધારણા રાખીને નિષ્ઠાપૂર્વક પુરૂષાર્થ કરો.

(4) ગીતામાં કહ્યું છે કે કર્મફળની લાલસા છોડીને સ્વધર્મ નિર્મિત કર્મ નિષ્ઠાપૂર્વક કરવાથી કર્મ ક્રિયા રસપ્રદ બનતાં મનોબળ દ્રઢ બનતું જશે.
 પરમ પિતા પરમાત્મા મારા માતાપિતા છે અને તેમની છત્રછાયા નીચે હું કર્મ કરૂં છું એવો; પરમ સખા પરમાત્મા મારા સખા છે, સાથી છે, પાર્ટનર છે એમની સાથે હું સુખ, દુ:ખ, શોક આનંદની ભાગીદારી કરી રહી છું અને જટિલ સમસ્યાઓની ચર્ચા કરૂં છું એવો; પરમશિક્ષક પરમાત્મા શિક્ષક તરીકે મને માર્ગદર્શન આપી રહ્યા છે, મારા પથપ્રદર્શક બનીને મને સતત શિખવી રહ્યા છે એવો સતત અનુભવ કરતા રહો. આ વિશાળ સૃષ્ટિ પર ઉભા રહીને સમગ્ર માનવ જાતને શક્તિ, શાંતિ અને પવિત્રતાનાં વાઈબ્રેશન્સ આપતા રહો.

(6)અશરીરી બનીને પરમકૃપાળુ પરમાત્મા સાથે યોગ સાધો. સાક્ષી દ્રષ્ટા સ્થિતિનો અનુભવ કરવા સાથે જગતનાં સર્વકર્મ કરતા રહો.
(7)જ્ઞાન આધારિત વિઝયુલાઈઝેશન પણ મનોબળ દ્રઢ કરવા માટેની અનોખી યુક્તિ છે. ચર્મચક્ષુથી જે જોઈ શકાતું નથી. દા.ત. આત્મા, પરમધામ, સૂક્ષ્મધામ વગેરેને મનોચક્ષુથી જોવાનો અને માણવાનો પ્રયત્ન કરવો તે વિઝ્યુલાઈઝેશન. આ પ્રક્રિયા મનને મદદરૂપ થશે.
(8)‘‘નવરું મન શયતાનનું ઘર’’, ‘‘નવરો બેઠો નખ્ખોદ વાળે’’ તેથી મનને સતત, હરપળ, હરક્ષણ, કોઈને કોઈ શ્રેષ્ઠ ચિંતનમાં વ્યસ્ત રાખો.
ઉપર જણાવેલા આઠ મુદ્દા મનોબળને દ્રઢ કરવા માટેની સાધના છે. સમજો માસ્ટર ચાવીરૂપ છે. સાધનામાં સાતત્ય જરૂરી છે. સાતત્ય જેટલું વધુ તેટલું મનોબળ દ્રઢ થતું જાય છે.

Most Popular

To Top