Business

ગૌતમ અદાણી ગ્લોબલ લીડરશીપ એવોર્ડથી સન્માનિત, તેમના દૂરંદેશી નેતૃત્વ માટે મળ્યો એવોર્ડ

નવી દિલ્હી: (New Delhi) અદાણી ગ્રુપના સ્થાપક અને વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીને (Gautam Adani) યૂએસઆઈબીસી 2022 (USIBC 2022) ગ્લોબલ લીડરશિપ એવોર્ડથી (Global Leadership Award) સન્માનિત કરવામાં આવ્યા છે. યુએસ ચેમ્બર ઓફ કોમર્સની યુએસ ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઈબીસી) દ્વારા અદાણી ગ્રુપના વડાને તેમના દૂરંદેશી નેતૃત્વ માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કાઉન્સિલે આ પ્રસંગે ‘મૅક્સિમાઇઝિંગ ધ નેક્સ્ટ 75 ઇયર્સ ઑફ યુએસ-ઇન્ડિયા પ્રોસ્પરિટી’ થીમ સાથે ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. આને સંબોધતા અદાણીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધો અને ભવિષ્યની સંભાવનાઓ વિશે વિગતવાર વાત કરી હતી.

  • ગૌતમ અદાણી USIBC 2022 ગ્લોબલ લીડરશિપ એવોર્ડથી સન્માનિત
  • યુએસ ચેમ્બર ઓફ કોમર્સની યુએસ ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઈબીસી) દ્વારા અદાણી ગ્રુપના વડાને એવોર્ડ માટે પસંદ કરાયા
  • ગૌતમ અદાણીને તેમના દૂરંદેશી નેતૃત્વ માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

આ કાર્યક્રમમાં યુએસ ચેમ્બર ઓફ કોમર્સના ઈન્ટરનેશનલ અફેર્સ હેડ માયરોન બ્રિલિયન્ટ, યુએસ ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ, એમ્બેસેડર અતુલ કેશપ સહિત ઘણા ઉદ્યોગપતિઓ અને વિશેષ મહેમાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સંબોધન દરમિયાન અદાણીએ કહ્યું કે USIBC ગ્લોબલ લીડરશિપ એવોર્ડ મેળવવો એ સન્માનની વાત છે. હું આભારી છું કે મને ઉદ્યોગના ઘણા નેતાઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓની હાજરીમાં બોલવાની તક મળી. આ પુરસ્કાર ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠના અવસર પર પ્રાપ્ત થયો છે જે તેને વધુ નોંધપાત્ર અને યાદગાર બનાવે છે.

અદાણીએ જણાવ્યું હતું કે ભારત અને યુએસ જેવા બે સૌથી મોટા વૈશ્વિક લોકશાહી દેશો વચ્ચે ઝડપથી વિકસતી અને નવી ઉભરી રહેલી વૈશ્વિક ગતિશીલતા, ભાગીદારીની સફળતા આ સદીના સૌથી નિર્ણાયક સંબંધોમાંથી એક હશે તેમાં કોઈ મતભેદ ન હોઈ શકે. જો કે વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી મને ખાતરી છે કે આપણે બધા સહમત થઈશું કે ગ્રાઉન્ડ વર્કના સંદર્ભમાં વધુ કામ કરવાની જરૂર છે. આ માટે પરસ્પર મંજૂરીની જરૂર પડશે. આમાં મુક્ત વેપાર, ખુલ્લાપણું અને એકબીજાની અર્થવ્યવસ્થાનું એકીકરણ સામેલ છે એમ તેમણે જણાવ્યું હતું.

ગૌતમ અદાણીએ કહ્યું છે કે ભૌગોલિક રાજકીય ચિંતાઓ પર એક સામાન્ય અભિપ્રાય જરૂરી છે. પરંતુ જ્યાં સુધી તે વ્યવસાયિક સંબંધોના પાયા પર બાંધવામાં ન આવે ત્યાં સુધી તેનો અર્થ ઓછો હશે. સ્પષ્ટ વ્યવસાયિક ઉદ્દેશ્યો વિના વૈશ્વિક સહકાર મોટાભાગે અપંગ રહેશે. આ સંદર્ભમાં USIBC ની ભૂમિકા ઉદ્યોગને અવાજ પ્રદાન કરવામાં અને સરકારની નીતિઓ સાથે જોડવામાં મહત્વની રહેશે. વર્તમાન વિશ્વ વ્યવસ્થાને જોતા તેમણે કહ્યું કે જરૂરિયાતો પ્રચંડ છે અને વસ્તુઓ મોટા પાયે કસોટી પર છે.

Most Popular

To Top