Entertainment

બિગ બોસ ફેઈમ રાહુલ વૈદ્યને લોકો જાનથી મારી નાંખવાની આપી રહ્યાં છે ધમકી

ઈન્ડિયન આઈડલ અને બિગ બોસ ફેઈમ સિંગર રાહુલ વૈદ્યને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ ભાંડી રહ્યાં છે. કેટલાંક લોકો તો રાહુલને જાનથી મારી નાંખવાની ધમકી આપી રહ્યાં છે. રાહુલની સાથે ગુજરાતની સિંગર ભૂમિ ત્રિવેદીને પણ લોકો ખરીખોટી સંભળાવી રહ્યાં છે. વાત એટલી વણસી છે કે રાહુલ વૈદ્યે માફી માંગવી પડી છે.

ખરેખર વાત એમ છે કે રાહુલ વૈદ્ય અને ભૂમિ ત્રિવેદીએ એક ગીત ગાયું છે. ‘ગરબે કી રાત’ ગીતમાં રાહુલ વૈદ્ય અભિનેત્રી નિયા શર્મા સાથે ડાન્સ કરતો દેખાય છે. આ ગીત રિલીઝ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર જબરદસ્ત હિટ થયું છે, પરંતુ આ ગીતના દ્રશ્યોથી કેટલાંક લોકો નારાજ થઈ ગયા છે.

આ ગીતમાં મોગલ મા નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મોગલ મા ના ભક્તોને તે પસંદ પડ્યું નથી. ગુજરાતમાં વસતા મા મોગલના ભક્તો ગીતમાં થતાં ચેનચાળાના લીધે પરેશાન છે. તેઓની માંગણી છે કે ગીતમાંથી મા મોગલનો ઉલ્લેખ હટાવી દેવાય અથવા તો તેમાં દર્શાવાયેલા બિભત્સ ચેનચાળા હટાવી દેવામાં આવે.

ગીતના વિરોધ ગુજરાતના લોકગીતકારો પણ કરવા લાગ્યા છે. કિર્તીદાન ગઢવીએ ગીતમાં દર્શાવાયેલા દ્રશ્યોને શરમજનક ગણાવ્યા છે.
આ મુદ્દે રાહુલ વૈદ્યને સોશિયલ મીડિયા પર સતત ધમકીઓ મળી છે. વાત એટલે સુધી પહોંચી છે કે લોકો તેને મેસેજ અને કોલ કરીને મારી નાંખવાની ધમકીઓ આપવા લાગ્યા છે. રાહુલે પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

અહીં જુઓ વિવાદાસ્પદ ગીત.

https://youtu.be/umxkz-iv8AU

આ બાબતે હવે રાહુલ વૈદ્યે પણ પોતાનું નિવેદન આપ્યું છે. રાહુલે કહ્યું કે હું કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવા માંગતો નથી. આ સાથે રાહુલે ભૂલ સુધારવા માટે થોડો સમય માંગ્યો છે. નોંધનીય છે કે, ગરબે કી રાત સોન્ગમાં નિયા શર્મા અને રાહુલ વૈદ્ય પહેલીવાર એકસાથે જોવા મળ્યા છે. આ ગીત સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

Most Popular

To Top