Business

સુરતમાં કાપડ મિલોની હાલત કફોડી થઈ, મિલમાલિકોએ આટલા દિવસ બંધ રાખવાનો લીધો નિર્ણય

સુરત : શહેરના કાપડ ઉદ્યોગની કાપડ મિલોને તાળાં મારવાની નોબત આવી છે. કોલસાના વધતા ભાવોના લીધે મિલમાલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. ઉત્પાદનખર્ચમાં 25થી 30 ટકાનો વધારો થયો હોય મિલમાલિકોના ગજવાને પોષાતું નથી. વેપારીઓ જોબચાર્જ વધારી રહ્યાં નહીં હોવાથી મિલમાલિકો વધુ મુશ્કેલીમાં મુકાયા છે.

મિલમાલિકો કહે છે કે, મિલો બંધ કરવાની નોબત આવી છે, પરંતુ કેટલાં દિવસ બંધ રાખીશું તે સમજાતું નથી. કોરોના પછી હવે કમાવાના દિવસ આવ્યા છે ત્યારે કોલસા, રોમટીરીયલના ચાર્જ વધ્યા છે. તેથી પોષાતું નથી. જો જોબચાર્જ નહીં વધશે તો મિલો ચલાવી શકાશે નહીં. દિવાળી બાદ ઈન્ડસ્ટ્રી ચલાવવી શકાય કે નહીં તે અંગે પણ વેપારીઓ વિચારવા લાગ્યા છે.

કોલસાં, કલર કેમિક્લ, ડાઈઝ અને એસિડના ભાવો વધતાં પ્રોસેસિંગ ઉદ્યોગમાં જોબવર્ક પર ચાલતી પ્રિન્ટિંગ મિલો ભીંસમાં મુકાઈ છે. જે મિલોની લાખોની ઉધારી વેપારી પાસે બાકી છે, ડિલરો રો-મટિરિયલ ક્રેડિટ પર આપવા માંગતા નથી અને વેપારીઓએ 20% નો જોબવર્ક ચાર્જ વધારો સ્વીકાર્યો નથી અથવા ઓછો સ્વીકાર્યો નથી તેવી મિલો સંકટમાં આવી છે. આ લેવલની મિલોએ જોબવર્કનું કામ કરાવતા વેપારીઓને જાણ કરી છે કે, સપ્તાહમાં બે દિવસ શનિવાર અને રવિવારે મિલો બંધ રાખશે. જેથી વધતી ખોટ અટકાવી શકાય.

બીજી તરફ ડાઈંગ મિલોએ નવેમ્બર મહિનામાં મિલ ચાલુ રાખવા સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશને રજૂઆત કરી છે કે, ડાઈંગ મિલો પાસે દિવાળીથી હોળી સુધી ગ્રે કાપડનો જથ્થો વેપારીઓ દ્વારા જોબવર્ક માટે મોકલવામાં આવી રહ્યો છે. એ જોતાં ડાઈંગ મિલો ચાલુ રાખવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રો-મટિરિયલના વધી રહેલા ભાવ, જોબચાર્જ અને ડાઈંગ-પ્રિન્ટિંગ મિલોની સ્થિતિ વિશે 23મી ઓક્ટોબરે એસજીટીપીએની બેઠક યોજાશે. એસજીટીપીએના પ્રમુખ જિતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે, દિવાળી વેકેશનને લઈ ડાઈંગ અને પ્રોસેસિંગ એકમો તરફથી જે રજૂઆતો મળી છે. 23 ઓક્ટોબરે કારોબારીમાં તેને લગતી ચર્ચા કરી સર્વસ્વીકૃત નિર્ણય લેવામાં આવશે. કાપડ માર્કેટના જાણકારો કહે છે કે, અત્યારે રો-મટિરિયલના ભાવો વધવા છતાં પ્રિન્ટિંગ મિલો પાસે ચાલુ માસના અંત સુધીનું કામ છે. જ્યારે ડાઈંગ એકમોમાં તેજી અત્યારે શરૂ થઈ છે, જે લગ્નસરાંની સિઝન સુધી ચાલુ રહેશે. એટલે કે, હોળી સુધી ડાઈંગ મિલોને ગ્રે-કાપડ મળતું રહેશે.

5000ના કોલસાનો ભાવ 15000 થયો, છતાં મળતો નથી

સુરતના મિલમાલિકો અંકલેશ્વરથી કોલસો આયાત કરે છે, પરંતુ ચોમાસાના લીધે તેમાં ઘટ આવી છે. દરમિયાન ચાઈના ઓસ્ટ્રેલિયાના વિવાદના લીધે ઓસ્ટ્રેલિયાથી ચીન જતો કોલસો બંધ થયો છે. એટલે ચીન ઈન્ડોનેશિયાથી બધો કોલસો ખરીદી રહ્યો છે, તેથી ઘટ પડી છે. પહેલાં જે 5000માં કોલસો આવતો હતો તે હવે 15000માં પણ મળતો નથી. આ ઉપરાંત કોરોના પછી શીપ ચાર્જિંગ 40 ટકા વધી ગયો છે, તેથી પણ ભાવવધ્યા છે. કોલસો સરળથી મળતો નથી. મોંઘો થયો છે તેથી વર્કિંગ કેપિટલ પ્રોસેસર્સની વધી ગઈ છે.

Most Popular

To Top