National

માનવામાં નહીં આવે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ કરતાં ભારતમાં ભૂખમરો વધારે છે…!

માનવામાં નહીં આવે, પરંતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ જેવા દેશો કરતાં પણ ભારતમાં ભૂખમરો વધારે છે. આવું એક વૈશ્વિક રિપોર્ટ જણાવે છે. તાજેતરમાં ગ્લોબલ હંગર ઇન્ડેક્સ(GHI) ૨૦૨૧નો રિપોર્ટ બહાર પડ્યો છે, જેમાં ભારત ૧૦૧માં સ્થાને ધકેલાઇ ગયું છે. આ વર્ષે ૧૧૬ દેશોને આ ઇન્ડેક્સમાં સમાવવામાં આવ્યા હતા, જેમાંથી ભારતનું આ સ્થાન આવ્યું છે. ગયા વર્ષે તે ૯૪માં સ્થાને હતું અને ત્યારે પણ તે લોકોને પોષણયુક્ત ખોરાકની બાબતમાં તેના પાડોશી દેશો કરતા પાછળ હતું અને આ વર્ષે પણ પાછળ જ રહ્યું છે.

ભૂખમરા અંગેના આ વૈશ્વિક સૂચક આંકમાં ચીન, બ્રાઝિલ અને કુવૈત સહીતના અઢાર દેશોએ 5 કરતા ઓછા સ્કોર સાથે ટોચનું સ્થાન બનાવ્યું છે. આ ઇન્ડેક્સમાં જ્યાં ભૂખમરો કે કુપોષણ વધારે હોય તેવા દેશોને વધુ સ્કોર સાથે પાછળના સ્થાને મૂકવામાં આવે છે એટલે કે આ દેશોમાં લોકો વધુ ભૂખમરો સહન કરે છે તે દર્શાવવાની સાથે તેમને પોષક આહારની બાબતમાં ખરાબ સ્થિતિ ધરાવતા દેશો ગણવામાં આવે છે અને તેમને પાછળનું સ્થાન આપવામાં આવે છે. આયરિશ એઇડ એજન્સી કન્સર્ન વર્લ્ડવાઇડ અને જર્મન સંગઠન વેલ્ટ હંગર હીલ્ફ દ્વારા સંયુક્તપણે આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે. તેમણે ભારતમાં ભૂખમરાની સ્થિતિને ચેતવણીસૂચક ગણાવી હતી.

ગયા વર્ષ એટલે કે ૨૦૨૦ના વર્ષમાં આ ઇન્ડેક્સમાં ૧૦૭ દેશોને સમાવવામાં આવ્યા હતા, જેમાંથી ભારતનું સ્થાન ૯૪મુ હતું, આ વર્ષે ૧૧૬ દેશો આ ઇન્ડેક્સમાં છે અને તેમાં ભારતનું સ્થાન છેક ૧૦૧મા ક્રમે આવ્યું છે, એટલે કે ભૂખમરાની બાબતમાં ફક્ત ૧પ દેશો જ એવા છે જેમની હાલત ભારત કરતા વધુ ખરાબ છે. ભારતના પાડોશી દેશોમાંથી નેપાળ ૭૬મા સ્થાને આવ્યું છે, જ્યારે બાંગ્લાદેશ પણ ૭૬મા સ્થાને છે જ્યારે મ્યાનમાર અને પાકિસ્તાન અનુક્રમે ૭૧મા અને ૯૨મા સ્થાને આવ્યા છે. આ દેશોમાં પણ પૂરતા પોષક આહારની બાબતમાં સ્થિતિ બહુ સારી તો નથી, પરંતુ લોકોને પોષણયુક્ત ખોરાક આપવાની બાબતમાં તેમણે ભારત કરતા તો સારી જ કામગીરી કરી છે.

આ ઇન્ડેક્સ ચાર ઇન્ડિકેટરોના આધારે તૈયાર કરવામાં આવે છે – કુપોષણ, પાંચથી નીચેની વયના બાળકોમાં ઉંચાઇના પ્રમાણમાં ઓછું વજન, પાંચથી નીચેની વયના બાળકોમાં ઓછી ઉંચાઇ અને પાંચ વર્ષથી ઓછી વયના બાળકોમાં મૃત્યુદર. જો કે બાળ મૃત્યુદ, બાળકોમાં ઓછી ઉંચાઇ અને અપૂરતા ખોરાકના કારણે કુપોષણ જેવી બાબતોમાં ભારતે પોતાની સ્થિતિ સુધારી છે. કોવિડના રોગચાળાને કારણે પણ કુપોષણ સામેની લડાઇને મોટો ફટકો પડ્યો છે એમ આ અહેવાલ જણાવે છે.

Most Popular

To Top