Comments

ગાંધીવાદીઓ: ઉત્તરના અને દક્ષિણના

મે મહિનામાં ત્રણ નોંધપાત્ર ભારતીયોનો દેહાંત થયો. આ ત્રણે ગાંધીજીથી ખાસ્સા પ્રભાવિત થયા હતા. ભલે તેઓ અલગ અલગ ભૌગોલિક પર્યાવરણમાં રહેતા હતા અને જુદી જુદી રીતે ‘ગાંધીવાદ’ વ્યકત કર્યો હતો. આ ત્રણમાંથી એક 80 ની ઉપર, બીજા 90 ની ઉપર અને ત્રીજા 100 ની ઉપર હતા. આપણે તેમના મૃત્યુનો શોક વ્યકત કરવા સાથે ઉજવણી પણ કરવી જોઇએ. આમાંના પહેલા ગાંધીવાદી હતા. ઉત્તરાખંડના સુંદરલાલ બહુગુણા. 1973 માં અલકનંદાની ઉપરવાસની ખીણમાં ‘ચિપકો’ આંદોલન શરૂ થયું ત્યાં સુધી સુંદરલાલે દાયકાઓથી સામાજિક કાર્ય કર્યું હતું. ચિપકો આંદોલનનો પ્રારંભ ચંડીપ્રસાદ ભટ્ટે કર્યો હતો અને સુંદરલાલ બહુગુણાના શબ્દોમાં કહીએ તો તેઓ મુખ્ય સંચાલક હતા. ચામોલી જિલ્લામાં સ્ત્રી-પુરુષોએ જે કર્યું હતું તેનાથી પ્રેરાઇને બહુગુણા ચિપકોનો ખ્યાલ પોતાના ગંગાની પ્રશાખા ભાગીરથની ખીણમાં લાવ્યા હતા અને વન વિસ્તારમાં લાંબા સમય સુધી ઉપવાસ કરી લીલાં ઝાડ કાપી નાંખવા સામે વિરોધનું આયોજન કર્યું હતું. હું મારી ડોકટરેટની તૈયારી કરતો હતો ત્યારે 1981 માં હું સુંદરલાલને મળ્યો હતો.

મારો ડોકટરેટનો વિષય ચિપકો આંદોલન હતો અને તે વખતે તેઓ આ વિષય પર મારી સાથે વાતચીત કરવા કોલકાટા આવ્યા હતા. પછી તો મેં બાધ્યારની ખીણની રૂબરૂ મુલાકાત પણ લીધી અને સુંદરલાલ અને ચંડીપ્રસાદ ભટ્ટ સાથે કામ કરી ચૂકેલી ખેડૂત સ્ત્રીઓને મળ્યો અને હું બંનેનો પ્રશંસક બની ગયો. પત્રકારો અને શિક્ષિતો તરત જ પક્ષ લેવા માંડયા: કોઇના મતે બહુગુણા સાચા નેતા હતા તો કોઇના મતે ચંડીપ્રસાદ ભટ્ટ. પણ મારા મતે બંનેએ આ ચળવળમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બંનેના અભિગમ અલગ હતા, પણ પૂરક હતા. 1970 ના દાયકાના વિરોધ પછી ઉત્તરાખંડમાં વેપાર માટે ઝાડ કાપવાનું ખૂબ ઓછું થઇ ગયું. બહુગુણા ચિપકોનો સંદેશો હિમાલયમાં આરપાર લઇ ગયા. ભટ્ટે વિદ્યાર્થીઓ અને સ્ત્રીઓની મદદથી બોડા પર્વતો પર પુનર્વનીકરણ પર વિશેષ ધ્યાન આપ્યું. બહુગુણાના મૃત્યુના પાંચ દિવસ પછી તેમના જેવો જ ઉત્સાહ અને શકિત ધરાવતા કર્ણાટકના બીજા એક ગાંધીવાદી એચ.એસ. દોરેસ્વામી ગુજરી ગયા. તેઓ બહુગુણા કરતાં એક દાયકો મોટા હતા. વિદ્યાર્થી તરીકે દોરેસ્વામી ગાંધીજીને તેઓ 1936 ના ઉનાળામાં નાંદી પર્વત પર વિશ્રામ માટે આવ્યા હતા ત્યારે મળ્યા હતા. તેમણે ભારત છોડો આંદોલનમાં માયસોરના રજવાડામાં ખાસ્સી ભૂમિકા ભજવી હતી અને પરિણામે જેલવાસ પણ ભોગવ્યો હતો. 1950 અને 1960 ના દાયકામાં તેમણે સર્વોદય ચળવળમાં કામ કર્યું ન હતું અને જમીનની પુનર્વહેંચણી પર ધ્યાન આપ્યું હતું. 1975 માં કટોકટી આવી ત્યારે તેમણે કર્મશીલ બનવા સામાજિક પ્રવૃત્તિઓ છોડી દીધી અને અંગ્રેજોના રાજમાં જેલમાં જનાર આ કાર્યકર આઝાદ ભારતમાં પણ જેલમાં ગયા.

જેલમાંથી છૂટયા પછી તેમણે વધુ માનવીય કામગીરીમાં પોતાનો ફાળો આપવા માંડયો અને તે કામગીરી હતી પશ્ચિમ ઘાટમાં એક લશ્કરી ઔદ્યોગિક પર્યાવરણના કરાતા નાશ સામે લડત આપવાની. ત્યારે તેઓ જિંદગીના સાત દાયકા પસાર કરી ચૂકયા હતા. સુંદરલાલજીની જેમ યુવાનોને આકર્ષી શકે તેવો મળતાવડો સ્વભાવ રાખતા હતા. નિર્ભીક સ્વભાવને કારણે તેઓ જમીનના માફિયાઓ, ખાણમાલિકો અને ભ્રષ્ટ રાજકારણીઓ સામે ટક્કર લઇ શકતા હતા. જિંદગીના નવ દાયકા પસાર કર્યા છતાં તેમનામાં ઉત્સાહ, પ્રતિબધ્ધતા, જુસ્સો અને સ્વમાનની ઉત્કટ ભાવના ટકી રહ્યા હતા. તેમની પાસે પોતાની કાર ન હતી. તેઓ બસમાં જ મુસાફરી કરતા.

અન્ય તમામ સિધ્ધિઓ છતાં સ્વતંત્ર ભારતમાં ગાંધીવાદી ચળવળે હિંદુત્વ બહુમતના ઉદય સાથે પ્રજાસત્તાક પર ઝળુંબતા જોખમ સામે કયારેય પૂરતું ધ્યાન આપ્યું નથી. હા, સુંદરલાલ બહુગુણા પ્રસંગોપાત વિશ્વ હિંદુ પરિષદના સથવારે આ ગંદા પાણીમાંથી નાવ ચલાવી ગયા છે. આ બાબતમાં દોરેસ્વામી એક જવલંત અપવાદ હતા. 102 વર્ષની ઉંમરે તેણે અનૈતિક નાગરિકત્વ સુધારા ધારા સામે ઝુંબેશ ચલાવી હતી. પોલીસદમન સામે ખાસ કરીને દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામીયાની વિદ્યાર્થિનીઓ સહિતના વિદ્યાર્થીઓએ બતાવેલી ઉદાહરણરૂપ હિંમતને પગલે પ્રેરણા લઇ તેમણે જાહેર નિવેદન કર્યું હતું અને માર્ચ 2020 માં ખુલ્લી જગ્યાના શામિયાણામાં જઇને બેઠા હતા અને તેમણે સદરહુ કાયદાને સદંતર ભેદભાવભર્યો અને રાષ્ટ્રના સ્થાપના સિધ્ધાંત સામે આપખુદ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મુસલમાનોએ ભારતીય બનવાનું પસંદ કર્યું છે. તેમને હવે નાગરિકતા પુરવાર કરવાનું નહીં કહી શકાય. શાસનની ભેદભાવભરી નીતિઓનો વિરોધ મને રાષ્ટ્રવિરોધી નથી બનાવતો. આપણે સરકાર, રાજય અને રાષ્ટ્ર વચ્ચે તફાવત પાડવો જ રહયો.

સુંદરલાલ બહુગુણા અને દોરેસ્વામી બંને નિર્ભીક રીતે અને ચતુરાઇપૂર્વક પોતાના વિચારો વ્યકત કરતા હતા. બંને સોહામણા હતા. બહુગુણા પછી અને દોરેસ્વામી પહેલાં તેમનાથી સ્વભાવમાં અલગ એવા એક અન્ય ગાંધીવાદી ગુજરી ગયા. કે.એમ. નટરાજન. તેઓ સ્વભાવે સાલસ અને પોતાની જાતને પડદા પાછળ રાખનાર હોવાથી સુંદરલાલ અને દોરેસ્વામી જેટલા જાણીતા નહોતા. પણ પોતાના વતન રાજય તામિલનાડમાં ગાંધીભાવનાનું મૂર્તિમંત સ્વરૂપ હતા અને રચનાત્મક કાર્યકર હતા. વિદ્યાર્થીકાળમાં ગાંધીજીથી પ્રેરાઇને તેઓ 1956-57 માં તેઓ વિનોબા ભાવેની તામિલનાડમાં લાંબી પદયાત્રામાં જોડાયા હતા અને ભૂદાન યજ્ઞને પ્રજવલિત કર્યો હતો અને પછી ગ્રામ પુનર્નિર્માણમાં પોતાની જાત ઘસી નાંખી હતી. તેમણે જ્ઞાતિભેદ નાબૂદી, સજીવ ખેતી અને ખાદીના પ્રોત્સાહન તેમ જ મંદિરોની જમીન ભૂમિવિહીન ખેતમજૂરોને આપવાની પ્રવૃત્તિ કરી હતી. તેમની સાથે શંકર લિંગમ, તેમની પત્ની કૃષ્ણમ્મલ જગન્નાથન અને ખાદીધારી અમેરિકન રાલ્ફ રિચાર્ડ કીથન જોડાયા હતા.

1996 માં મેં ગાંધીવાદી અર્થશાસ્ત્રી જે.સી. કુમારાપ્પા વિશે લેખ લખ્યો હતો, જેના પગલે મને મદુરાઇથી એક એવા માણસનો પત્ર મળ્યો, જેણે કુમારપ્પા સાથે નિકટતાથી કામ કર્યું હતું. ઘણાં વર્ષો પછી કીથનના જીવન વિશે સંશોધન કરતાં મને ખબર પડી કે નટરાજન પણ તેમને સારી પેઠે જાણતા હતા. તેમણે મને કીથન વિશે ઘણી અંતરંગ માહિતી આપી અને પત્રો આપ્યા. ઉત્તરાખંડના બહુગુણાએ મને શીખવ્યું કે માનવી પ્રાકૃતિક દુનિયાથી અલગ કે ચડિયાતો નથી અને આપણે ટકી રહેવું હશે તો બાકીનાં સર્જનને આદર આપવો જ રહ્યો. કર્ણાટકના દોરેસ્વામીએ શીખવ્યું કે ધર્મ, જ્ઞાતિ, જાતિ અને વંશના ભેદભાવ ભારતના બંધારણને અનુરૂપ નથી. માનવતાને પણ અનુરૂપ નથી. આવા ભેદભાવનો અહિંસક વિરોધ કરવો એ ન્યાય અને સ્વાતંત્ર્યના સૌ ઉપાસકોની ફરજ છે. તામિલનાડના નટરાજને શીખવ્યું કે સાચી આત્મનિર્ભરતા શરૂ થાય છે અને ગ્રામીણ સ્વનિર્ભરતા પ્રદૂષણ નિયંત્રણ જેટલી જ મહત્ત્વની છે. આ ત્રણે સ્થાનિક ધોરણે કામ કરતા હોવા છતાં વૈશ્વિક રીતે વિચારતા હતા.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top