World

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ, ઈસ્લામાબાદમાં તોફાન ફાટી નીકળ્યા

નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ (Pak Ex PM Imran Khan Arrest) કરવામાં આવી છે. પાક રેન્જર્સ દ્વારા ધક્કા મારીને ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. ઈમરાનની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે તેઓએ હાલમાં જ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના અધિકારી મેજર જનરલ ફૈઝલ નસીર પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

ઈમરાન ખાને ISIના અધિકારી મેજર જનરલ ફૈઝલ નસીર પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ઇમરાન ખાનની આજે ઇસ્લામાબાદની કોર્ટની બહારથી ધરપકડ કરાઈ છે. ઈમરાન ખાન ભ્રષ્ટ્રાચારના મામલે કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટની બહાર નીકળતી વખતે રેન્જર્સે તેમની ધરપકડ કરી હતી. ઇમરાન ખાનને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હોવાની માહિતી સામે આવી છે. ઇમરાનના વકીલ ફૈઝલ ચૌધરીએ તેમની ધરપકડની વાતને સમર્થન આપ્યું છે. ખાનની પાર્ટીના નેતા મર્સરત ચૌધરીના જણાવ્યા અનુસાર ઇમરાન ખાનને ટોર્ચર કરવામાં આવી રહ્યાં છે. ચૌધરીએ ઇમરાન ખાનની હત્યાનો ભય પણ વ્યક્ત કર્યો છે.

દરમિયાન ઈમરાન ખાનના રાજકીય પક્ષ પીટીઆઈ દ્વારા ટ્વીટર પર એક વીડિયો જાહેર કરાયો છે. આ વીડિયોમાં પાર્ટી દ્વારા દાવો કરાયો છે કે ઈમરાન ખાનના વકીલ સાથે મારપીટ થઈ છે. લોહીલુહાણ વકીલનો વીડિયો પાર્ટીએ વાયરલ કર્યો છે.

આ કેસમાં થઈ છે ધરપકડ
ઇમરાન ખાનની અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ધરપકડ થઈ હોવાની માહિતી સામે આવી છે. ઇમરાન ખાને વડાપ્રધાન તરીકે આ યુનિવર્સિટીને કરોડો રૂપિયાની જમીન ગેરકાયદેસરરીતે આપી હતી. આ કેસનો ખુલાસો પાકિસ્તાનના સૌથી ધનિક વ્યક્તિ મલિક રિયાઝે કર્યો હતો. રિયાઝે કહ્યું હતું કે, ઇમરાન અને તેમની પત્નીએ ધરપકડનો બીક બતાવી અબજો રૂપિયાની જમીન પોતાને નામે કરાવી હતી. ત્યાર બાદ રિયાઝ અને તેની પુત્રીની વાતચીતનો ઓડિયો લીક થયો હતો.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસે પૂછ્યું, કયા કેસમાં ધરપકડ કરી?
ઈમરાન ખાનની હાઈકોર્ટમાંથી ધરપકડ કરાઈ છે ત્યારે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આમર ફારુકે ગૃહમંત્રાલયના સચિવ અને ઈસ્લામાબાદના પોલીસ વડા પાસે આ ધરપકડ મામલે રિપોર્ટ માંગ્યો હતો. ચીફ જસ્ટિસે બંને અધિકારીઓને કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો હતો અને સાથે કહ્યું હતું કે, જો 15 મિનીટમાં બંને અધિકારીઓ કોર્ટમાં હાજર નહીં થાય તો પાકિસ્તાનના વડાપ્રધાનને બોલાવવામાં આવશે. ચીફ જસ્ટીસે પૂછ્યું કે આ બંને અધિકારીઓએ ઈમરાનની કયા કેસમાં ધરપકડ કરાઈ તેનો ખુલાસો કોર્ટ સમક્ષ કરવો પડશે.

ઇમરાન ખાનના સમર્થકો ગુસ્સે ભરાયા, ઈસ્લામાદમાં તોડફોડ
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના ઘણા સમર્થકો રસ્તા પર આવી ગયા છે. ઈસ્લામાબાદમાંથી આવી તસવીરો સામે આવી રહી છે જેમાં આગચંપી અને તોડફોડ જોવા મળી રહી છે. પીટીઆઈની અપીલ બાદ પાર્ટીના ઘણા સમર્થકો શહેરના જુદા જુદા ભાગોમાં આગ લગાવી રહ્યા છે અને ઈમરાન ખાનને છોડાવવા માટે આઝાદીના નારા લગાવી રહ્યા છે. મામલાની ગંભીરતાને જોતા ઈસ્લામાબાદ પોલીસે શહેરમાં કલમ 144 લાગુ કરી દીધી છે અને પોલીસ સ્પષ્ટપણે કહે છે કે ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top