SURAT

વરાછા ગરનાળા પાસેની ફૂટપાથ પર બે વર્ષની બાળકીને ઊંઘતી મુકી યુવક જતો રહ્યો, CCTV આવ્યા સામે

સુરત: સુરતના (Surat) વરાછાના (Varacha) ગરનાળા પાસે આવેલી એક હોટલની ફૂટપાથ પર આજે સવારે બે વર્ષની લાવારીસ બાળકી મળી આવી છે. આ બાળકીને ઊંઘતી હાલતમાં કોઈ અજાણ્યો યુવક છોડી ગયો હોવાનું સીસીટીવી (CCTV) ફૂટેજમાં કેદ થયું છે. પોલીસે બાળકીનો કબ્જો લઈ અજાણ્યા યુવકની શોધ હાથ ધરી છે.

વરાછા ખાંડ બજાર ગરનાળા પાસે આવેલી હોટલની સામે સવારના સમયે અજાણી વ્યક્તિ માત્ર દોઢથી બે વર્ષની બાળકીને મૂકી ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે માસુમ બાળકીનો કબ્જો લઇ કતારગામ અનાથ આશ્રમ ખાતે મોકલી આપી છે. હાલ તો પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વરાછા ખાડ બજાર પરનાળા હોસ્પાઇસ હોટલની સામે ગાયત્રી ટી સ્ટોલ નામની દુકાન આવેલી છે. સવારે 7 વાગ્યાના અરસામાં કોઇ અજાણી વ્યક્તિ ગાયત્રી ટી સ્ટોલ નામની દુકાનની બાજુના ઓટલા પર દોઢથી બે વર્ષની માસુમ બાળકીને મૂકી ફરાર થઇ ગયો હતો.

જોકે માસુમ બાળકીનો રડવાનો અવાજ સાંભળીને લોકો ભેગા થઇ ગયા હતા અને વાલી વારસ શોધવા માટે કોશિશ કરી હતી પરંતુ કોઇ વાલી વારસ ને મળતા સ્થાનિક લોકોએ વરાછા પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા જ વરાછા પોલીસ ઘટના પહોંચી હતી અને દોઢથી બે વર્ષની માસુમ બાળકીનો કબજો લઇ કતારગામ ખાતે આવેલ
અનાથ આશ્રમમાં મોકલી આપી હતી.

બનાવને પગલે નારગામ વેડરોડ જોગણી માતાના મંદિર પાસે બહુચર નગર સોસાયટીમાં રહેતા 25 વર્ષીય કેતનભાઇ રમેશભાઇ બાબરીયાએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણી વ્યક્તિ સામે બાળકને ત્યજી દેવાનો ગુનો નોંધ્યો છે. તેના આધારે તપાસ હાથ ધરી છે. પરંતુ હજુ સુધી બાળકના માતા પિતાની કોઇ ભાળ મળી નથી.

આ ઉપરાંત બાળકીને કોણ મૂકીને ગયું તેની પણ કોઇ જાણ થવા પામી નથી. જોકે હાલ તો વરાછા પોલીસ મથકના પીએસઆઇ એ.બી.ચૌધરીએ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ફૂટપાથ પર બાળકી ઊંઘી રહી છે અને તેની બાજુમાં જિન્સ અને વ્હાઈટ શર્ટ પહેરેલો યુવક બેઠો છે. તે થોડીવાર આમ તેમ જુએ છે અને પછી ખભે બેગ લટકાવી ત્યાંથી જતો રહે છે. આ સીસીટીવીના આધારે પોલીસે યુવકની શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top