Gujarat

અમદાવાદ રિવરફ્રન્ટ પર શરૂ થવા જઈ રહી છે ક્રૂઝ સેવા, ફાઈવ સ્ટાર ભોજન સાથે મનોરંજન

અમદાવાદ: (Ahmedabad) અમદાવાદમાં ટૂંક સમયમાં રિવરફ્રન્ટ (River Front) પર ક્રૂઝ સેવા (Cruise Service) શરૂ થશે. જેને લઈને અમદાવાદીઓ ઉત્સાહમાં છે. આ ક્રૂઝમાં લોકો હરવા ફરવા સાથે લંચ અને ડિનર (Dinner) લઈ શકશે. ફાઈવ સ્ટાર (Five Star) લેવલનું ફૂડ ક્રૂઝમાં પરોસવામાં આવશે. ઉપરાંત દોઢ કલાકની આ ટ્રીપમાં ભોજનની સાથે સાથે સતત દોઢ કલાક સુધી મનોરંજક કાર્યક્રમ પણ યોજાશે. આ ક્રૂઝ સેવાથી અમદાવાદને અન્ય શહેરના ટુરિસ્ટ મળવાની પણ શક્યતાઓ જણાવાઈ રહી છે.

વર્ષ 2012માં પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, આ રિવરફ્રન્ટ મનોરંજન અને હરવાફરવાનું કેન્દ્ર બન્યો છે ત્યારે મે મહિનામાં ક્રુઝ રેસ્ટોરન્ટને કારણે રિવરફ્રન્ટને ચાર ચાંદ લાગી જશે. આ ક્રૂઝ ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને ભારત સરકારના ધોરણો પર બનાવવામાં આવ્યું છે. ક્રુઝ કંપની અક્ષર ટ્રાવેલ્સના ચેરમેન મનીષભાઈ શર્માએ જણાવ્યું કે આ ડબલ ડેકર ક્રુઝ હેરિટેજ સિટી એટલે કે જૂના અને નવા અમદાવાદને જોડતી સાબરમતી નદીની અંદર દોડશે. તેમણે જણાવ્યું કે ક્રૂઝમાં સવાર દરેક લોકો માટે તેને યાદગાર પ્રવાસ બનાવવાનો અમારો પ્રયાસ રહેશે.

કઈ સુવિધાઓ હશે ક્રૂઝમાં
ક્રૂઝમાં દરરોજ 600 મુસાફરો મુસાફરી કરી શકશે. એક સમયમાં ક્રૂઝમાં કુલ 150 લોકો સવાર થઈ શકશે. દરેક સફર દોઢ કલાકની હશે. ક્રૂઝનું ફૂડ ફાઈવ સ્ટાર લેવલનું અને અદ્ભુત હશે. ભોજનની સાથે સાથે સતત દોઢ કલાક સુધી મનોરંજનના કાર્યક્રમો પણ યોજાશે. ડિનરની સાથે લોકો તેમાં લંચ પણ લઈ શકશે. આખા દિવસમાં ડિનર માટે બે ટ્રિપ અને લંચ માટે બે ટ્રિપ હશે. એટલે કે સંપૂર્ણ ક્ષમતામાં ક્રૂઝમાં દરરોજ 600 મુસાફરો મુસાફરી કરી શકશે.

અક્ષર ટ્રાવેલ્સના ચેરમેન મનીષભાઈ શર્મા જણાવે છે કે આ ક્રૂઝ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્ર મેક ઈન ઈન્ડિયાને સમર્પિત છે. ભારતના યુવા એન્જિનિયરોએ આ ક્રૂઝ બનાવ્યું છે. અમદાવાદના તેમજ ગુજરાતના લોકોને ખુબજ ટુંક સમયમાં તેનો લાભ મળશે. તમામ બુકિંગ ઓનલાઈન કરવામાં આવશે અને ટિકિટની કિંમત થોડા દિવસોમાં નક્કી કરવામાં આવશે.

જ્યારથી સાબરમતી રિવરફ્રન્ટ શરૂ થયો છે ત્યારથી તેમાં એક યા બીજું આકર્ષણ ઉમેરાયું છે. ડિનર અને લંચ સાથે દોઢ કલાક સુધી ક્રુઝની મજા માણવી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ પહેલથી અમદાવાદના લોકો ઝડપથી ક્રૂઝ શરૂ થાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે સાબરમતી રિવરફ્રન્ટથી સી પ્લેન સેવાની શરૂઆત કરી હતી જે ફરી શરૂ થવાની શક્યતા દર્શાવાઈ રહી છે.

Most Popular

To Top