Charchapatra

જૂઠાઓની સરકારના જૂઠા વાયદા

વર્તમાન ગુજરાત સરકાર છેલ્લાં 10 વર્ષથી જાતજાતનાં જૂઠાણાંઓ ચલાવીને અને પ્રજાની કોણીએ ગોળ લગાડીને સત્તા મેળવતી રહી છે. પ્રજા પાસે પણ યોગ્ય વિકલ્પ ન હોવાથી અને મુસ્લિમોના કાલ્પનિક ભયથી નઠારાઓને માથે ચડાવી રહી છે. આનો પુરાવો આપતું ચર્ચાપત્ર તા. 8/8ના ‘ગુજરાતમિત્ર’માં કોઇ ખેડૂત ભાઇએ લખ્યું છે, જેમાં રૂપાણી સરકારે ખેડૂતોને 1 પીપ અને 2 પ્લા.ના ટબ આપવાનું જાહેર કરેલું, જે વાયદો હજુ પૂરો કરાયો નથી! એ જ રીતે ભૂતકાળમાં આ જ ભાજપ સરકારે રાજયના લોકોના ગેરકાયદે (મંજૂરી વગરનાં) બાંધકામો રેગ્યુલરાઇઝ કરવા ઇમ્પેકટ ફી યોજના મૂકેલી તથા 21/1 હેઠળની ફાઇલોવાળી 50 લાખથી વધુ મિલ્કતોના માલિકોને રાહત દરે દસ્તાવેજો બનાવી આપવાની અને તમામ મિલ્કત ધારકોને ફોટા સહિતના પ્રોપર્ટી કાર્ડ આપવાની જાહેરાતો કરેલી, પરંતુ આ કામ કરતી સંવેદનશીલ સરકારે 50 લાખ મિલ્કતદારોને નથી ઇમ્પેકટી ફી ભર્યા પછીની એનઓસી આપી કે નથી દસ્તાવેજો બનાવી મિલ્કતદારોને પ્રોપર્ટીકાર્ડ આપ્યા. ઉપરના તમામ વાયદાઓ સફેદ જૂઠ સાબિત થયા છે. હવે આગામી ચૂંટણીમાં આ છેતરાયેલા 50 લાખ મિલ્કતદારો યાને 2 કરોડ નારાજ મતદારો વર્તમાન અભિમાની અને ઢોંગી ભાજપ સરકારને ઘરે ભેગી કરવા 440 વોટનો મરણતોલ ઝટકો આપી શકે છે. પ્રજા સમજદારી બતાવી પાઠ ભણાવે એ જરૂરી છે. ભાજપની ઘમંડી સરકાર સતત પ્રજાને ઉલ્લુ બનાવી રહી છે.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top