Charchapatra

રાજકારણમાં મૂલ્યો,આદર્શોને કોઈ સ્થાન નથી

૫૭ નિર્દોષોનાં મોત માટે જવાબદાર ગુજરાતનો લઠ્ઠાકાંડ અને લમ્પી વાયરસને લીધે અસંખ્ય પશુઓનાં મોત, એ સાહેબના હર ઘર ત્રિરંગા, ઘર ઘર ત્રિરંગા અભિયાનમાં સાવ ભૂલાઇ ગયા. જનતા ડી.પી. બદલાવામાં વ્યસ્ત થઇ ગઇ અને નેતાઓ ઉજવણીમાં વ્યસ્ત બન્યા! આ નેતાઓ બહુ સારી રીતે જાણે છે કે જનતાની યાદદાસ્ત બહુ ટૂંકી હોય છે અને તેઓ એનો જ ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે! હર ઘર ત્રિરંગા માટે જે રીતે નિયમોમાં છુટછાટ અપાઇ કે બાંધછોડ કરાઇ તે કેટલે અંશે યોગ્ય છે? આમેય ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરી પછી અસંખ્ય ત્રિરંગાઓ રસ્તે રઝળતા મળે છે તો આ વખતે કેટલું પાલન થશે એ તો આવનાર સમય જ કહેશે! પણ એક વાત સ્પષ્ટ છે કે રાજકારણમાં મૂલ્યો, આદર્શો, સિધ્ધાંતોને કોઇ સ્થાન હોતું નથી! એક – બીજાના કટ્ટર દુશ્મનો નીતીશકુમાર અને લાલુપ્રસાદ હવે હાથ મિલાવી સરકાર બનાવશે તો એક સમયના મહારાષ્ટ્રના સી.એમ. રહી ચૂકેલા ફડનવીસ હવે શિંદે સરકારમાં સ્વમાનને ભોગે ડેપ્યુટી સી.એમ. બનશે અને કામ કરશે! ગુજરાતમાં નેતાઓ દારૂબંધીના નામે થતી અઢળક ‘આવક’ જતી કરવા તૈયાર નથી અને કેજરીવાલ ગુજરાતમાં એ જ દારૂની બોટલીમાં છેદ કરવા તત્પર છે!
સુરત – ભાર્ગવ પંડયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top