Vadodara

GST વિભાગના ઇન્સ્પેકટર પતિએ પત્નીને ઉપરી અધિકારી સાથે કંઢગી હાલતમાં ઝડપી

વડોદરા : શહેરના રેસકોર્સ સ્થિત જીએસટી ભવનમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતી પત્ની અને જીએસટી અધિક્ષકને  પોતાના ઘરના બેડરૂમમાં જ કઢંગી હાલતમાં જીએસટી ભવનમાં જ ફરજ બજાવતા ઇન્સ્પેકટર પતિએ રંગેહાથ  ઝડપી પાડ્યા હતા. અધિક્ષકે રંગે હાથે પકડનાર પતિને તારી પત્ની સાથે મારા આડા સંબંધ છે તારાથી જે થાય તે કરી લે તેમ કહી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે અધિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ હરિયાણાના ધરમપુરના રહેવાસી અને હાલમાં વડોદરા ખાતે રહેતા પંકજ રમેશસિંગ છીકારા રેસકોર્સ સ્થિત જીએસટી ભવનમાં જીએસટી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2018 દરમિયાન તેમને સહકર્મી અને જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતી 28 વર્ષીય યુવતી સાથે  પ્રેમ સંબંધ પાંગરતા સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે તકરાર થતાં પતિ પત્ની અલગ રહેતા હતા. તકરારમાં પત્ની પંકજ ઉપર હાથ ઉપાડી માર પણ મારતી હતી. જેથી પંકજ અન્ય સહકર્મી મિત્રો સાથે અલગ રહેવા લાગ્યો હતો. ત્યારબાદ પતિ સાથે ન રહી વડોદરા તાંદલજા વિસ્તારમાં અલગ રહેતી પત્નીના ઘરે અવારનવાર યુવકો આવતા હતા. જે બાબતની સ્થાનીક લોકો દ્વારા પંકજને જાણ થતી હતી. જેથી પત્નીને સમજાવવાનો પ્રયાસ કરતાં પંકજને પત્ની ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી.

15 ઓગસ્ટે પત્નીના ઘરે કોઈ અજાણ્યો વ્યક્તિ આવ્યો છે તેવી માહિતી પંકજને મળી હતી. જેથી પંકજ પત્નીના ઘરે પહોંચ્યો હતો. ત્યારે ઘરે પહોંચેલા પંકજે બંધ દરવાજો ખખડાવતા પત્નીએ દરવાજો ખોલ્યો હતો. જેથી ઘરમાં પ્રવેશી પંકેજે તપાસ કરતા બેડરૂમમાં સુભાનપુરા જીએસટી વિભાગમાં ફરજ બજાવતા અધિક્ષક જશવંતકુમાર પરમાનંદ ચાલીયા કઢંગી હાલતમાં સૂતેલો જોવા મળ્યો હતો. બેડરૂમમાં મળી આવેલા જશવંતકુમારને બેડરૂમમાં હાજરી બાબતે પૂછતાં તેણે જણાવ્યું હતું કે, તું કોણ પૂછનાર છે. હું તારો સાહેબ છું. તેમ કહી અપશબ્દો બોલી લાફા ઝીંકી દીધા હતા અને વધુમાં જણાવ્યું હતું કે, તારી પત્ની સાથે મારા આડા સંબંધ છે તારાથી જે થાય તે કરી લે અને જો અમારી બંને વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.

ત્યારે પંકજે શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરતા મહિલા પોલીસ સાથે પોલીસ ઘટના સ્થળે દિપડી આવી હતી. ત્યારબાદ પોલીસ પંકજ અને તેની પત્ની અને અધિક્ષકને લઇ પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં પંકજે બનાવ અંગે જે પી પોલીસ મથકમાં જીએસટી વિભાગના અધિક્ષક જશવંતકુમાર પરમાનંદ ચાલીયા (રહે-સીનોવે પેલેડીયમ, વાસણા -ભાયલી રોડ, વડોદરા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારી ધાક-ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top