Editorial

ફાંસી કે પછી અન્ય પદ્ધતિથી ગુનેગારોને દેહાતદંડ?: સુપ્રીમ કોર્ટએ સુનાવણી શરૂ કરી

ભારતમાં ગુનો કર્યા બાદ જો કોઈ સર્વોચ્ચ સજા હોય તો તે ફાંસીની છે. સામાન્ય રીતે દેશમાં ખૂબ ઓછા ગુનેગારોને ફાંસીની સજા આપવામાં આવે છે. તેની પાછળનો હેતુ એવો છે કે શક્ય હોય ત્યાં સુધી જે તે ગુનેગારને સુધારી શકાય. જે ગુનેગારને સુધારી જ નહીં શકાય તેવો હોય તો નાછૂટકે ફાંસી આપવામાં આવે છે. ગુનેગારોને ફાંસીની સજા આપવી જોઈએ કે કેમ તેની પર અનેક વખત વાદ-વિવાદ થયા છે.

દુનિયામાં ભારત સહિત માત્ર 58 દેશમાં જ મોતની સજા આપવામાં આવે છે. જ્યારે 97 દેશ એવા છે કે જેમાં મોતની સજા આપવામાં આવતી નથી. આ દેશમાં ભૂતકાળમાં માત્ર યુદ્ધ વખતે જ મોતની સજાઓ આપવામાં આવી છે. જે દેશમાં મોતની સજા ફરમાવવામાં આવે છે તેમાં ગોળી મારવી, ફાંસી આપવી, ઈન્જેકશનથી મોત નિપજાવવું, કરંટ આપીને મોત નિપજાવવું, ગેસ ચેમ્બરમાં નાખીને મોતની સજા કરવી, માથું વાઢી નાખીને ગુનેગારને દેહાતદંડની સજા કરવામાં આવે છે.

ઈન્જેકશન કે પછી માથું વાઢી નાખીને મોતની સજામાં ગુનેગારને એટલું દર્દ થતું નથી પણ ફાંસી આપવામાં આવે તો ગુનેગારને થતી પીડા અસહ્ય હોય છે. આ કારણે જ ફાંસીની સજા હોવી જોઈએ નહીં તેવી ચર્ચા ફરી ઉઠી છે. આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કેન્દ્ર સરકાર પાસે ફાંસીની સજા સહિતના આંકડાઓ માંગવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટએ પુછ્યું છે કે ફાંસીથી ગુનેગારને કેટલી પીડા થાય છે? ફાંસીની સજા પર આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો શું મત છે? દેશમાં કે વિદેશમાં ફાંસીની સજાના વિકલ્પ અંગે કોઈ ડેટા છે કે કેમ? સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગે એવો સંકેત આપવામાં આવ્યો છે કે, આ અંગે નિર્ણય કરવા માટે આગામી દિવસોમાં નિષ્ણાંતોની કમિટીની રચના કરવામાં આવશે.

બાદમાં તેના રિપોર્ટના આધારે સુપ્રીમ કોર્ટ દ્વારા વિચારણા કરવામાં આવશે કે ગુનેગારોને પીડારહિત અન્ય રીતે મોત આપી શકાય કે કેમ? આ અંગે આગામી તા.2જી મેના રોજ સુનાવણી રાખવામાં આવી છે. હાલમાં જ્યારે આ ફાંસીની સજા અંગે સુનાવણી થઈ ત્યારે મુખ્ય ન્યાયાધીશે અરજકર્તાને કહ્યું હતું કે, ગુનેગારોને કરાતી ફાંસીની પીડા એ ચિંતાનો વિષય છે. આ અંગે અમારે વૈજ્ઞાનિક ડેટાઓની જરૂરીયાત છે. અરજીકર્તા દ્વારા કરવામાં આવેલી પીઆઈએલમાં એવા સૂચનો કરવામાં આવ્યા છે કે ફાંસી આપવાને બદલે ગોળી મારવી, ઈન્જેકશન આપવું કે પછી કરંટ લાગવાથી પણ દેહાતદંડ કરી શકાય છે.
અરજકર્તાના વકીલે ત્યાં સુધી કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા ઓક્ટો., 2017માં એવો વિગતવાર આદેશ કરવામાં આવ્યો હતો કે, સન્માન સાથે મૃત્યુનો પ્રત્યેકને મૂળભૂત અધિકાર છે. જે ગુનેગારનું જીવન સમાપ્ત થવાનું હોય તેને ફાંસીનું કષ્ટ આપવું યોગ્ય નથી.

જ્યારે કોઈ ગુનેગારને ફાંસી પર લટકાવવામાં આવે છે ત્યારે અડધા કલાક સુધી તેનું શરીર ફાંસી પર લટક્યા બાદ જ્યારે ડોકટર કહે કે તેનું મોત થઈ ગયું છે ત્યારે પ્રક્રિયા પુરી થાય છે. આ એક પ્રકારની ક્રરુતા છે. અન્ય દેશોમાં પણ ફાંસીની સજા બંધ કરી દેવામાં આવી છે. ફાંસીને બદલે માનવીય અને પીડારહિત મોત આપવું જોઈએ. ભૂતકાળમાં પણ ફાંસીની સજા રાખવી કે કેમ? તે મુદ્દે ચર્ચાઓ ઉઠી ચૂકી છે. હાલમાં ફરી સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો વિચારણામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટએ આ અંગે પ્રક્રિયા શરૂ કરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગે સરકાર પાસે વિગતો માંગવાની સાથે આગામી દિવસોમાં તેની સુનાવણી પણ રાખવામાં આવી છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા ગુનેગારોને દેહાતદંડ માટે ફાંસીની સજા બરકરાર રાખવામાં આવે છે કે પછી અન્ય કોઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે તે સમય કહેશે.

Most Popular

To Top