Columns

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ થશે?

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના શાસન કાળ દરમિયાન જેટલા વિવાદાસ્પદ રહ્યા હતા, તેના કરતાં વધુ વિવાદાસ્પદ તેઓ નિવૃત્ત બન્યા પછી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી હારી ગયા તે સમયે તેમણે ચૂંટણીમાં ગોલમાલ થઈ છે, તેવું કારણ આપીને પરિણામો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ચૂંટણી હાર્યા પછી પણ તેઓ જંપીને બેઠા નથી. વર્તમાન પ્રમુખ જો બાઇડેનના પ્રત્યેક પગલાંના તેઓ ટીકાકાર રહ્યા છે.

અમેરિકાના પ્રમુખપદની આગામી ૨૦૨૪ની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર બનવાનો પુરુષાર્થ તેમણે આરંભી દીધો છે. તેમની લોકપ્રિયતા જોતાં તેઓ ચૂંટાઈ જાય તો પણ નવાઈ નહીં લાગે. આ પરિસ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ બનતાં પહેલાં ૨૦૧૬માં અમેરિકાની વિખ્યાત પોર્નસ્ટાર સ્ટોર્મી ડિનિયલ્સ સાથે શરીરસુખ માણવા તેને ૧.૩૦ લાખ ડોલર ચૂકવ્યા હતા, તેવા આરોપથી ખળભળાટ મચી ગયો છે. અમેરિકાના કોઈ પણ પ્રમુખ પર ફોજદારી ફરિયાદનો આ પહેલો કિસ્સો છે. જો ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ કરવામાં આવે તો પણ તેઓ ચૂંટણી લડી શકશે અને પ્રમુખ પણ બની શકશે.

કથા એવી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૦૬માં રિયલ એસ્ટેટ કિંગ અને રિયાલિટી ટી.વી.ના સ્ટાર તરીકે ઓળખાતા હતા ત્યારે તેઓ ગોલ્ફ ટુર્નામેન્ટ દરમિયાન અમેરિકાની પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલના પરિચયમાં આવ્યા હતા. હકીકતમાં સ્ટોર્મી ડેનિયલનું સાચું નામ સ્ટેફની ક્લિફોર્ડ છે. ૨૦૧૮માં તેણે ‘ફુલ ડિસ્ક્લોઝર’નામનું પુસ્તક લખ્યું હતું, જેમાં તેણે તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની રતિક્રીડાની વિગતો બહાર પાડી હતી. તેમાં ડોનાલ્ડ ટ્રમ્પની પોર્ન સ્ટુડિયોમાં પાડવામાં આવેલી સ્ટોર્મી ડેનિયલ સાથેની તસવીર પણ છાપવામાં આવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે પીળું પોલો શર્ટ, ખાખી પેન્ટ અને લાલ ટોપી પહેર્યાં હતાં. તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પ ૬૦ વર્ષના હતા અને સ્ટોર્મી ૨૭ વર્ષની હતી. ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલેનિયાએ થોડા સમય પહેલાં પુત્ર બેરોનને જન્મ આપ્યો હતો.

સ્ટોર્મી ડેનિયલ પોતાના પુસ્તકમાં લખે છે કે ડોનાલ્ડ ટ્રમ્પના બોડીગાર્ડે તેને પેન્ટહાઉસમાં ડિનર માટે બોલાવી હતી. ત્યાં ટ્રમ્પે તેની સાથે સેક્સ કર્યું હતું તેનું વર્ણન પણ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. સ્ટોર્મી ડેનિયલના કહેવા મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ પથારીમાં બિલકુલ પ્રભાવશાળી નહોતા. તેણે પોતાના પુસ્તકમાં ડોનાલ્ડ ટ્રમ્પના શરીરના ભાગોનું પણ સચોટ વર્ણન કર્યું છે. પુસ્તક પ્રકાશિત થયું ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે તેને રદિયો આપતાં કહ્યું હતું કે સ્ટોર્મી ડેનિયલ તેમની પાસેથી પૈસા પડાવવા આ બધું કરી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટોર્મીને વચન આપ્યું હતું કે તેઓ તેને રિયાલિટી ટી.વી.માં સ્ટાર બનાવશે, પણ તેમણે વચન પાળ્યું નહોતું. તેઓ એક વર્ષ સુધી સંપર્કમાં રહ્યા હતા.

૨૦૧૬માં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખપદની ચૂંટણીના ઉમેદવાર બન્યા ત્યારે તેમના મિત્રના ટેબ્લોઇડ ‘નેશનલ ઇન્ક્વાયર’ના પત્રકારને માહિતી મળી કે સ્ટોર્મી ડેનિયલ તેના ટ્રમ્પ સાથેના જાતીય સંબંધો બાબતમાં પુસ્તક લખી રહી છે અને કોઈ પ્રકાશકને શોધી રહી છે. પત્રકારે સ્ટોર્મીનો સંપર્ક ટ્રમ્પના વકીલ માઇકલ કોહેન સાથે કરાવ્યો. માઇકલ કોહેને એક દલાલ ‘પીટબુલ’મારફતે સ્ટોર્મી ડેનિયલને ચૂપ રહેવા માટે ૧.૩૦ લાખ ડોલર ચૂકવ્યા. સોદો થઈ ગયા પછી ડોનાલ્ડ ટ્રમ્પ અને સ્ટોર્મી ડેનિયલ વચ્ચે એક કરાર પર સહીસિક્કા થયા, જેમાં કોઈ માહિતી બહાર નહીં પાડવાના કરાર કરવામાં આવ્યા હતા. આ કરારમાં સ્ટોર્મી ડેનિયલનું ખોટું નામ પેગ્ગી પેટર્સન રાખવામાં આવ્યું હતું તો ડોનાલ્ડ ટ્રમ્પનું તખલ્લુસ ડેવિડ ડેનિસન રાખવામાં આવ્યું હતું.

પાછળથી ડોનાલ્ડ ટ્રમ્પનો ભૂતપૂર્વ વકીલ માઇકલ કોહેન ફરી ગયો હતો અને તેણે ટ્રમ્પની વિરુદ્ધમાં જુબાની આપી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પના ૨૦૦૬ના પરાક્રમનો ભાંડો વોલ સ્ટ્રીટ જર્નલે ૨૦૧૮માં ફોડ્યો હતો, જ્યારે ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં બિરાજમાન હતા. ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ઉપરના આક્ષેપો નકારી કાઢતાં દોષનો ટોપલો મેનહટનના જિલ્લા એટર્ની એલવિન બ્રેગ પર ઢોળ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા મુજબ તેઓ ડેમોક્રેટિક પક્ષના કાર્યકર છે અને ટ્રમ્પ માટે કિન્નાખોરી ધરાવે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૪માં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી લડવાના હોવાથી તેમને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ વકીલ માઇકલ કોહેન કરચોરી અને ચૂંટણીના ખર્ચમાં ગોલમાલ બાબતમાં જેલમાં પણ જઈ આવ્યા છે. તેમના અને સ્ટોર્મી ડેનિયલના ઇન્ટરવ્યૂ નિયમિતપણે અમેરિકાના મિડિયામાં છપાયા કરે છે, જેમાંથી તેમને લખલૂટ કમાણી થાય છે. સ્ટોર્મી ડેનિયલ મશહૂર પોર્નસ્ટાર હોવાથી વિવાદ પેદા થયા પછી તેના ભાવોમાં પણ ઉછાળો આવ્યો છે.
સ્ટોર્મી ડેનિયલના તત્કાલીન વકીલ માઇકલ અવેન્ટીએ પણ તેનું પુસ્તક વેચવાના બહાને પ્રકાશકો પાસેથી નાણાં પડાવ્યા હતા.

તેણે એક પ્રકાશક સાથે ૮ લાખ ડોલરમાં પુસ્તકનો સોદો કર્યો હતો, જેના પેટે તેણે ૩ લાખ રૂપિયા એડવાન્સ પણ લીધા હતા. આ નાણાં તેણે મોજશોખમાં ઉડાવી દીધા હતા. સ્ટોર્મી ડેનિયલને જાણ જ નહોતી કે તેના વતી કોઈએ નાણાં લીધા હતા. આ નાણાં માઇકલે પોતાના બેંક ખાતાંમાં જમા કરાવ્યા હતા. સ્ટોર્મી ડેનિયલે પોલીસમાં ફરિયાદ કરી હતી,જેના પગલે માઇકલની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલની સજા પણ થઈ હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર જે કેસ કરવામાં આવ્યો છે તે પોર્નસ્ટાર સાથે સેક્સ કરવા માટે કરવામાં નથી આવ્યો, પણ હિસાબોમાં ગોલમાલ કરવા માટે કરવામાં આવ્યો છે. તેમના દ્વારા સ્ટોર્મી ડેનિયલની સાથે પતાવટ કરવા માટે જે ૧.૩૦ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા તેની ખોટી રીતે એન્ટ્રી પાડવામાં આવી હતી. આ નાણાં ટ્રમ્પના વકીલ માઇકલ કોહેન દ્વારા ચૂકવવામાં આવ્યા હતા, જે પાછળથી ટ્રમ્પ દ્વારા તેમને આપી દેવામાં આવ્યા હતા. અમેરિકામાં તમામ નાણાંની ચૂકવણી બેંક મારફતે જ થતી હોવાથી ટ્રમ્પ ફસાઈ ગયા હતા. તેમાં કદાચ ચૂંટણી ભંડોળના નાણાંનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હોય તેવી સંભાવના છે. જો ચૂંટણીના ફંડમાં ગોલમાલ કરી હોવાનું પુરવાર થાય તો ડોનાલ્ડ ટ્રમ્પને ચાર વર્ષની જેલની સજા થઈ શકે છે. તેમની સામેના આરોપો કોર્ટમાં પુરવાર કરવા મુશ્કેલ છે, પણ તેમની ધરપકડ થાય તેવી સંભાવના ભારે છે.

ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ કરવા માટે ન્યુ યોર્કની પોલીસ તૈયાર થઈ ગઈ છે. જો ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ કરવામાં આવશે તો તે ન્યુ યોર્કમાં આવેલા ટ્રમ્પ ટાવર ખાતેથી કરવામાં આવશે. તેમને સામાન્ય ગુનેગારની જેમ હાથકડી પહેરાવવામાં આવશે અને તેમની ફિંગરપ્રિન્ટ પણ લેવામાં આવશે. તેમની ઓફિસની આજુબાજુ બેરિકેડ પણ ઊભા કરવામાં આવશે. ન્યુ યોર્કના પોલીસ અધિકારીઓને યુનિફોર્મ પહેરીને ટ્રમ્પ ટાવરની આજુબાજુ પહેરો ભરવાનું પણ કહી દેવામાં આવ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે જો તેમની ધરપકડ કરવામાં આવશે તો ન્યુ યોર્કમાં મોટા પાયે દેખાવો થશે, પણ તેનાં કોઈ ચિહ્નો જોવા મળતાં નથી. ટ્રમ્પના નિવાસસ્થાન બહાર માત્ર ૪૦ જેટલા સમર્થકો જોવા મળ્યા હતા. કેટલાક રાજકીય નિરીક્ષકો કહે છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ કરવામાં આવશે પણ તેઓ નિર્દોષ પુરવાર થશે તો તેમની લોકપ્રિયતા બહુ વધી જશે. ધરપકડના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વખત અમેરિકાના પ્રમુખ બની જાય તેવું પણ બની શકે છે.

Most Popular

To Top