Comments

જગતના રાજદ્વારી ઈતિહાસમાં એક વિક્રમ

હવે ગામના ઉતાર જેવા નેતાઓ જગતનું નેતૃત્વ કરશે. ચીને આ મહિનાના પ્રારંભમાં સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે ચીને સમજૂતી કરાવી અને બન્ને દેશોએ રાજદ્વારી સંબંધો ફરી વાર સ્થાપવાનો નિર્ણય લીધો છે. સાઉદી અરેબિયાના રાજા અને વડા પ્રધાન સલમાને ઈરાનના પ્રમુખ ઈબ્રાહીમ રઈસને સાઉદી આવવાનું નિમંત્રણ પણ આપી દીધું છે અને રઇસે તેનો સ્વીકાર કર્યો છે. બન્ને દેશો શિખર મંત્રણા માટે સ્થાનની પસંદગી કરી રહ્યા છે. સાઉદી અરેબિયા સુન્ની દેશ છે અને ઈરાન શિયા. સદીઓ જૂનું સુન્ની-શિયા વેર બે દેશોને નજીક નહીં આવવા દેવાનું મુખ્ય કારણ છે, પણ બદલાતા વૈશ્વિક સંદર્ભોમાં નજીક આવવું જરૂરી પણ છે. ચીને સમજૂતી કરાવી આપી અને અમેરિકાએ સમજૂતીનું સ્વાગત કરવું પડ્યું છે.

હવે ચીનના વડા શી ઝિંગપીંગ મોસ્કો ગયા છે રશિયા અને યુક્રેન વચ્ચે સમજૂતી કરાવવા. યુક્રેનમાં રશિયાનો પગ એવી બૂરી રીતે ફસાઈ ગયો છે કે રશિયાને સમજૂતી કરવી પડે એમ છે. દેખાવ માત્ર એવો કરવામાં આવી રહ્યો છે કે રશિયા ચીનની વિનંતીને માન આપી રહ્યું છે અને સમજૂતીની દિશામાં રચનાત્મક અભિગમ અપનાવી રહ્યું છે. રશિયન અખબારોમાં રશિયાના તાનાશાહ વ્લાદિમીર પુતીને એક લેખ લખીને પોતાના શી ઝિંગપીંગ સાથેના સંબંધો કેટલા સૌહાર્દપૂર્ણ છે તેનો ચિતાર આપ્યો છે. તેમાં તેમણે લખ્યું છે કે ૨૦૧૨માં ઝિંગપીંગ ચીનના પ્રમુખ બન્યા એ પછી તેમની વચ્ચે ૪૦ કરતાં પણ વધુ મુલાકાતો થઈ છે. દોસ્તીના બીજા અનેક દાવાઓ કરવામાં આવ્યા છે, પણ નોંધનીય છે બાર વરસમાં ૪૦ મુલાકાતો. કદાચ જગતના રાજદ્વારી ઇતિહાસમાં આ એક વિક્રમ હશે.

એની વચ્ચે પહેલાં ભારતની વાત કરી લઈએ. ગલ્ફના દેશોમાં આરબ-ઈરાન સમીકરણો બદલાય એ ભારતના હિતમાં નથી, પણ એ બદલાઈ રહ્યાં છે અને વળી એ ચીન દ્વારા બદલાઈ રહ્યાં છે. ચીને અરબી સમુદ્ર અને ઓમાનના અખાતમાં પડતા પાકિસ્તાનના ગ્વાડર બંદર દત્તક લીધું છે. ગ્વાડરથી સીધો બીજિંગ સુધીનો મહામાર્ગ બાંધવામાં આવી રહ્યો છે. ગ્વાડર દ્વારા ચીન અખાતના મુસ્લિમ દેશોના આંગણે પહોંચી ગયું હતું. ભારતે ચીનના પ્રભાવને ખાળવા એ જ ભૌગોલિક સ્થળે ગ્વાડરથી અંદાજે સોએક કિલોમીટર પશ્ચિમે ઈરાનનું ચાબહાર બંદર ભારતે દત્તક લઈને વિકસાવવાની ઈરાન સાથે સમજૂતી કરી હતી. હવે નવી સ્થિતિમાં એ સમજૂતી સાકાર થશે એવી કોઈ શક્યતા નજરે પડતી નથી. ચીને અખાતના દેશોમાં પણ પગપેસારો કર્યો છે.

રશિયાએ વરસ પહેલાં યુક્રેન ઉપર હુમલો કર્યો ત્યારે ભારતે રશિયાની નિંદા નહીં કરીને રશિયાને આડકતરી રીતે મદદ કરી હતી. ભારતની ગણતરી એવી હતી કે જો આવતી કાલે ભારત અને ચીન વચ્ચે સીમા પર તંગદિલી પેદા થાય તો રશિયા ભારતને મદદ કરી શકે. કમસેકમ રશિયા ચીન ઉપરની પોતાની વગનો ઉપયોગ કરી શકે. આ સિવાય રશિયા પાસેથી બળતણ મેળવવાની પણ ભારતની ગણતરી હતી. માટે અમેરિકા અને પશ્ચિમના લોકશાહી દેશોની નારાજગી વહોરી લઈને પણ ભારતે રશિયાની નિંદા નહોતી કરી.

યુનોની સલામતી સમિતિમાં ગેરહાજર રહ્યું હતું અને ચીન? ચીને રશિયાને ખુલ્લો ટેકો આપ્યો હતો અને સલામતી સમિતિમાં એક વાર રશિયાની તરફેણમાં અને એક વાર ગેરહાજર રહીને રશિયાને ટેકો આપ્યો હતો. રશિયા ઉપર પશ્ચિમના દેશોએ નાકાબંધીનાં પ્રતિબંધાત્મક પગલાં લીધાં તેનો પણ ચીને વિરોધ કર્યો હતો. ભારતે માત્ર એટલું જ કહ્યું હતું કે “આ યુદ્ધ કરવાનો સમય નથી.” એક સમયે એમ કહેવામાં આવતું હતું કે ભારત રશિયા-યુક્રેન વચ્ચે મધ્યસ્થી કરશે. ગોદી મિડિયાએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતા બની ચૂક્યા છે અને યુદ્ધ રોકીને દુનિયામાં શાંતિ સ્થાપનારા શાંતિદૂત બની ચૂક્યા છે એવી આરતી પણ ઉતારવા માંડી હતી. પણ આજે પરિણામ આપણી સામે છે.

યુદ્ધખોર દેશનું ઉઘાડું સમર્થન કરનાર ચીન મધ્યસ્થી કરવાનું છે. કારણ બહુ સરળ છે. રશિયા થાક્યું છે. જગતમાં નાક કપાઈ ગયું છે. રશિયા યુદ્ધ જીતી શકે એમ નથી તેની રશિયનોને પણ ખાતરી થઈ ગઈ છે. ઓછામાં પૂરું પશ્ચિમના દેશોએ લાદેલી આર્થિક નાકાબંધીના કારણે રશિયાના અર્થતંત્રની કમર તૂટી ગઈ છે. અમેરિકા અને પશ્ચિમના દેશો યુક્રેનને એવી રીતે મદદ કરી રહ્યા છે કે યુક્રેન રશિયાની સામે હારે પણ નહીં અને આર્થિક સહાયના પરિણામે ભૂખે મરે પણ નહીં. એ દેશો રશિયા સામે સીધા યુદ્ધમાં નથી ઉતરતા અને ઊતર્યા વિના વરસો સુધી લડી શકાય એવી વ્યવસ્થા પણ કરી આપી છે.

પણ રશિયાએ બહાર નીકળવા માટે ભારતની જગ્યાએ ચીનની પસંદગી કરી છે ચીને યુદ્ધમાં તટસ્થ ભૂમિકા ભજવી ન હોવા છતાં. રશિયાને ખાતરી છે કે ચીન યુક્રેનને તેની વિરુદ્ધ ભૂમિકા લીધી હોવા છતાં પણ સમજાવી લેશે અને બન્ને દેશ આબરૂ બચાવીને યુદ્ધમાંથી બહાર આવે તેવી સમજૂતી કરી આપશે. કારણ બહુ સ્પષ્ટ છે. એક તો એ કે રશિયાને ખબર છે કે ચીન ભારતની જેમ દહીંદૂધમાં પગ નથી રાખતું. ચીનને અમેરિકાની પડી નથી, જ્યારે ભારતને અમેરિકાનો અને અમેરિકાને ભારતનો ખપ છે. બીજું, લોકતંત્ર અને સભ્ય દેશના વાઘા ચીન પહેરતું નથી જે ભારત પહેરે છે. આ બાબતે વિશ્વમાં નથી ચીનની આબરૂ કે નથી રશિયાની આબરૂ. “આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા”જેવી સ્થિતિ છે. ત્રીજું, ભારત કરતાં ચીન રશિયાને આર્થિક મદદ કરી શકે એમ છે ચીનની આર્થિક સ્થિતિ બગડતી જાય છે એ છતાં અને ચોથું અને સૌથી મોટું કારણ એ છે કે બન્ને દેશો સ્પષ્ટપણે અમેરિકા અને પશ્ચિમના દેશોની વિરુદ્ધ છે અને તે અમેરિકા અને પશ્ચિમ વિરુદ્ધ ધરી રચવા માગે છે. ભારતની હાલત કફોડી છે. ભારત ખુલ્લી રીતે અમેરિકાની ધરીનો હિસ્સો બની શકતું નથી કારણ કે ચીન પડોશમાં માથે છે.

કાલે ભારત અને ચીન વચ્ચે સરહદે અથડામણ થાય તો હવે નવા સંજોગોમાં રશિયાની મદદ મળી શકે? શંકા છે. નઠારાઓની ધરી રચાઈ રહી છે જેમાં ભારત ગોઠવાઈ શકે એમ નથી. રશિયા કેવળ પોતાનો સ્વાર્થ જોશે અને તેનો મોટો સ્વાર્થ ચીન સાથે છે. એમાં ચીને હવે અખાતી દેશોમાં પણ વગ વિસ્તારી છે. તો પછી ભારત પાસે કયો માર્ગ બચે છે? સભ્ય દેશોની સાથે બેસવાનો. પણ એ માટે ઘર આંગણે સભ્ય રાજકારણ કરવું જરૂરી છે. વિશ્વમાં સભ્યતાનો ઢોંગ કરવો અને ઘર આંગણે લોકતંત્રનું ખૂન કરવું એ બન્ને માર્ગે ચાલવાથી કોઈ લાભ નથી. દુનિયા બધું જ જાણે છે. ભારતમાં શું ચાલી રહ્યું છે એની દુનિયાને જાણ કરવા રાહુલ ગાંધીની જરૂર નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top