Editorial

વાવાઝોડું અટકાવી નહીં શકાય પણ જાન તો બચાવી શકાય તેવી ગુજરાતની પદ્ધતિ દરેક રાજ્યએ અપનાવવી જોઇએ

500 કિલોમીટરનો ઘેરાવો અને 50 કિલોમીટરની આંખ એનાથી જ બિપોરજોય વાવાઝોડાની ભયાનકતા સાબિત થાય છે તેનાથી વિશેષ કહેવા જેવું કંઇ નથી. હાલમાં સેટેલાઇટ એટલા પાવરફૂલ થઇ ગયા છે કે વાવાઝોડું ઉદ્ભવે ત્યારથી લઇને લેન્ડફોલ થાય અને સમી જાય ત્યાં સુધી તેની દિશા અને તિવ્રતા જાણી શકાય છે. જો કે તેને અટકાવી શકાતું નથી પરંતુ જો અગમચેતીના પગલા લેવામાં આવે તો જાન અને ઢોરઢાંખરનું રક્ષણ થઇ શકે છે. ઝીરો કેઝ્યુઆલિટીની થીમ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રીએ બિપોરજોય વખતે કામ કર્યું અને ધાર્યુ પરિણામ મેળવવામાં આ ત્રણેય તેમજ તેમની ટીમ અભિનંદનને પાત્ર બની.

આટલી મોટી કુદરતી આપતીમાં માનવ મૃત્યું અટકાવી શકાય તે ખૂબ જ મોટી બાબત કહી શકાય તેમ છે. વાવાઝોડામાં સૌથી વધુ અસર દરિયાના કાંઠા વિસ્તારમાં થાય છે એટલે કોઇપણ ભોગે ત્યાં રહેતા લોકોનું સ્થળાંતર થાય તે ખૂબ મહત્વનું બની જાય છે અને તેવા લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં ગુજરાત સરકારને સફળતા મળી તે આગોતરા આયોજનનું પરિણામ છે. ગુજરાતના મુખ્યમંત્રી જમીન સાથે જોડાયેલા છે. તેમની પાસે જે જવાબદારી છે તે તેઓ બખૂબી નિભાવે છે.

પરંતુ વાવાઝોડામાં તેમણે જે દૂરંદેશી વાપરી છે તેવી દૂરંદેશી દરેક રાજ્યના મુખ્યમંત્રીએ આવી કુદરતી આપત્તિ વખતે વાપરવી જોઇએ. ગુજરાત રાજ્યએ લીધેલા અગમચેતીના પગલા પર એક નજર કરીએ તો 1,08,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 10,918 બાળકો, 5070 વૃદ્ધો, 1152 સગર્ભા મહિલાઓનો સમાવેશ થયો હતો. ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા વાવાઝોડાના કારણે મધદરિયે ફસાયેલા 50 લોકોને એરલિફ્ટ કરી ઓખા ઓપરેશન સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતાં.ભારતીય વાયુદળ, હવાઈદળ અને ભારતીય સેનાને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.

દરિયો ખેડવા ગયેલા દરેક માછીમાર-સાગરખેડૂ સલામત પરત આવી ગયા હતા. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને વલસાડ તેમજ 1 દીવમાં NDRFની 19 ટીમો તહેનાત કરવામાં આવી હતી. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને પાટણ અને બનાસકાંઠામાં 12 SDRF ટુકડીઓ તહેનાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ સતત મોનિટરીંગ શરૂ રાખ્યું હતું. તેમણે કંટ્રોલ રૂમમાંથી જિલ્લાના વહીવટીતંત્ર સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા માહિતી મેળવીને જરૂરી સૂચનો આપ્યા હતા.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય સચિવ સહિત રાજ્ય સરકારના તમામ વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે સર્વગ્રાહી બેઠક યોજીને રજેરજની માહિતી મેળવી હતી. આ એવા સૌથી અસરકારક પગલાં હતાં કે જેને કારણે ગુજરાતમાં મોટી જાનહાનિ ટાળવામાં સફળતા મળી છે. આ ઉપરાંત શાળાઓમાં રજા આપી દેવાનો નિર્ણય, હોર્ડિંગ્ઝ અને બિલબોર્ડ ઉતારી દેવાનો નિર્ણય પણ મહત્વના સાબિત થયા હતાં. પીએમ મોદીએ વાવાઝોડાની ગંભીરતા જોઇને ગુજરાતમાં સર્જાનારી પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવા માટે એડવાન્સમાં જ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.

પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે વખતોવખત ટેલિફોનિક વાતચીત દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિ તેમજ તેને લઇને તંત્રની સજ્જતા અંગે માહિતી મેળવી હતી. બીજો એક મહત્વનો નિર્ણય જવાબદારી સોંપવાનો હતો. કેન્દ્રના ત્રણ મંત્રી દર્શના જરદોશ, પુરુષોતમ રૂપાલા અને મનસુખ માંડવિયાને જુદા જુદા જિલ્લાની જવાબદારી આપી દેવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાતના મંત્રીઓને પણ અલગ અલગ જિલ્લાની જવાબદારી પહેલાથી જ સોંપી દેવામાં આવી હતી તે નિર્ણય પણ ખૂબ કારગર નિવડ્યો હતો. એટલે વાવાઝોડા જેવી કુદરતી આપત્તી વખતે અન્ય રાજ્યો પણ ગુજરાતના આ આયોજનનો અભ્યાસ કરી તેના પર અમલ કરે તો પણ તેમને મોટો ફાયદો થાય તેમ છે.

Most Popular

To Top