Kids

સમાન અધિકાર

લોકડાઉનમાં રિંકુ અને ડોલી ખૂબ કંટાળી ગયા હતા એટલે એની મમ્મીને કહ્યું મમ્મી બહાર ફરવા લઈ જાઓ યા તો મને વાર્તા કહો!! મમ્મી કહે; મારી પાસે તો ટાઈમ નથી. મારે ઘણું કામ છે. તમારે માટે જમવાનું બનાવવાનું છે. એક કામ કરો તારા દાદા અને દાદી બંને બાજુના રૂમમાં નવરા બેઠા છે એમને કહે તમને કોઈ સારી એવી વાર્તા સંભળાવશે. રિંકુ અને ડોલી કહે; એ તો અમને ખબર જ છે કે અમને દાદા-દાદી સિવાય કોઈ વાર્તા નહીં કહે! ચાલો ત્યારે અમે એમની પાસે જઈએ છીએ એમ કરતા દોડતા- દોડતા એમના દાદા-દાદી પાસે ગયા.

દાદી -દાદાએ બંનેને ખોળામાં ઊંચકી લીધા. રિંકુ અને ડોલીએ કહ્યું; તમારા બંનેમાંથી ગમે તે કોઈ અમને એક વાર્તા કહો !આજે તમારે વાર્તા તો કહેવી જ પડશે! દાદા -દાદી તો ખુશ હતા એમને તો પોતાના છોકરાઓ જોઈને ખૂબ આનંદ આવી ગયો. તેમની પાસે તેમના બાળકો રહે એ ખૂબ ગમતું હતું એમણે કહ્યું; તમે ચૂપચાપ બેસી જાવ. હું તમને આજે સરસ મજાની વાર્તા કહું છું… દાદી કહે; હું આજે વાર્તા કહું એ તમે સાંભળો. એક ગામ હતું ત્યાં એક શાળામાં ઘણા બધા છોકરાઓ અભ્યાસ કરતા હતા. એક દિવસ બધા છોકરાઓ ભેગા થઈને રમતા હતા ત્યાં એક બાળક ક્રિશ નવો એડમિશન લેવા માટે ત્યાં આવ્યો.

બધા મિત્રોએ જોયું તો એ નવો બાળક ગામડામાંથી ભણવા માટે શહેરમાં આવ્યો હતો એટલે એના કપડાં અને પહેરવેશ રહેણી-કરણી બધું જ ગામડાં જેવું હતું. બધા ભેગા થઈને એની હાંસી ઉડાવી અને કહેવા લાગ્યા ગામડિયાને અહીં શું  ભણવાની ખબર પડશે? એમ કહીને ગામડિયો કહીને ખીજવવા લાગ્યા!! ક્રિસ તો રડવા લાગ્યો …. તરત જ તે સ્કૂલના સાહેબ ત્યાં આવ્યા અને ક્રિસની જોડે એના પપ્પા પણ હતા એટલે એના પપ્પાએ કહ્યું કે, હું આ બધા છોકરાને કેવી રીતે સમજાવું!! સાહેબ, તમે સમજાવો તો સારું! ક્રિસના પપ્પાએ કહ્યું. સાહેબ હું અહીં ગામડેથી મારા દીકરાને હોસ્ટેલમાં મૂકીને ભણાવવા માગું છું. સારું શિક્ષણ આપવા માગું છું.

સાહેબે કહ્યું તમે એડમિશન લેવાની તૈયારી કરો બધા બાળકોને હું સમજાવું છું. બધા બાળકોને સાહેબે ભેગા કર્યા અને કહ્યું; ‘‘બેટા, દરેકને શાળામાં ભણવાનો અધિકાર છે. સ્કુલમાં આવ્યા પછી કોઈ ધનવાન કે ગરીબ નથી હોતું , બધા બાળકો સરસ્વતીના મંદિરમાં સરખા માનવામાં આવે છે અને કોઈ પણ બાળકને વધારે કે ઓછું ભણાવવામાં નથી આવતું બધાને સરખી રીતે જ્ઞાન આપવામાં આવે છે અને કોઈ છોકરાના કપડાથી એને આપણે ઓળખવો જોઇએ નહીં પરંતુ તેના ગુણોથી આપણે એને ઓળખવો જોઈએ.

તમે બીજાને નીચું દેખાડવાનો પ્રયત્ન ન કરો. ભગવાને આપણને આ ધરતી પર સમાન બનાવીને જીવન જીવવા મોકલ્યા છે. તો બીજા બાળકોનું અપમાન ક્યારેય ન કરો. હું તો કહું છું કે બાળકોનું નહિ પરંતુ વડીલોનું પણ અપમાન તમારે કરવું જોઈએ નહીં!! અને ક્રિસ અહીંયા ભણવા માટે આવ્યો છે. થોડા ટાઈમ પછી એ પણ તમારા જેવો જ હોંશિયાર થઈ જશે અને એ હોંશિયાર પણ છે એટલે હવે પછી તમે ક્રિસને તમારા મિત્રની જેમ રાખો.’’ શિક્ષકના સમજાવ્યા પછી, બધા બાળકો સમજી ગયા એમને દુઃખ પણ થયું અને કહ્યું; સાહેબ માફ કરો અમને ખબર નહોતી! સાહેબે કહ્યું; કદાચ તમે હજી નાના છો. સમજ ઓછી છે એટલે આ બાબતનો ખ્યાલ નહીં હોય પરંતુ હવે મેં સારી રીતે માર્ગદર્શન આપ્યું છે.

બધા જ છોકરાઓ કહેવા લાગ્યા; સાહેબ માફ કરો! હવે અમને સમજ પડી કે બિચારો ક્રિસ ગામડેથી આવ્યો છે અને જો અમે એને મદદ નહીં કરીએ તો એ કેવી રીતે અહીં રહીને ભણી શકશે? હવે અમે ક્રિસને મારો મિત્ર બનાવી દઈશું. એમ કહીને બધા જ મિત્રોએ ક્રિસ સામે હાથ મિલાવ્યો અને કહ્યું; આજથી તું મારો મિત્ર છે અને ક્રિસ રડતો હતો તે ચૂપ થઈ ને ખુશ પણ થઈ ગયો . એના પપ્પા જોડે જઈને ક્રિસ કહેવા લાગ્યો; પપ્પા હવે તો બધા મારા મિત્રો છે એટલે હું અહીંયા ભણીશ અને ક્રિસ ત્યાં બધાનો મિત્ર બની અને ખૂબ સરસ અભ્યાસ કરવા લાગ્યો અને બધા જ બાળકો હવે તેની સાથે રમવા અને ભણવા પણ લાગ્યા. દાદાએ કહ્યું; ‘બેટા, આ વાર્તા પરથી આપણે એવો બોધપાઠ લેવાનો કે કોઈ ગરીબ હોય કે ધનવાન હોય દરેક બાળકને શાળામાં ભણવાનો અધિકાર છે. કોઈ માણસનું આપણે અપમાન ના કરવું જોઈએ. માણસના કપડાથી કે દેખાવ પરથી તેનું મૂલ્ય કયારે પણ આંકવું ના જોઈએ.

આપણે હંમેશાં એની જીવવાની રીત કરતાં એના સંસ્કારોનું મૂલ્ય કેવું છે એ જોવું જોઈએ. રીન્કુ ડોલીએ કહ્યું દાદાજી લોકડાઉન પછી અમારી શાળા ખૂલશે અને સ્કૂલમાં જઈશું ત્યારે હવે આવું કોઈ પણ બાળક હશે તો અમે એને પહેલા અમારા મિત્ર બનાવીશું અને અમે એની હાંસી નહિ ઉડાવીએ અને કોઈને ઉડાવા પણ નહિ દઈએ! અને એને અમારી જોડે નાસ્તો કરાવીશું અને રમાડશું પણ ખરા. દાદા-દાદીએ રિંકુ,ડોલી બંનેને ઊંચકી લીધા. બેટા, તમે તો મારા વ્હાલા દીકરાઓ છો. હવે આવતીકાલે ફરીથી તમને બીજી વાર્તા કરીશ હવે તમે લોકો સૂઈ જાઓ.
– ભાનુબેન બી. પ્રજાપતિ

Most Popular

To Top