India

પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2026 જાહેર, ભારતને 176મો ક્રમ મળતા વધ્યાં સવાલો, હવા અને પર્યાવરણ સુધારવા મોટા પડકાર

આજના સમયમાં દરેક દેશ માટે આર્થિક વિકાસની સાથે પર્યાવરણનું સંતુલન જાળવવું સૌથી મોટો પડકાર બની ગયો છે. વિકાસ, ઉદ્યોગો અને વધતા શહેરીકરણ વચ્ચે સ્વચ્છ હવા, પાણી અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવું હવે અનિવાર્ય બની ગયું છે. આવા સમયે યેલ યુનિવર્સિટી અને કોલંબિયા યુનિવર્સિટીના સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવેલા Environmental Performance Index (EPI) 2026ના અહેવાલે વિશ્વના દેશોની પર્યાવરણીય સ્થિતિનું ચિત્ર રજૂ કર્યું છે. આ અહેવાલમાં 177 દેશોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેમાં ભારતનું પ્રદર્શન ચિંતાજનક રહ્યું છે. EPI એક ડેટા આધારિત વૈશ્વિક સૂચકાંક છે, જે વર્ષ 2000થી દર બે વર્ષે પ્રકાશિત થાય છે. તેનો હેતુ એ માપવાનો છે કે કોઈ દેશ પર્યાવરણના સંરક્ષણ અને આબોહવા પરિવર્તન સામેની લડતમાં કેટલો આગળ છે. આ સૂચકાંક સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) અને પેરિસ આબોહવા કરારના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે.

EPI 2026માં 177 દેશોનું મૂલ્યાંકન 47 અલગ-અલગ પર્યાવરણીય માપદંડોના આધારે કરવામાં આવ્યું છે. આ તમામ સૂચકાંકોને ત્રણ મુખ્ય વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. તેમાં ઇકોસિસ્ટમનું સંરક્ષણ, આબોહવા પરિવર્તન સામેના પ્રયાસો અને પર્યાવરણીય સ્વાસ્થ્યનો સમાવેશ થાય છે. જંગલોનું સંરક્ષણ, જૈવવિવિધતા, કાર્બન ઉત્સર્જન, હવાની ગુણવત્તા, પીવાનું સ્વચ્છ પાણી અને કચરાના સંચાલન જેવા મુદ્દાઓને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. આ અહેવાલમાં ભારતને 100માંથી માત્ર 22.46 સ્કોર મળ્યો છે. તેના કારણે ભારત 177 દેશોમાં 176મા ક્રમે રહ્યું છે, એટલે કે છેલ્લેથી બીજા સ્થાને છે. સૌથી છેલ્લો ક્રમ લાઓસને મળ્યો છે. દક્ષિણ એશિયાના દેશોમાં પણ ભારતનું સ્થાન સૌથી નબળા દેશોમાં ગણાયું છે.

ભારતના વિવિધ ક્ષેત્રોના પ્રદર્શન પર નજર કરીએ તો પર્યાવરણીય સ્વાસ્થ્યમાં દેશ 174મા સ્થાને છે. ઇકોસિસ્ટમ સંરક્ષણમાં 171મો ક્રમ મળ્યો છે. કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતામાં ભારત 141મા સ્થાને છે, જ્યારે આબોહવા પરિવર્તન સંબંધિત નીતિઓમાં 130મો ક્રમ મળ્યો છે. આ આંકડા દર્શાવે છે કે પર્યાવરણ સંબંધિત અનેક ક્ષેત્રોમાં હજુ નોંધપાત્ર સુધારાની જરૂર છે. નિષ્ણાતોના મતે ભારતના નબળા પ્રદર્શન પાછળ ઘણા કારણો જવાબદાર છે. દેશમાં ઝડપથી વધી રહેલું વાયુ પ્રદૂષણ સૌથી મોટો પડકાર છે. વીજ ઉત્પાદન માટે હજુ પણ મોટા પ્રમાણમાં કોલસાનો ઉપયોગ થાય છે, જેના કારણે કાર્બન ઉત્સર્જન વધે છે. જૈવવિવિધતામાં ઘટાડો, દરિયાઈ વિસ્તારોનું અપૂરતું સંરક્ષણ અને કુદરતી સંસાધનો પર વધતું દબાણ પણ ભારતના સ્કોરને અસર કરે છે.

જોકે, આ રેન્કિંગને લઈને મતભેદ પણ સામે આવ્યા છે. અગાઉ પણ ભારત સરકારે EPIની પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા હતા. સરકાર અને કેટલાક આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે આ સૂચકાંક ભારત જેવી મોટી વસ્તી ધરાવતા અને વિકાસશીલ દેશોની વાસ્તવિક પરિસ્થિતિને પૂરતું ધ્યાનમાં લેતો નથી. તેમના મતે વિકસિત દેશોના ઐતિહાસિક કાર્બન ઉત્સર્જનને અવગણીને માત્ર વર્તમાન સ્થિતિના આધારે મૂલ્યાંકન કરવાથી ભારત જેવા દેશોને નુકસાન થાય છે. બીજી તરફ EPI તૈયાર કરનાર સંશોધકોનું કહેવું છે કે આ સૂચકાંકનો હેતુ ભૂતકાળ નહીં પરંતુ વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાનો છે. તેમના જણાવ્યા પ્રમાણે કોઈ દેશે ભવિષ્ય માટે શું વચનો આપ્યા છે તેના બદલે હાલમાં જમીન પર શું સ્થિતિ છે તે વધુ મહત્વનું છે. તેઓ એ પણ જણાવે છે કે ભારતે હવા પ્રદૂષણ ઘટાડવા માટે રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ (NCAP) શરૂ કર્યો છે અને તેના માટે હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, છતાં હવાની ગુણવત્તામાં અપેક્ષિત સુધારો જોવા મળ્યો નથી.

આ વર્ષે EPIમાં ટોચના 10 દેશોમાં તમામ યુરોપિયન દેશોનો સમાવેશ થયો છે. ઇસ્ટોનિયા 74.79 સ્કોર સાથે પ્રથમ સ્થાને રહ્યું છે. ત્યારબાદ લક્ઝમબર્ગ, યુનાઇટેડ કિંગડમ, ફિનલેન્ડ, નેધરલેન્ડ, જર્મની, ફ્રાન્સ, નોર્વે, સ્વીડન અને ઓસ્ટ્રિયા જેવા દેશોએ ટોચના સ્થાન મેળવ્યા છે. આ દેશોએ નવીનીકરણીય ઊર્જાના ઉપયોગમાં વધારો, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને પર્યાવરણ સંરક્ષણ માટે અસરકારક નીતિઓ અમલમાં મૂકી હોવાથી તેઓ આગળ રહ્યા છે.

EPI 2026નો અહેવાલ ભારત માટે એક ચેતવણી સમાન માનવામાં આવી રહ્યો છે. ભલે તેની પદ્ધતિ અંગે ચર્ચા થઈ રહી હોય, પરંતુ વાયુ પ્રદૂષણ, કચરા વ્યવસ્થાપન, જંગલોનું સંરક્ષણ અને જૈવવિવિધતા જેવા મુદ્દાઓ પર વધુ ગંભીરતાથી કામ કરવાની જરૂરિયાત સ્પષ્ટ થાય છે. આર્થિક વિકાસ મહત્વનો છે, પરંતુ તે પર્યાવરણના ભોગે ન થવો જોઈએ. ટકાઉ વિકાસ, સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ, પ્રદૂષણ નિયંત્રણ અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ જ ભારતને ભવિષ્યમાં વધુ સારું સ્થાન અપાવી શકે છે અને આવનારી પેઢીઓને સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ આપી શકે છે.

Most Popular

To Top