National

17 ઓગસ્ટથી શરૂ થનારા ભોગપુરમ એરપોર્ટનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આંધ્રપ્રદેશની મુલાકાત દરમિયાન ભોગપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. આ એરપોર્ટનું સત્તાવાર નામ ‘અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ રાખવામાં આવ્યું છે. આ નવા એરપોર્ટ સાથે આંધ્રપ્રદેશને તેનું સાતમું એરપોર્ટ મળ્યું છે, જે રાજ્યના હવાઈ પરિવહન અને વિકાસ માટે મહત્વપૂર્ણ સોપાન માનવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જાહેરનામા મુજબ, ભોગપુરમ એરપોર્ટ પરથી નિયમિત વ્યાવસાયિક ફ્લાઇટ સેવા 17 ઓગસ્ટથી શરૂ થશે. આ તારીખથી વિશાખાપટ્ટનમ એરપોર્ટના સિવિલ એન્ક્લેવ પરથી ચાલતી તમામ શિડ્યૂલ્ડ કોમર્શિયલ ફ્લાઇટ્સ ભોગપુરમ એરપોર્ટ પર સ્થાનાંતરિત કરવામાં આવશે. મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે 17 ઓગસ્ટથી આગામી 30 વર્ષ સુધી વિશાખાપટ્ટનમ એરપોર્ટ (INS દેગા)ના સિવિલ એન્ક્લેવ પરથી નિયમિત વ્યાવસાયિક ફ્લાઇટ્સનું સંચાલન બંધ રહેશે. જોકે ભારતીય વાયુસેના, અન્ય સશસ્ત્ર દળો, પોલીસ, સરકારના વિશેષ વિમાનો તેમજ VVIP પરિવહન માટે ઉપયોગમાં લેવાતા વિમાનો પર આ પ્રતિબંધ લાગુ નહીં પડે.

આ ઉપરાંત ચાર્ટર ફ્લાઇટ્સ અને અન્ય બિન-નિયમિત વ્યાવસાયિક હવાઈ સેવાઓ હાલની જેમ INS દેગાના સિવિલ એન્ક્લેવ પરથી ચાલુ રહેશે. રાષ્ટ્રીય કટોકટી જેવી પરિસ્થિતિમાં પણ આ એરપોર્ટ કાર્યરત રહેશે. મહત્વની વાત એ છે કે 17 ઓગસ્ટના રોજ રાત્રે 12:01 વાગ્યાથી ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)નો “VTZ” એરપોર્ટ કોડ હાલના વિશાખાપટ્ટનમ એરપોર્ટ પરથી અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સોંપવામાં આવશે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ થોડા દિવસો અગાઉ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને આ એરપોર્ટના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે અધિકારીઓને સૂચના આપી હતી કે એરપોર્ટ પ્રોજેક્ટ માટે જમીન આપનારા ખેડૂતો અને જમીનમાલિકોનું વિશેષ સન્માન કરવામાં આવે અને તેમને એક વખતની મફત હવાઈ મુસાફરીની સુવિધા પણ આપવામાં આવે. ભોગપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થતાં ઉત્તર આંધ્રપ્રદેશ અને વિશાખાપટ્ટનમ વિસ્તારને આધુનિક હવાઈ કનેક્ટિવિટી મળશે. પ્રવાસન, વેપાર, રોકાણ અને રોજગારીને પણ આ નવા એરપોર્ટથી મોટો વેગ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top