વરસાદી માહોલ અને અગાઉ જાહેર કરાયેલા બંધના નિર્ણય બાદ FOSTTAનું સત્તાવાર પરિપત્ર જાહેર
સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને કારણે વેપાર-ઉદ્યોગ પર અસર જોવા મળી હતી. વરસાદી પરિસ્થિતિ અને પ્રશાસનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાક વેપારી સંગઠનો દ્વારા શુક્રવારના રોજ કાપડ માર્કેટ તેમજ કેટલાક ઔદ્યોગિક એકમો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે હાલ પરિસ્થિતિમાં સુધારો થતાં આજે શનિવાર, 1 ઓગસ્ટ 2026ના રોજ સુરતના તમામ ટેક્સટાઈલ માર્કેટ રાબેતા મુજબ સંપૂર્ણપણે ચાલુ રહેશે. Federation of Surat Trade & Textile Associations (FOSTTA) દ્વારા આજે સવારે સત્તાવાર પરિપત્ર જાહેર કરીને શહેરના તમામ માર્કેટના પ્રમુખો, સચિવો, મેનેજરો અને વેપારીઓને જાણ કરવામાં આવી છે કે સુરત શહેરના તમામ કાપડ માર્કેટ આજે સંપૂર્ણપણે કાર્યરત રહેશે. તેથી વેપારીઓ, દુકાનદારો, કર્મચારીઓ અને ખરીદદારોને કોઈપણ પ્રકારની ગેરસમજમાં ન આવવા અપીલ કરવામાં આવી છે.
FOSTTAએ પોતાના જાહેરનામામાં સ્પષ્ટ જણાવ્યું છે કે આ સૂચના આજે સવારે 8 વાગ્યે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. તમામ વેપારીઓને નિયમિત સમય મુજબ પોતાની દુકાનો અને ઓફિસો શરૂ રાખવા જણાવાયું છે. સાથે જ વેપારીઓને સુરક્ષિત રહેવા, સતર્ક રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે શુક્રવારે સુરતમાં વિવિધ વેપારી સંગઠનો દ્વારા વેપાર-ધંધા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રશાસને પણ નાગરિકો અને કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાક ઔદ્યોગિક એકમો અને ફેક્ટરીઓ બંધ રાખવા સૂચના આપી હતી. ત્યારબાદ શહેરના અનેક કાપડ માર્કેટ અને ટેક્સટાઈલ યુનિટોમાં કામગીરી સ્થગિત કરવામાં આવી હતી.
પરંતુ હવે વરસાદની પરિસ્થિતિમાં રાહત મળતાં અને શહેરમાં જનજીવન ધીમે ધીમે સામાન્ય બનતાં વેપાર પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે. FOSTTAના આ સત્તાવાર પરિપત્ર બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે આજે સુરતના તમામ ટેક્સટાઈલ માર્કેટ રાબેતા મુજબ ખુલ્લા રહેશે અને તમામ વેપારિક પ્રવૃત્તિઓ નિયમિત રીતે ચાલુ રહેશે.જો કે વેપારીઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ કે બિનસત્તાવાર સંદેશાઓ પર વિશ્વાસ ન કરે. કોઈપણ માહિતી માટે માત્ર FOSTTA અથવા સંબંધિત વેપારી સંગઠનો દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર પરિપત્રને જ માન્ય ગણવો.