Gujarat

ખોપી ગામે રસ્તા રોકો આંદોલન દરમિયાન સાંસદ મનસુખ વસાવા અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામમાં જંગલની જમીન પર ખેતીના અધિકારને લઈને આદિવાસી ખેડૂતો દ્વારા કરવામાં આવેલા રસ્તા રોકો આંદોલન દરમિયાન ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ખેડૂતોના સમર્થનમાં ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવા ઘટનાસ્થળે પહોંચતા વાતાવરણ વધુ ગરમાયું હતું. આ દરમિયાન સાંસદ અને વન વિભાગ તેમજ પોલીસના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મળતી માહિતી મુજબ જંગલની જમીન પર ખેડાણના મુદ્દે લાંબા સમયથી આદિવાસી ખેડૂતો અને તંત્ર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. પોતાની માંગણીઓ અને હકોને લઈને ખેડૂતો રસ્તા રોકો આંદોલન પર ઉતર્યા હતા. આંદોલનની જાણ થતાં સાંસદ મનસુખ વસાવા પણ સ્થળ પર પહોંચ્યા અને ખેડૂતો સાથે ચર્ચા કરી તેમની માંગને સમર્થન જાહેર કર્યું.

ઘટના દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને સવાલ કર્યો કે જાહેર રસ્તો શા માટે બંધ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે જાહેર રસ્તા પર લોકોને અવરજવરથી રોકી શકાય નહીં. તેમના આ નિવેદન બાદ સ્થળ પર હાજર પોલીસ અને વન વિભાગના અધિકારીઓ સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન કેટલાક પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા સાંસદ સામે અશોભનીય વર્તન કરવામાં આવ્યું હોવાના તેમજ અભદ્ર ભાષાનો ઉપયોગ કરાયો હોવાના આક્ષેપ પણ સામે આવ્યા છે. જોકે, આ આક્ષેપોની હજુ સુધી સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી અને સંબંધિત કર્મચારીઓની ઓળખ પણ જાહેર કરવામાં આવી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા જિલ્લાના સાગબારા વિસ્તારમાં જંગલની જમીનના હક્કનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે. આદિવાસી ખેડૂતોનો દાવો છે કે તેઓ વર્ષોથી આ જમીન પર ખેતી કરી રહ્યા છે અને તેમને કાયદા મુજબ પોતાના હકો મળવા જોઈએ. બીજી તરફ તંત્ર નિયમોનું પાલન કરાવવા કાર્યવાહી કરી રહ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે. સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતો સાથે બેઠક કરીને તેમને વિશ્વાસ આપ્યો કે તેમની માંગણીઓના ઉકેલ માટે તેઓ સતત પ્રયત્ન કરશે. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી ખેડૂતોના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ તેમની સાથે ઉભા રહેશે. સાથે જ તેમણે આ સમગ્ર લડત શાંતિપૂર્ણ અને અહિંસક રીતે આગળ વધારવાની અપીલ પણ કરી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જોકે બાદમાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી. આદિવાસી ખેડૂતોની માંગણીઓને લઈને વહીવટી તંત્ર પણ સક્રિય બન્યું છે અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી પર સૌની નજર છે.

Most Popular

To Top