Vadodara

સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ઘૂસતાં મધરાત્રિએ 150 વિદ્યાર્થીઓ અને શ્રમિકોનું રેસ્ક્યૂ

વાઘોડિયા મામલતદાર, પોલીસ અને તંત્રની સમયસરની કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી

(પ્રતિનિધિ) વડોદરા

વડોદરા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર વાઘોડિયા સ્થિત સુમનદીપ વિદ્યાપીઠમાં પણ જોવા મળી હતી. કેમ્પસની લક્ષ્મી હોસ્ટેલમાં વરસાદી પાણી ઘૂસી જતાં મધરાત્રિએ તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, હોસ્ટેલમાં પાણીનું સ્તર વધતા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાત્રે આશરે 3 વાગ્યે વાઘોડિયા મામલતદાર, પોલીસ તથા અન્ય અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી હોસ્ટેલમાં રહેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

આ બચાવ કામગીરી દરમિયાન કુલ 150 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. તેમાં 100 છાત્રાઓ, 40 છાત્રો અને 10 શ્રમિકોનો સમાવેશ થાય છે. સમયસરની કાર્યવાહીથી કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નોંધાયા નથી.

ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સતત એલર્ટ મોડ પર છે. નીચાણવાળા વિસ્તારો તેમજ શૈક્ષણિક સંસ્થાઓની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ રાહત તથા બચાવ કામગીરી માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

Most Popular

To Top