અમેરિકાના ઇડાહો રાજ્યના ટ્વિન ફોલ્સ શહેરમાં આવેલા ઇન-એન-આઉટ બર્ગર રેસ્ટોરાં બહાર શનિવારે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે સાત લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક સમય અનુસાર બપોરે લગભગ 2:30 વાગ્યે આ ગોળીબારની ઘટના બની હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ એક યુવક AR-સ્ટાઇલ રાઇફલ લઈને રેસ્ટોરાંની બહાર આવ્યો અને અચાનક ગોળીબાર શરૂ કરી દીધો. ગોળીઓના અવાજ સંભળાતા જ રેસ્ટોરાંમાં હાજર ગ્રાહકો અને કર્મચારીઓ જીવ બચાવવા માટે દોડધામ કરવા લાગ્યા. ઘણા લોકોએ ઘાયલોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં પણ મદદ કરી હતી.
ઘટનાની માહિતી મળતાં જ ટ્વિન ફોલ્સ પોલીસ અને અન્ય ઇમરજન્સી ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે હુમલાખોરને આત્મસમર્પણ કરવા માટે કહ્યું હતું, પરંતુ તેણે ગોળીબાર ચાલુ રાખ્યો. ત્યારબાદ પોલીસે જવાબી કાર્યવાહી કરતાં હુમલાખોરને ગોળી મારી ઠાર કર્યો હતો. ટ્વિન ફોલ્સ પોલીસ પ્રમુખ મેથ્યુ હિક્સે જણાવ્યું કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને વિસ્તારમાં હવે કોઈ જોખમ નથી. તેમણે જણાવ્યું કે હુમલાખોરની ઓળખ અને હુમલો કરવા પાછળના કારણોની તપાસ ચાલી રહી છે. જોકે, મૃતકોની સંખ્યામાં હુમલાખોરનો સમાવેશ થાય છે કે નહીં તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. ઘટના બાદ સમગ્ર વિસ્તારને પોલીસ કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે આસપાસના રસ્તાઓ અને નજીકના પુલને પણ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યા હતા. ફોરેન્સિક ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિ રાઇફલ સાથે પાર્કિંગ વિસ્તારમાં ફરતો અને ગોળીબાર કરતો જોવા મળ્યો હતો. અન્ય વીડિયોમાં ગોળીબાર શરૂ થતાં લોકો પોતાની સુરક્ષા માટે દોડતા અને ચીસો પાડતા જોવા મળે છે. જોકે, અધિકારીઓએ આ વીડિયો અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. જે ઇન-એન-આઉટ બર્ગર રેસ્ટોરાંમાં આ ઘટના બની તે થોડા દિવસ પહેલાં, 24 જુલાઈએ જ શરૂ થયું હતું. આ રેસ્ટોરાં ઇડાહોમાં કંપનીના વિસ્તરણનો એક ભાગ હતું. ઉદ્ઘાટનના થોડા જ દિવસોમાં બનેલી આ ઘટનાએ સ્થાનિક લોકોને પણ આઘાતમાં મૂકી દીધા છે.
આ ઘટના બાદ અમેરિકામાં ગન કલ્ચર અને જાહેર સ્થળોની સુરક્ષા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ફૂડ ફેસ્ટિવલ, પરેડ, ધાર્મિક સ્થળો અને અન્ય જાહેર કાર્યક્રમોમાં ગોળીબારની અનેક ઘટનાઓ સામે આવી છે. આવી સતત બનતી ઘટનાઓને કારણે અમેરિકામાં હથિયારો સંબંધિત કાયદા વધુ કડક બનાવવાની માંગ ફરી ઉઠી રહી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને હુમલાખોરના હેતુ, તેની પૃષ્ઠભૂમિ તેમજ ઘટનાથી જોડાયેલા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.