Sports

ભારતીય મહિલા ટીમે બીજી વન ડે જીતી 23 વર્ષ બાદ ઈંગ્લેન્ડમાં વન ડે સિરીઝ જીતી

કેન્ટબરી : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian Women’s Cricket Team) અહીં રમાયેલી બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને (England) 88 રને હરાવીને ત્રણ મેચની સીરિઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવીને ઈંગ્લેન્ડની ધરતી પર 23 વર્ષ બાદ વનડે શ્રેણી જીતી છે. આ પહેલા અંજુમ ચોપરાની કેપ્ટનશિપ હેઠળ ભારતે (India) 1999માં 2-1થી જીત મેળવી હતી.

  • કેપ્ટન હરમનપ્રીતે 111 બોલમાં 143 રનની આક્રમક ઇનિંગથી ભારતે 333 રનનો વિશાળ સ્કોર બનાવ્યો
  • રેણુકા સિંહની 4 વિકેટની મદદથી ભારતે ઇંગ્લેન્ડનો 245 રનમાં વિંટો વાળીને મેચ 88 રને જીતી લીધી

પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 333 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ વનડેમાં ટીમ ઈન્ડિયાનો આ સર્વોચ્ચ સ્કોર રહ્યો હતો. હરમનપ્રીત કૌરે તોફાની ઈનિંગ રમીને માત્ર 111 બોલમાં 18 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 143 રન બનાવ્યા હતા. તે ઈંગ્લેન્ડમાં વનડેમાં સદી ફટકારનારી પ્રથમ એશિયન કેપ્ટન બની હતી.
334 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. 47 રન સુધી ટીમે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી એલિસ કેપ્સી અને ડેનિયલા વ્યાટે ચોથી વિકેટ માટે 55 રનની ભાગીદારી નોંધાવી હતી. એલિસ 39 જ્યારે વ્યાટ 65 રન બનાવીને આઉટ થયા પછી અંતે ઈંગ્લેન્ડની આખી ટીમ 44.2 ઓવરમાં 245 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારત વતી રેણુકા સિંહે જ્યારે હેમલતાને 2, તેમજ દીપ્તિ શર્મા અને શેફાલી વર્માને 1-1 વિકેટ લીધી હતી.

વન ડેમાં સૌથી ઝડપી 3000 રન કરવાનો મિતાલીનો ભારતીય રેકોર્ડ મંધાનાએ તોડ્યો
કેન્ટબરી: ઇંગ્લેન્ડ સામે આજે અહીં રમાયેલી બીજી વન ડેમાં 40 રનની ઇનિંગ રમનારી સ્મૃતિ મંધાનાએ વન ડે ઇન્ટરનેશનલમાં ઇનિંગની દૃષ્ટિએ સૌથી ઝડપી 3000 રન પુરા કરનારી ભારતીય મહિલા ખેલાડી બનીને માજી કેપ્ટન મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો હતો. મંધાના મહિલા અને પુરૂષ ક્રિકેટરમાં આ આંકડે પહોંચનારી શિખર ધવન અને વિરાટ કોહલી પછી ત્રીજી સૌથી ઝડપી ભારતીય ક્રિકેટર બની છે. શિખરે 72 ઇનિંગમાં જ્યારે વિરાટે 75 ઇનિંગમાં 3000 રન પુરા કર્યા છે.

મંધાનાએ પોતાની 76મી વન ડે ઇનિંગમાં આ આંકડો પાર કર્યો હતો. જ્યારે મિતાલીએ તેના માટે 88 ઇનિંગ લીધી હતી. મંધાના વનડેમાં 3000 રન બનાવનારી ત્રીજી ભારતીય મહિલા બની છે. તેના પહેલા મિતાલી અને હરમનપ્રીત કૌરે આ સિદ્ધિ મેળવી છે. મહિલા ક્રિકેટમાં કુલ 22 ખેલાડીઓએ 3000 કે તેનાથી વધુ રન કર્યા છે, જો કે સૌથી ઓછી ઇનિંગમાં આ આંકડે પહોંચવા મામલે મંધાનાથી માત્ર બેલિન્ડા ક્લાર્ક અને મેગ લેનિંગ જ આગળ છે. આ બંનેએ અનુક્રમે 62 અને 64 ઇનિંગમાં આ આંકડો પાર કર્યો છે. મિતાલી આ મામલે વિશ્વમાં 9માં ક્રમે છે.

Most Popular

To Top