Dakshin Gujarat

ભરૂચના 8 જણા હોંશે હોંશે વિદેશ જવા નીકળ્યા પણ એરપોર્ટ પરથી જ વીલા મોઢે પરત ફર્યા

ભરૂચ: ભરૂચના (Bharuch) મહંમદ હુજેફા બેલીમ, ઉસામા જોગીયાત, વૈભવ પટેલ, અશફાક તલાટી, ઇરબાઝ પટેલ, સલમાન પટેલ, નિકિતાબેન અને જિગર ચોકસી સહિતના વિઝાવાંચ્છુકોએ ભરૂચની મહિલા વીમા એજન્ટ થકી યુ.કે.ના (UK) વિઝા મેળવ્યા હતા. પરંતુ આ વિઝા લઈ યાત્રા દરમિયાન એરપોર્ટ્સ (Airport) ઉપર વિઝા સ્કેન (visa scan) કરાતાં સ્કેનિંગ ન થતાં વિઝા સ્કેન કેમ નથી થતાં તે બાબતે તપાસ કરાવતાં વિઝા બોગસ હોવાનો ભાંડો ફૂટ્યો હતો. જેના કારણે વિદેશ જવા નીકળેલા લોકોની ખુશી ઉપર પાણી ફરી વળ્યું હતું અને એરપોર્ટ ઉપરથી વીલા મોઢે પરત ફરતાં જેની પાસેથી વિઝા લીધા હતા તેની સાથે માથાકૂટ થતાં મહિલાએ તાબડતોબ એ-ડિવિઝન પોલીસમથકે દોડી જઈ બોગસ વિઝા મોકલનારી મુખ્ય મહિલા એજન્ટ સામે વિશ્વાસઘાત, છેતરપિંડી (Fraud) અને બોગસ વિઝા પધરાવવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

  • ભરૂચની મહિલા સહિત ૪ વિઝા એજન્ટ સાથે પુનાની મહિલાએ વિઝાના નામે લાખોની ઠગાઈ કરી
  • 66.45 લાખની ઠગાઈની ભરૂચ એ-ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાઈ
  • એરપોર્ટ ઉપર પહોંચેલા લોકોના વિઝા સ્કેન ન થતાં અન્ય સ્થળે ચેક કરાવતાં વિઝા બોગસ હોવાનો ભાંડો ફૂટ્યો

ભરૂચની શ્રવણ ચોકડી નજીક આવેલી યોગી ટાઉનશીપમાં રહેતા દીપ્તિ નિલેશભાઈ મહેતાએ ભરૂચ એ-ડિવિઝન પોલીસમથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર પુનાની સ્નેહા જોગલેકરે વરૂનિષ્કા ઓવરસીઝ પ્રાઈવેટ લિમિટેડના નામથી વિઝાની ઓફિસ ખોલી તેણીએ યુ.કે. ખાતે રૂપિયા 8 લાખમાં યુ.કે.ના વિઝા અપાવવાની જાહેરાત કરી હતી. જેથી તેનો સંપર્ક કરતાં સ્નેહા જોગલેકરે યુ.કે. જવા ઈચ્છુક ઈસમોની ફાઈલ મોકલી આપવા જણાવ્યું હતું. જેથી દીપ્તિબેનને પોતાના ગ્રાહકો તથા ભરૂચના અન્ય ત્રણ વીમા એજન્ટનું કામ કરનાર એજન્ટોના મળી કુલ 8 યુ.કે. જવા ઇચ્છનાર ગ્રાહકોની ફાઈલ મોકલી આપી હતી. જેના આધારે સ્નેહા જોગલેકરે યુ.કે. ખાતે જનારા ઇસમોના વિઝા બનાવી તે વિઝા મોકલી આપી 66.45 લાખ ચાર્જ તરીકે લીધા હતા.

જે વિઝા મોકલ્યા હતા, તે વિઝાના આધારે યુ.કે. જનાર લોકોને અપાતાં તે લોકો એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા. પરંતુ તેઓના વિઝા સ્કેન ન થતા હોય, જેના કારણે વિઝા અન્ય સ્થળે ચેકિંગ કરાવતાં તે બોગસ હોવાનો ભાંડો ફૂટ્યો હતો. યુ.કે. જવાના સપના જોનાર યુવક-યુવતીઓ એરપોર્ટ પરથી વીલા મોઢે પરત ફરતા તેમણે ભરૂચના અન્ય એજન્ટોને સાથે રાખી દીપ્તિ મહેતા પાસે જઈ સવાલોનો મારો કરી કહ્યું: ‘તમે આપેલા વિઝા બોગસ છે.’ તેમ કહેતાં ભરૂચ સ્થિત વીજા એજન્ટના હોશ ઊડી ગયા હતા. દીપ્તિ મહેતા નજીકના એ-ડિવિઝન પોલીસમથકે પહોંચી ગયાં હતાં અને તેઓને સ્નેહા સંદીપ જોગલેકરે બોગસ વિઝા પધરાવી ૬૬.૪૫ લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top