Gujarat

અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીના 7.75 કરોડનાં સોના સાથે 10 ઝડપાયા

ગાંધીનગર: (Gandhinagar) અમદાવાદના સરાદર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Airport) ખાતેથી રેવન્યૂ ઇન્ટેલિજન્સના અધિકારીઓની ટીમે સોનાની દાણચોરી કરતી 10 સભ્યોની ગેંગને ઝડપી લીધી છે, એટલું જ નહીં આ ગેંગ પાસેથી 7.75 કરોડની કિંમતનું 10.32 કિલો દાણચોરીનુ સોનું જપ્ત કરી લીધુ છે. આ ગેંગ મૂળ તો ચેન્નાઈની છે એટલું જ નહીં અમદાવાદના એરપોર્ટ સર્કલ પાસે આવેલી એક હોટેલમાંથી સોનાની દાણચોરીનો કારોબાર ચાલી રહ્યો હતો. દાણચોરીનું સોનુ સલામત રીતે બહાર નીકળી જાય તે પછી તેને મુંબઈ તથા ચેન્નાઈ મોકલી દેવામાં આવતુ હતું. જયારે દાણચોરીનું સોનુ દુબઈ તથા અબુધાબીથી લાવવામાં આવતુ હતું.

રેવન્યૂ ઇન્ટેલિજન્સને બાતમી મળી હતી કે, અબુધાબીથી આવનાર બે પ્રવાસીઓ દાણચોરીનું સોનુ લાવી રહ્યાં છે, જેના પગલે આંતરરાષ્ટ્રીય વિમાની મથકે વોચ રાખવામાં આવી હતી. તે દરમિયાન અબુધાબીથી આવેલી ફલાઈટમાં બે શકમંદ પ્રવાસી આવ્યા હતા. તેઓને લેવા માટે પણ બે વ્યકિત્ત આવી હતી. તેઓ એરપોર્ટથી બહાર નીકળીને એક હોટેલ તરફ જતા હતા તે દરમ્યાન ચારેયને રેવન્યૂ ઇન્ટેલિજન્સના અધિકારીઓની ટીમે ઝડપી લીધા હતા. તેઓની પાસેથી 3.36 કિલો દાણચોરીનું સોનુ મળી આવતા તે જપ્ત કરી લેવાયું હતું. આ સોનુ અબુધાબીથી આવેલા પ્રવાસીઓએ પોતાના અંડર ગારમેન્ટમાં પેસ્ટ સ્વરૂપે છુપાવ્યુ હતું. ત્યાર બાદ તેમની પુછપરછ દરમ્યાન એવી વિગતો મળી હતી કે સવારથી વહેલી ફલાઈટમાં આવેલા પ્રવાસી પૈકી એક વ્યકિત્ત વંદે ભારત ટ્રેનમાં મુંબઈ જવા નીકળી ગયો છે. જેના પગલે મુંબઈમાં બોરીવલી સ્ટેશન પર આ પ્રવાસીને ઝડપી લઈને તેની પાસેથી 2.5 કિલો દાણચોરીનું સોનુ જપ્ત કર્યું હતું.

વધુ પુછપરછ દરમ્યાન આ ગેંગનો વધુ સાગરીત દુબઈની ફ્લાઈટમાં આવ્યો કે તુરંત જ ઝડપી લેવાયો હતો. તેની પાસેથી વધુ 5.5 કિલો દાણચોરીનું સોનુ મળી આવતાં તે જપ્ત કરી લેવાયું હતું. આ રીતે મૂખ્ય સૂત્રધાર સહિત 10 જેટલા ગેંગ મેમ્બરોની ધરપકડ કરી લેવાઈ છે. આ ચેન્નાઈની ગેંગ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા ચારેક માસથી સોનાની દાણચોરીનું ઓપરેશન શરૂ કર્યુ હતું, આ ગેંગ દ્વારા દુબઈ તથા અબુધાબીથી દાણચોરીનું સોનુ મહિલા કે પુરૂષ દ્વારા પોતાના અંન્ડર ગારમેન્ટમાં પેસ્ટ સ્વરૂપે છુપાવીને લાવવામાં આવતું હતું.

રેવન્યુ ઇન્ટેલિજન્સના અધિકારીઓની ટીમ દ્વારા ચેન્નાઈ સ્થિત આ ગેંગના સભ્યોની સધન પુછપરછ હાથ ધરવામાં આવતા બાહર આવેલી વિગતો મુજબ, આ ગેંગ તમિલનાડુના પ્રવાસીઓનો ઉપયોગ કરીને દાણચોરીનું સોનુ લાવતી હતી. જયારે તેનો સૂત્રધાર અમદાવાદ એરપોર્ટ સર્કલ પરની હોટેલમાં રહેતો હતો. જેવુ સોનુ એરપોર્ટની બહાર સલામત આવી જાય એટલે તુરંત જ તેને મુંબઈ મોકલી દેવાતુ હતું.

Most Popular

To Top