Gujarat

રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં ભીષણ આગ, 24 લોકો જીવતા ભૂંજાયા, મૃતદેહોને ઓળખવા મુશ્કેલ

રાજકોટઃ (Rajkot) ગુજરાતના રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા TRP ગેમિંગ ઝોનમાં (Gaming Zone) ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના કારણે 24 લોકોના મોત થયા હતા જ્યારે કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. મૃતકોનો આંક વધવાની શક્યતા જણાવાઈ રહી છે. મૃતકોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અને બાળકો હોવાનું કહેવાય છે. આગ એટલી વિકરાળ હતી કે દૂર સુધી ઉંચી જ્વાળાઓ જોવા મળી હતી. માહિતી મળતાં જ આગ બુઝાવવા માટે અનેક ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે રજાના દિવસોમાં અહીં મોટી સંખ્યામાં બાળકો આવે છે. જે સમયે આ ઘટના બની તે સમયે અહીં બાળકોની ભારે ભીડ હતી.

રાજકોટ શહેરમાં શનિવારે સાંજે એક ગેમિંગ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેમા અનેક લોકોની જાનહાનિની ​​આશંકા છે. આજે વીકેન્ડ હોવાથી ઘણા પરિવારો તેમના બાળકો સાથે રાબેતા મુજબ TRP મોલના ગેમ ઝોનમાં પહોંચ્યા હતા. આ દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ગંભીર હતી કે 5 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેરે કહ્યું કે અમે આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. માળખું તૂટી પડવાને કારણે અને ભારે પવનને કારણે આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે. તેમણે કહ્યું કે આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે.

શહેરના તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આગ પર કાબૂ મેળવ્યા બાદ અને કુલિંગ ઓપરેશન હાથ ધર્યા બાદ મૃત્યુઆંકની સચોટ માહિતી મળી શકશે. તેમણે કહ્યું કે અમે આગના કારણની પણ તપાસ કરીશું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે શહેરના તમામ ગેમિંગ ઝોનને બંધ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે રાહત કાર્યના આદેશ આપ્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે રાજકોટમાં ગેમિંગ ઝોનમાં લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકા અને વહીવટીતંત્રને તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય માટે સૂચનાઓ આપવામાં આવી છે. ઘાયલોની તાત્કાલિક સારવારની વ્યવસ્થાને પ્રાથમિકતા આપવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.

Most Popular

To Top