Dakshin Gujarat

ચીખલીમાં કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ પલટી ખાઇને ડમ્પરમાં અથડાતા સાસુ-વહુના મોત

ઘેજ: (Dhej) ચીખલી કોલેજ સર્કલ આગળ ધુલીયા લગ્ન પ્રસંગમાં હાજરી આપી વલસાડ (Valsad) પરત જઇ રહેલા પરિવારની ઇકો કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ પલટી ખાઇને રોડની સાઇડે ઉભેલા ડમ્પરમાં અથડાતા કારમાં સવાર સાસુ-વહુ સહિત બે મહિલાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત ચાલકને રેફરલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વલસાડ સિવિલમાં રિફર કરાયા હતા. અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

  • ધુલીયા લગ્ન પ્રસંગમાં હાજરી આપી વલસાડનો પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો
  • અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ઇજાગ્રસ્ત ચાલકને વલસાડ સિવિલમાં રિફર કરાયો

પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી નવીનચંદ્ર અંકુશરાવ મોરે (રહે. મોરે નિવાસ શારદા ધામ સોસાયટી હનુમાન ફળિયાની સામે મોગરાવાડી તા. જી. વલસાડ)નો પરિવાર સગા સંબંધીના ઘરે લગ્ન હોવાથી મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લા સ્થિત ચીચવાર ગામે ગયા હતા. ત્યાં લગ્ન પ્રસંગ પતાવી તેમના ભાઇ દાદાભાવુ પરિવાર સાથે તેમની ઇકો કાર નંબર જી.જે. 15 સીડી 9581માં પરત વલસાડ આવી રહ્યા હતા. આ દરમ્યાન વાંસદા ચીખલી માર્ગ ઉપર ચીખલી કોલેજ સર્કલ આગળ અગિયારેક વાગ્યાના અરસામાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા આ મારૂતિ ઇકો કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ પલ્ટી ખાઇને રોડની સાઇડે ઉભા રહેલા ડમ્પર જી.જે. 21 ડબલ્યુ 7791માં ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત ધ્રુપતાબેન અંકુશરાવ મોરે (ઉ.વ. 75) તથા સુરેખાબેન દાદાભાવુ ગોરે (ઉ.વ. 45)ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત ચાલક દાદાભાવુ મોરેને રેફરલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વલસાડ સિવિલમાં ખસેડાયા હતા. એક જ પરિવારની બે મહિલાના મોતથી શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી. બનાવ સંદર્ભે પોલીસે ઇકો કારના ચાલક દાદાભાવુ અંકુશરાવ મોરે (રહે. મોરે નિવાસ શારદાધામ સોસાયટી હનુમાન ફળિયાની સામે મોગરાવાડી તા. જી. વલસાડ) સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top