Columns

ચિત્ત પર અસર

એક દિવસ ગણિતના શિક્ષકે પોતાના વર્ગમાં આવીને કહ્યું, ‘આજે હું તમને એક એવો સવાલ પૂછવાનો છું જે ખૂબ જ અઘરો છે.આ દાખલો એટલો બધો અઘરો છે કે મને ખાતરી છે કે તમારામાંથી કોઈ તેનો સાચો જવાબ નહિ આપી શકે.આ સવાલનો જવાબ ઉપરના ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ મને આપી નથી શક્યા.ગણિત વિષયમાં પારંગત હોય તેઓ જ આ દાખલાનો ઉકેલ મેળવી શકશે.મને કોઈ અપેક્ષા નથી કે તમે મને સાચો જવાબ મેળવી આપો.પણ તમારી વિચારશક્તિ ખીલે અને અઘરા પ્રશ્નો કઈ રીતે ઉકેલાય તેની થોડી સમજ આવે તે માટે આ દાખલો તમારી સમક્ષ મૂક્યો છે.તમારામાંથી કોઈ આ દાખલાના ઉકેલ મેળવવાની દિશામાં બે ત્રણ પદ પણ સાચા માંડી શકશે તો પણ કાબિલે તારીફ ગણાશે….આમ તો જવાબ તમે ગોતી શકવાના જ નથી..પણ કોશિશ કરો.’

સવાલ વિષે લાંબી નકારાત્મક પ્રસ્તાવના બાંધી શિક્ષકે દાખલો બોર્ડ પર લખ્યો..દાખલો સામાન્ય કરતાં અઘરો હતો પણ શિક્ષકે જણાવ્યું હતું એટલો અઘરો ન હતો.પણ આ વાત કોઈના ધ્યાનમાં ન આવી ….બધાનાં ચિત્ત પર શિક્ષકના શબ્દોની અસર હતી.વિદ્યાર્થીઓએ કોશિશ શરૂ કરી અને ઘણી મહેનત અને મથામણ બાદ ચાલીસ વિદ્યાર્થીઓના વર્ગમાંથી માત્ર ચાર જણની કોશિશ સફળ થઇ.તેમનો જવાબ સાચો હતો.શિક્ષકે તેમને શાબાશી આપી. થોડા દિવસ પછી ગણિતના શિક્ષકે ફરી વર્ગમાં કહ્યું કે ‘આજે હું તમને એક એવો દાખલો પૂછવાનો છું જે મોટી પ્રવેશ પરીક્ષામાં પૂછાયો છે.દાખલો એટલો સહેલો છે કે આ પ્રવેશ પરીક્ષામાં શું કામ પૂછવામાં આવ્યો તેની જ મને નવાઈ લાગે છે.મને ખાતરી છે કે લગભગ તમે બધા જ આ દાખલાનો સાચો જવાબ શોધી શકશો.

તમે શું તમારી નીચેના ધોરણના હોશિયાર વિદ્યાર્થીને પણ આવડી જાય તેવો સહેલો દાખલો છે.હું તમને એટલે જણાવી રહ્યો છું કે તમને ધ્યાન રહે કે અઘરી ગણાતી જાહેર પરીક્ષામાં પણ આવા સહેલા પ્રશ્ન પુછાય શકે છે.ચાલો જલ્દી બધા મને સાચો જવાબ શોધી આપો.’ આ લાંબી સકારાત્મક પ્રસ્તાવના બાદ શિક્ષકે અઘરી જાહેર પરીક્ષામાં પુછાયેલો એક અઘરો દાખલો બોર્ડ પર લખ્યો.દાખલો અઘરો હતો પણ વિદ્યાર્થીઓના ચિત્ત પર શિક્ષકના સકારાત્મક શબ્દોની અસર હતી.બધા ફટાફટ દાખલાનો હલ શોધવા મંડી પડ્યા.અને ચાલીસ વિદ્યાર્થીઓમાંથી ૩૨ વિદ્યાર્થીઓએ સાચો ઉકેલ શોધ્યો. સવાલ સહેલો પણ નકારાત્મક શબ્દો અને સવાલ અઘરો પણ સકારાત્મક શબ્દોની અસરનો આ જાદુ હતો.જીવનમાં હંમેશા સકારાત્મક બોલો અને જે કોઈ નકારાત્મક બોલતું હોય તેને તેમ બોલતાં અટકાવો. 
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top