Madhya Gujarat

પ્રત્યેક ઉમેદવાર 40 લાખની મર્યાદામાં ચૂંટણી સંદર્ભેનો ખર્ચ કરી શકશે

આણંદ : આણંદ જિલ્લામાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 22 અતંર્ગત બીજા તબક્કામાં 5મી ડીસેમ્બરના રોજ ચૂંટણી અન્વયે મતદાન થનાર છે.જે અતંર્ગત ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે આણંદ જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા વિસ્તારના વિવિધ રાજકિય પક્ષો – પ્રતિનિધિઓને ચૂંટણી ખર્ચના હિસાબો સબંધિત માર્ગદર્શન મળી રહે તે માટે ચૂંટણી ખર્ચ નિરીક્ષક દ્વારા વિવિધ પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી.જેમાં ચૂંટણી અધિકારી અને કલેકટર ડી.એસ.ગઢવીએ ચૂંટણી ખર્ચની અગત્યતા સમજાવી પ્રત્યેક ઉમેદવાર 40 લાખની મર્યાદામાં ચૂંટણી સંદર્ભેનો ખર્ચ કરી શકે છે અને ચૂંટણી ખર્ચના હિસાબોની યોગ્ય રીતે જાળવણી થાય અને ચૂંટણી ખર્ચના હિસાબો નિર્ધારિત સમય મર્યાદામાં રજૂ થાય તે જરૂરી છે તેમ જણાવ્યું હતું.

આણંદ જિલ્લામાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત બીજા તબક્કામાં  5મી ડીસેમ્બરના રોજ 7 વિધાનસભા બેઠક માટેનું મતદાન યોજાશે. જે અતંર્ગત ચૂંટણી ખર્ચના હિસાબો સબંધિત માર્ગદર્શન મળી રહે તે માટે ચૂંટણી ખર્ચ નિરીક્ષક સર્વ સરોજકુમાર બહેરા અને ધિરેન્દ્ર મણી ત્રિપાઠી તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી. એસ. ગઢવી તથા એક્ષપેન્ડીચર મોનીટરીંગ સેલના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાની ઉપસ્થિતિમાં વિવિધ પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ખંભાત, બોરસદ, પેટલાદ અને સોજીત્રા મતદાર વિભાગના ખર્ચ નિરીક્ષક ધિરેન્દ્ર મણી ત્રિપાઠીએ વિધાનસભાની આ ચૂંટણી સંદર્ભે જિલ્લા પ્રશાસન દ્વારા ખૂબ જ સારી તૈયારીઓ કરવામાં આવી રહી છે, તેમ જણાવી ભારતીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ઉમેદવારે ચૂંટણી ખર્ચના નિયમોને ધ્યાને લઈ તે મુજબ ચૂંટણી ખર્ચ કરવા અને તેના હિસાબો નિયત પત્રકમાં સમયસર રજૂ કરવાના રહેશે તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં ગુજરાતની આ ભૂમિ ઉપર ખૂબ જ સારી રીતે ચૂંટણી યોજાય તેમ કહી ચૂંટણી ખર્ચ સંદર્ભે કોઈ મુશ્કેલી હોય તો સંબંધિત અધિકારીનો સંપર્ક કરવા વધુમાં જણાવ્યું હતુ.

આ બેઠકમાં આંકલાવ, ઉમરેઠ અને આણંદ મતદાર વિભાગના ખર્ચ નિરીક્ષક સરોજકુમાર બહેરાએ ઉપસ્થિત સૌને ચૂંટણી ખર્ચ સંબંધિત નિયમોનું પાલન કરવા, લોકતાંત્રિક પ્રક્રિયામાં સહાયરૂપ બનવા તથા ખર્ચ સબંધીત નિભાવવાના થતાં તમામ પત્રકો અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું જણાવ્યું હતું. એક્ષપેન્ડીચર મોનીટરીંગ સેલના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાએ ઉપસ્થિત સૌને ચૂંટણી ખર્ચ સંબધિત માર્ગદર્શન આપી આ સંદર્ભે જો કોઈ મૂંઝવણ જણાય તો સંબધિત અધિકારીનો સંપર્ક સાધીને જાણકારી મેળવી શકે છે, તેમ જણાવી સૌને ચૂંટણીપંચની માર્ગદર્શિકાનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં ઉપસ્થિત વિવિધ રાજકિય પક્ષો – પ્રતિનિધિશ્રીઓને ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબો, તેનું નિરીક્ષણ અને ચૂંટણી પછી હિસાબોની તારીજ રજૂ કરવા સંબંધે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. જ્યારે ચૂંટણી ખર્ચની દેખરેખ, ચૂંટણી ખર્ચના પ્રકાર, ચૂંટણી ખર્ચ સબંધિત કાયદાકીય જોગવાઈઓ સંદર્ભેની કામગીરી, ચૂંટણી ખર્ચ સંદર્ભે રાખવાની થતી કાળજીઓ, હિસાબો રાખવાના નમૂના, રોજબરોજના હિસાબોના પત્રક અને ઉમેદવારોએ કરેલા ખર્ચના હિસાબોનું નિરીક્ષણ, વસ્તુ સ્વરૂપમાં મળેલ સાધન-સેવાઓ, ઉમેદવારના આખરી હિસાબો સહિતની બાબતોથી ઉપસ્થિત સૌને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

Most Popular

To Top