National

75 દિવસીય અભિયાન: દેશમાં 15 જુલાઈથી 18+ લોકોને નિઃશુલ્ક કોરોના બૂસ્ટર ડોઝ અપાશે

નવી દિલ્હી: દેશમાં ફરીથી વધતા જતાં કોરોના (Corona) સંક્રમણના કેસ વચ્ચે સરકારે 18 વર્ષથી વધુ વયજૂથના લોકોને કોવિડ રસીના (Vaccine) મફત બૂસ્ટર ડોઝ (Booster Dose) આપવાનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા 15 જુલાઈથી વિશેષ અભિયાન (Campaign) શરૂ કરવામાં આવશે. 75 દિવસીય આ અભિયાન હેઠળ કોવિડ રસીના બૂસ્ટર ડોઝ સરકારી ઇમ્યુનાઇઝેશન કેન્દ્રો પર વિનામૂલ્યે આપવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે કહ્યું કે આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે સરકારે કોવિડના બૂસ્ટર ડોઝને પ્રોત્સાહન આપવા માટે આ અભિયાનને અમૃત મહોત્સવના રૂપમાં ચલાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે અમે આગામી 75 દિવસમાં આ અભિયાન પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું.

અત્યાર સુધીમાં 1 ટકાથી ઓછા લોકોએ બૂસ્ટર ડોઝ મેળવ્યો છે
દેશમાં 18-59 વર્ષની વય જૂથના 77 કરોડ લોકોને બૂસ્ટર ડોઝ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. જેમાંથી અત્યાર સુધીમાં 1 ટકાથી ઓછા લોકોએ બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે. જો કે, 60 વર્ષ અને તેથી વધુ વયની અંદાજિત 160 મિલિયન વસ્તીમાંથી લગભગ 26 ટકા તેમજ હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કામદારોએ બૂસ્ટર ડોઝ મેળવ્યો છે.

રસીના છ મહિના પછી એન્ટિબોડીનું સ્તર ઘટે છે
એક અધિકારીએ જણાવ્યું કે દેશના મોટાભાગના લોકોને લગભગ નવ મહિના પહેલા કોવિડ રસીનો બીજો ડોઝ મળ્યો હતો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને અન્ય આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓના અભ્યાસો સૂચવે છે કે બંને ડોઝ લીધા પછી વ્યક્તિના શરીરમાં એન્ટિબોડીનું સ્તર લગભગ છ પછી મહિના ઘટે છે. આવી સ્થિતિમાં બૂસ્ટર ડોઝ આપવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. જેથી સરકારે 75 દિવસ માટે વિશેષ અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત 18 થી 59 વર્ષની વયજૂથના લોકોને સરકારી કેન્દ્રો પર નિ:શુલ્ક બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.

બૂસ્ટર ડોઝની સમયમર્યાદામાં ઘટાડો
તમને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડ રસીના બૂસ્ટર ડોઝ વચ્ચેનું અંતર 9 મહિનાથી ઘટાડીને 6 મહિના કરી દીધું છે. એટલે કે, બીજા ઈન્જેક્શનના છ મહિના પછી બૂસ્ટર ડોઝ લઈ શકાય છે. નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI)ની ભલામણના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

હાલ દેશમાં હર ઘર દસ્તક અભિયાન 2.0
રસીકરણને ઝડપી બનાવવા અને બૂસ્ટર ડોઝને પ્રોત્સાહિત કરવા માટે, કેન્દ્ર સરકારે 1 જૂનથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ‘હર ઘર દસ્તક અભિયાન 2.0’ નો બીજો રાઉન્ડ શરૂ કર્યો હતો. આ બે મહિનાનું અભિયાન હવે ચાલી રહ્યું છે. સરકારી ડેટા અનુસાર ભારતની 96 ટકા વસ્તીને કોવિડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 87 ટકા લોકોએ બંને ડોઝ લીધા છે.

Most Popular

To Top