Comments

ઢોસો ખાવાની પણ આવડત જોઈએ..!

અમુક તો એટલાં ભુખેશ કે, મસાલા-ઢોસાનું પાટિયું વાંચે ને મોઢામાં પાણી છૂટવા માંડે. દીનાનાથ જાણે કે, મસાલા-ઢોસામાં અડદ-ચોખાના પૂડલામાં કાંદા-બટાકા ને કઢી-લીમડા સિવાય બીજું આવે શું..? છતાં,મસાલો-ઢોસો દેખીને, ઊંટને લીમડો મળ્યો હોય એટલાં “ઘેલા હો માનવી”.બની જાય. એકેય વેદ-પુરાણ કે સંહિતામાં મસાલો-ઢોસો આવતો નથી, ભણતા ત્યારે  બરડા ઉપર મિત્રોના પડેલાં ‘ઢોસા’ યાદ આવે, પણ મસાલા-ઢોસા તો નહિ જ..! એમાં અમુકના ઢોસા તો એવાં જલ્લાદી હોય કે, શિયાળો આવે ત્યારે આજે પણ ઉભરે. ઢીક્કા-ઢોસા ખાધા વગર બચપણ ગતિ જ નહિ કરતું. બસ, ત્યારથી આ ઢોસો શબ્દ મગજમાં માળો બાંધી ગયેલું.! બચપણિયા ઢોસા હિંસક ખરા,પણ ખાવા ખવડાવવાનો વ્યવહાર ચાલતો, એટલે ગમતા..! ક્યારેક તો, એક ઉપર બે ઢોસાનું ચલણ પણ ચાલતું. આવા ઢોસા ખાવામાં ફાયદો એ થતો કે, બરડા જેવો પ્રદેશ શરીરની પાછળ આવેલો છે, એની માહિતી મળતી. પછી તો, ડોસા થાય ત્યાં સુધી એ ખાધેલા ઢોસાની અસર રહેતી..! અમુકને તો છેલ્લા શ્વાસ સુધી ઢોસા સાથ નિભાવતા..! એવાં દુખણા આપે કે, લાકડાં ભેગાં જ એનાં ઓડકાર જતાં. એને બચપણિયા ઢોસા કહેવાય. આવા બચપણિયા ઢોસા આગળ, હોટલના લસણિયા મસાલા-ઢોસાનું પાંચિયું પણ નહિ આવે. લસણિયા ઢોસા દસ-પંદર ઉળેલી નાંખો તો પણ, ઓડકાર તો શું સીટી પણ નહિ વાગે..!

 મને સેંચુરીમાં હવે ૨૫ જ વરસ ખૂંટે છે. કસ્સમથી કહું તો મને હજી મસાલા-ઢોસા ખાતાં આવડતું નથી. ખાવાની વાત તો દૂરની, ફફડાવીને ‘મસાલા-ઢોસા’ બોલતાં પણ ફાવતું નથી. બોલવા જાઉં ને (મ) સાઈલન્ટ થઇ જાય. એમાં સાંભળનાર મારામારી કરવા આવે. એને એમ જ લાગે કે, આ મને ‘સાલા-ઢોસા’ બોલે છે. પાછું મોઢામાં ફર્નીચર હોય નહિ, એટલે  ‘ઢોસો’ બોલતાં તો ફાવે જ નહિ. બોલવા જાય તો ચોગઠું બાહ્ય-દર્શન કરવા નીકળે. ખાવાની ઈચ્છા થાય ત્યારે ‘મસાલા-ઢોસા’ બોલવા સાલો માણસ ભાડે કરવો પડે. કેટલાંક મોટી ઉંમરના તો હજી મોન્ટેસરીનાં વિદ્યાર્થી હોય એમ, ‘સલામા-ઢોસા’ જ બોલે ને વેઈટર એનો વંશજ હોય એમ, તે પણ સલામો-ઢોસો સાંભળીને, મસાલો-ઢોસો જ આપી જાય.  ‘દાલ-ફ્રાઈ’ નહિ આપી જાય..!

આ તો મારું અનુમાન કે, ૭૭.૭૭ % ને ખબર ના  હોય કે, મસાલો-ઢોસો ખાવાની શરૂઆત ક્યા કોર્નરથી કરાય.! એમાં હું પણ આવી જાઉં. બાજુના ટેબલવાળાને તો પુછાય નહિ કે, ‘પ્લીઝ..! જરા બતાવો ને કે, આ મસાલો-ઢોસો ખાવાની શરૂઆત ક્યાંથી કરું..? પૂછવા જઈએ તો રતનજી ખીજાય..!’ રસોઈ શો’ વાળા મસાલા ઢોસા બનાવવાનું શીખવે ખરા, પણ મસાલા-ઢોસા ખાવાનું મંગળાચરણ કયા ખૂણેથી કરવાનું કે, કયા હાથે કયું ઉપકરણ પકડવાનું એ ક્યાં શીખવે છે..? એટલે તો મરઘાંની જેમ ચૂંથીને મસાલા-ઢોસાની વાર્તા પૂરી કરવી પડે. લગનના મામલા જેવું છે મામૂ..! વરરાજાને પૈણવાની ખબર હોય, લગનની વિધિ થોડો જાણતો હોય..?  કેટલાં મંગલ-ફેરા કઈ બાજુથી ફરવાના, ને ક્યાં જઈને હાથ પકડી સાવધાન થવાનું, એની તો મુદ્દલે ખબર ના હોય.! એ તો સારું છે કે, બ્રાહ્મણ રાખીએ છીએ પાર પડી જાય. નહિ તો કન્યા વિદાય ટાણે રાષ્ટ્રગીત ગાઈને છૂટાઁ પડે તેવાં..! 

મઝા તો ત્યારે આવે કે, મસાલા-ઢોસાનો ઓર્ડર આપે એટલે, ડીસમાં ગટરનું ગરનાળું ઊંચકી લાવ્યો હોય એમ, વેઈટર મસાલો-ઢોસો આપી જાય. ડીસ નાની ને, ઢોસો મોટો..! ખાવાને બદલે મારે તેનાથી આકાશ-દર્શન કરવાનું હોય  એટલો તે પોલો ને લાંબો પણ ખરો. સાથે સાળા જેવો સંભારો ને સાળી જેવી તમતમતી ચટણી હોય. એમાં છરી-કાંટા-ચમચી-નેપકીન જોયા પછી તો શંકા જ જાય કે, હોટલમાં હું મસાલા-ઢોસા ખાવા આવ્યો છું કે, ઓપરેશન થીયેટરમાં કોઈનું પોસ્ટ-મોર્ટમ કરવા? વાઈફને મસાલા-ઢોસો ખાવાની ફાવટ હોય તો તો ઠીક, નહિ તો આપણા ભોગ જ લાગે! વાઈફને સંભાળવા જઈએ કે, મસાલા-ઢોસા સાથે મારામારી કરવા જઈએ? પરસેવાવાળો સંભાર જ પીવાનો વખત આવે! પણ મેં અનુભવ્યું કે, જે માણસ મસાલા-ઢોસાને વચ્ચોવચ્ચથી ખાતો હોય એ બુદ્ધિશાળી હોય.

એટલા માટે કે મસાલા-ઢોસાના મધ્ય પ્રદેશમાં જ શાક હોય, જે માણસ કિનાર પકડીને મસાલો-ઢોસો ખાતો હોય, એ કંજૂસ હોય, અને જે માણસ બે હાથે પકડીને મસાલો-ઢોસો દબાવી જતો હોય એ ક્યાં તો આવડત વગરનો હોય, ક્યાં તો ખાઉધરો હોય! સારું છે કે, બધી જ હોટલવાળા નિર્દય હોતા નથી. અમુક હોટલવાળા તો માંગો એટલી વાર સંભારો પણ આપે ને ચટણી પણ આપે. જો કે, એટલા દયાળુ પણ નથી હોતા કે, સંભાર અને ચટણીની માફક બીજી વાર મસાલો-ઢોસો પણ મફતમાં આપી જાય! પોતાના ખર્ચે બીજી વાર મસાલો ઢોસો મંગાવીએ એક ઉપર બીજી ‘વાઈફ’ કરતા હોય એવો આત્મદોષ લાગે. ટેબલ મેનર્સ પણ જાળવવી પડે ને દાદૂ..? બાકી, બાજુના ટેબલવાળાને થોડું કહેવાય કે, ખાતાં વધે તો તમારો મસાલો-ઢોસો મને જ આપજો હંઅઅકે..? અન્નનો બગાડ કરવો એ મહાપાપ છે..! ને કોઈ અડધો છોડીને ચાલી ગયું હોય તો, તેની પ્લેટમાંથી લઈને ખાઈ પણ નહિ શકાય! ચટણી સંભારનો સબડકો નહિ મરાય તો, મસાલો ઢોસો ક્યાંથી ખવાય? આવું કરવા જઈએ તો, પદ-પ્રતિષ્ઠા-ભણતર-ડીગ્રી-એવોર્ડ બધું ત્યાં જ દફન થઇ જાય..! સાલા, ‘એક મામૂલી મસાલા-ઢોસા આદમીકો કિતના બબૂચક બના દેતા હૈ?

આમ જુઓ તો મસાલો-ઢોસો એટલે આપણો ગુજરાતી પૂડલો. જે  બાળપોથીથી હજી આગળ વધ્યો જ નથી, ને મસાલો-ઢોસો વિશ્વવિખ્યાત બની ગયો. ‘હરિ તારા નામ હજાર’ની માફક, કોઈ એને મૈસુર મસાલા કહે, કોઈ રવા મસાલા કહે, કોઈ પેપર મસાલા કહે, કોઈ પાલક કે વેજીટેબલ મસાલા કહે, તો કોઈ એને ઈંડા મસાલા-ઢોસા પણ કહે..! દિવસ છેડે કોઈ પણ ગુજરાતીનું પેટ ઓપન કરો તો, એમાંથી ઢગલેબંધ મસાલા-ઢોસા નીકળે! ગુજરાતીઓના પેટ વધવા પાછળ મસાલા-ઢોસાનો ફાળો કંઈ નાનો નથી. બે-ચાર મસાલા-ઢોસા એક સાથે ઝાપટી લીધા પછી પેટનો ઘેરાવો એવો વધે કે, પેટ છે કે, હાઈબ્રીડ બટાકો એની ખબર સુદ્ધાં નહિ પડે..! ફાલે પણ ખરું ને અંદરથી ફૂલે પણ ખરું..! જેવો જેવો મસાલો-ઢોસો ને જેવી જેવી એની માયા!

લાસ્ટ ધ બોલ       
અમારા  શ્રીશ્રી ભગાને મસાલા-ઢોસા એટલા ભાવે કે, એક જ બેઠકે દશ-પંદર મસાલા ઢોસા ઉલેળી નાંખે. મફતમાં ખવડાવનાર બંદો મળવો જોઈએ! એટલે તો લગન પણ મદ્રાસણ સાથે કરેલાં.  મદ્રાસથી વાઈફ તો લાવ્યો, પણ પ્રોબ્લેમ એ આવ્યો કે, વાઈફ કોઈ પણ શાક  બનાવે તો, ‘મસાલો ઢોસો’  ખાતાં હોય એવું જ લાગે! ભીંડાનું શાક બનાવે તો ‘ભીંડા-મસાલા-ઢોસા’ લાગે, પાસ્તા બનાવે તો ‘પાસ્તા મસાલા-ઢોસા’ લાગે. આટલો સિતમ છતાં, બંને વચ્ચે ક્યારેય ઝઘડો કે ખટરાગ થતો નથી. કારણ કે, વાઈફને ગુજરાતી નહિ આવડે ને, શ્રીશ્રી ભગાને  મદ્રાસી નહિ આવડે. પરણ્યો ત્યારથી ગામનો ‘બેસ્ટ ફેમીલી’નો એવોર્ડ શ્રીશ્રી ભગો લઇ જાય છે બોલ્લો..! સાર એટલો જ કે, જિંદગીમાં સુખી રહેવું હોય તો પ્રેસર કુકરની જેમ જીવવાનું. નીચે ભલે આગ હોય, આપણે બિંદાસ ઉપરથી સીટી વગાડ્યા કરવાની..! વિશ્વાસ રાખવાનો કે, કૂકર ફાટે તો અવાજ આવવાનો જ છે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top