Gujarat

14 અને 15 મેના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર સી ફોર્મ મુદ્દે મોટી સંખ્યામાં ડોકટરો ભેગા થઈ ધરણા કરશે

અમદાવાદ: અમદાવાદમાં (Ahmadabad) હોસ્પિટલ્સ (Hospital) અને નર્સિંગ હોમ્સના (Nursing homes) ‘સી ફોર્મ રિન્યુઅલ’ (‘C Form Renewal’) મુદ્દે ડોકટરોએ (Doctors) સરકાર સામે બાયો ચઢાવી છે. અમદાવાદ હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સ એસોસીએશન આગામી 14 અને 15 મે એમ બે દિવસ હડતાળા (Strike) કરી સંપૂર્ણ હોસ્પિટલો બંધ રાખી વિરોધ નોંધાવશે. ડોકટર્સના કહ્યા મુજબ વારંવાર સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને સી ફોર્મ રિન્યુઅલ મુદ્દે રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા છેવટે હડતાળ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હડતાળના પગલે હજારો દર્દીઓને મુશકેલી વેઠવી પડશે જેના માટે ડોકટર્સે પહેલાથી જ માફી પણ માંગી લીધી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં ડોકટરો ભેગા થઈ ધરણા કરશે.

અમદાવાદમાં ડોકટરોની હડતાળાનું મુખ્ય કારણ બીયુનો નિયમ રદ કરવા મામલે છે. AHNAના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે 2014 પહેલા જે હોસ્પિટલ બની છે કે અથવા તો બિલ્ડીંગ બની છે તેનું બીયુ પરમિશન લેવા માટે તકલીફ પડી રહી છે. તેથી સરકાર અને કોર્પોરેશનને અપીલ છે કે બીયુનો નિયમ રદ કરવામાં આવે, કારણ કે 400 જેટલી હોસ્પિટલોનું સી ફોર્ં રિન્યુઅલ નથી થયું. સરકાર અને કોર્પોરેશન આ નિયમ અંગે વધુ ઉંડાણપૂર્વક વિચાર કરે તેવી અપીલ AHNAનો ડો. ભરત ગઢવી દ્વારા કરવામાં આવી હતી. નાના ક્લિનિક અને નર્સિંગ હોમ્સ માટે નિયમો વિચારવાની જરૂર છે. ડો.ભરત ગઢવીના કહ્યા પ્રમાણે જો આ નિયમો લાગુ કરવામાં આવશે તો આવનારા દિવસોમાં 900 જેટલી હોસ્પિટલો બંધ થઈ જશે., એટલે કે અમદાવાદ શહેરમાં 50 જેટલી હોસ્પિટલો બંધ થઈ જશે.

બીયુ પરમિશન અને સી ફોર્મ શું છે
આપણે પહેલા વાત કરીએ સી ફોર્મની. સી ફોર્મ અટેલે બોમ્બે નર્સિંગ એક્ટ મુજબ હોસ્પિટલનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ત્યારે આ ફોર્મની જરૂર પડે છે. જેમાં હોસ્પિટલ તેમજ ડોકટરના માહિતી તેમજ સર્ટીફિકેટ સહિત તમામ વિગતો રજૂ કરવામાં આવે છે. આ સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સી. ફોર્મમાં અચાનક જ નવો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે જેમાં સી ફોર્મની સાથે હવે બીયુ પરમિશનનું કાગળું ફરજિયાત રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ પહેલા સી ફોર્મમાં આવો કોઈ નિયમ ન હતો. હવે જ્યારે આ નિયમ બહાર પાડવામાં આવ્યો છે ત્યારે ડોકટરોનું કહેવું છે કે બીયુ પરમિશન કાગળ લાવવામાં હોસ્પિટલોને અત્યારે તકલીફ પડી શકે છે. કારણ કે અનેક એવી હોસ્પિટલો છે જે વર્ષો જુની બિલ્ડિંગોમાં છે જ્યાં બિયુ પરમીશન છે જ નહીં. તેથી જો આ નિયમ લાગુ કરવામાં આવે તો આવનારા સમયમાં અનેક હોસ્પિટલો બંધ થઈ શકે છે. આ નિયમ માત્ર અમદાવાદ કોર્પોરેશન દ્વારા જ લાગુ કરવામાં આવ્યો છે. રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર, જેવા શહેરોમાં આ નિયમ લાગુ કરાયો નથી.

ઉલ્લેખનીય છે કે બીયુ પરમિશનની માત્ર અમદાવાદ શહેરમાં જ લાગુ કરવામાં આવી છે. AHNAના સેક્રેટરી ડો. વિરેન શાહના જણાવ્યા પ્રમાણે 2021 ઓક્ટોબરથી સી ફોર્મ રીન્યુઅલ માટે અચનાક બીયુ પરમિશન લાગુ કરી દેવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં એક સાથે ફોર્મ સી રીન્યુ ન થવાથી શહેરોની હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સને તાળા મારી દેવાના દિવસો આવશે. વર્ષ 1950થી 2021 સુધી હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમ્સ રજીસ્ટ્રેશન માટેના તમામ જરૂરી દસ્તાવેજો આપતા આવ્યા છીએ અને તેમનું સી’ ફોર્મ સમયાંતરે રીન્યુ કરી આપવામાં આવ્યું છે. તેમજ હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સનું રજીસ્ટ્રેશન,સ્ટાફની લાયકાત તેમજ ડોક્ટર્સના ક્વોલિફીકેશનની ચકાસણી કર્યા બાદ જ આપવામાં આવે છે.

Most Popular

To Top