SURAT

સુરત ટેકસટાઈલ મોડલીંગ અને પ્રિન્ટિંગ પેપર એસોસિએશન દ્વારા હડતાળની ચીમકી

સુરત: સુરત (Surat) ટેકસટાઈલ (Textile) મોડલીંગ (Modeling) અને પ્રિન્ટિંગ પેપર એસોસિએશન દ્વારા કેટલોગ પર એક રૂપિયાના વધારાની માંગ સાથે હડતાળની (Strike) ચીમકી આપવામાં આવી છે. જેને લઈ કાપડ ઉદ્યોગમાં ચર્ચાનો વિષય બન્યો છે. ચાઈનાથી આવતા પેપર સહિત રો-મટીરીયલ્સના વધતા ભાવ ને લઈ ભાવ વધારાની માંગ એસોસિયેશન દ્વારા કરવામાં આવી છે. સાડી પેકિંગમાં મોડલીંગ એન્ડ પ્રિન્ટિંગ પેપર મુકવામાં આવે છે. જેના પરથી સાડીની ડિઝાઇનની જાણકારી વેપારીઓ અને ખરીદી કરનારને મળી રહે છે. આવા સંજોગોમાં એસોસિયેશન હડતાળ પાડશે તો તેની ગંભીર અસર કાપડ ઉદ્યોગ પર જોવા મળી શકે છે. સુરતમાં 700 જેટલા નાના-મોટા મોડલીંગ એન્ડ પ્રિન્ટિંગ સ્ટુડિયો આવેલ છે.

મનોજ ભાઈ (મોડલિંગ એન્ડ પ્રિન્ટિંગ પેપર વેપારી) એ જણાવ્યું હતું કે સુરત કાપડ માર્કેટમાં ટેક્સટાઇલ્સ માર્કેટ એસિયાની સૌથી મોટી માર્કેટ છે. લગભગ વાર્ષિક 150 કરોડના વ્યવસાય સાથે સંકળાયેલી સુરત ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં અન્ય રાજ્યોના લોકો પણ વેપાર માટે આવે છે. આ ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગ સાથે મોડલીંગ એન્ડ પ્રિન્ટિંગ પેપરનો વ્યવસાય પણ જોડાયેલ છે. જેથી તેને કાપડ ઉદ્યોગનું એક અન્ય અભિન્ન અંગ ગણવામાં આવે છે. વેપારીઓ સાડી પેકિંગની સાથે મોડલીંગ પ્રિન્ટિંગ પેપર પણ અન્ય રાજ્યોમાં મોકલતા હોય છે. મોડલીંગ પ્રિન્ટિંગ પેપર પરથી સાડીની ડિઝાઇન ક્યાં પ્રકારની છે તે નક્કી થતી હોય છે.

લલિત શર્મા (વેપારી અગ્રણી-જાપાન માર્કેટ) એ જણાવ્યું હતું કે, સુરતમાં આવા અંદાજીત 700 જેટલા નાના-મોટા મોડલીંગ એન્ડ પ્રિન્ટિંગ સ્ટુડિયો આવેલ છે. જે કાપડ ઉદ્યોગ સાથે સીધા સંકળાયેલા છે. મોડલિંગ એન્ડ પ્રિન્ટિંગ માટે જે પેપર ઉપયોગમાં લેવામાં આવે છે તે ચાઈનાથી આવે છે. પેપરના ભાવમાં પણ વધારો થતાં હાલ મળતું માર્જિન વેપારીઓને પોશાય તેમ નથી. જેના પગલે એસોસિયેશન દ્વારા કાપડ ઉદ્યોગના વેપારીઓ પાસે પ્રિન્ટિંગ પેપર પર એક રૂપિયાના વધારાની માંગ કરવામાં આવી છે. જો ભાવ વધારો નહિ આપવામાં આવે તો આગામી દિવસોમાં એસોસિયેશન દ્વારા હડતાળ ની ચીમકી આપવામાં આવી છે. બીજી તરફ કાપડ ઉદ્યોગ પહેલાંથી મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. અગાઉ મોકલવામાં આવેલા માલનું પેમેન્ટ પણ મળી રહ્યું નથી. વેપારીઓ આર્થિક નાણાકીય સંકટનો સામનો કરી રહ્યા છે. બીજી બાજુ વેપારીઓ હાલ મોડલિંગ એન્ડ પ્રિન્ટિંગ પેપર પર ભાવ વધારો આપવા માટે તૈયાર નથી. કેટલાક વેપારી અગ્રણીઓ આ બાબતે સમસ્યાનું સુખદ સમાધાન આવે તેવા પ્રયત્ન હાલ કરી રહ્યા છે.

Most Popular

To Top