SURAT

ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપ અને દવાઓનું વેચાણ કરતાં મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી

સુરત : ગોડાદરા ખાતે એક મેડિકલ સ્ટોરમાં (Medical Store) ડોક્ટરના (Doctor) પ્રિસ્ક્રીપ્શન (Prescription) વગર નશાકારક સીરપ અને નશાયુક્ત દવાઓનું વેચાણ કરનાર સામે પોલીસ (Police) અને ફુડ એન્ડ ડ્રગ્સ (Food and Drugs) વિભાગની ટીમે કાર્યવાહી કરી હતી. નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબલેટ (Tablate) અને સીરપ વેચાણ કરતા મેડીકલ સ્ટોર્સ (Medical Stores) પર પીસીબી અને એસઓજીની અલગ અલગ ટીમોએ વોચ રાખી હતી. દરમિયાન ગોડાદરા વિસ્તારમાં એક મેડીકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ પ્રિસ્ક્રીપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળી હતી.

  • મેડિકલમાંથી પોલીસ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે 648 ટેબલેટ અને 154 સીરપની બોટલ મળી
  • ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી એસ.ઓ.જી. અને પી.સી.બી.ના દરોડા
  • ગોડાદરા વિસ્તારમાં એક મેડીકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ પ્રિસ્ક્રીપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળી હતી

બાતમીના આધારે પોલીસ અને ફુડ એન્ડ ડ્રગ્સના ઇન્સ્પેક્ટરને સાથે રાખીને ગોડાદરા પર્વત ગામ જય ગોગા મહારાજના મંદિરની સામે આવેલા “આઈ.જી.કેમીસ્ટ”નામના મેડીકલ સ્ટોર ઉપર રેઈડ કરી હતી. મેડીકલ સ્ટોરના સંચાલક પ્રકાશ વર્ષારામ ચૌધરી (ઉ.વ.૩૦, રહે. શિવાજીનગર ઉધના યાર્ડ લિંબાયત તથા મુળ પાલી, રાજસ્થાન) હાજર હતો. જે કોઇ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુક્ત દવા(ડ્રગ્સ) નું વેચાણ કરતો હતો. તેની નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી ટેબલેટો, કેપ્સ્યુલ જેવી કે, અલ્પાઝોલમ, ટ્રામાડોલ તથા સીરપ કોડેનનો જથ્થો કબ્જે કરાયો હતો. અલ્પાઝોલમ, ટ્રામાડોલની 648 ટેબલેટ અને કેપ્સ્યુલ હતી. જ્યારે કોડેન સીરપની 154 બોટલ મળી હતી.

ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરાશે
આ મેડીકલ સ્ટોરમાંથી કબ્જે કરવામાં આવેલા પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી ટેબલેટ તથા સીરપના જથ્થા બાબતે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે. તેમજ તેઓની તપાસ દરમ્યાન ગેરકાયદેસર જણાઈ આવે તો મેડીકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top