SURAT

MBBSની પૂરક પરીક્ષા હવે 90ની જગ્યાએ 45 દિવસમાં લેવાની રહેશે

સુરત: નેશનલ મેડિકલ કમિશને એમબીબીએસની (MBBS) પૂરક પરીક્ષા (Supplementary Exam ) હવે 90ની જગ્યાએ 45 દિવસ પહેલા લેવા મેડિકલ કોલેજોને (Medical Colleges) આદેશ કર્યો છે. નવી પદ્ધતિનો અમલ પણ પ્રવર્તમાન શૈક્ષણિક વર્ષ 2022-23થી જ કરવાનો રહેશે. નેશનલ મેડિકલ કમિશને બુધવારે એમબીબીએસ અંગેની ગાઇડલાઇનો જાહેર કરી છે. નવી માર્ગદર્શિકા મુજબ એમબીબીએસની રેગ્યુલર પરીક્ષા પૂર્ણ થઈ જાય, તેના એક મહિનામાં જ પૂરક પરીક્ષા લેવાની રહેશે. જેનું પરિણામ પૂરક પરીક્ષા પૂર્ણ થયાના 15 દિવસમાં જ આપવાનું રહેશે. આમ 45 દિવસમાં પૂરક પરીક્ષાની કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે. કોઈ પણ પૂરક બેચ રાખવાનો રહેશે નહીં. અન્ય નિયમો જીએમઇઆર-1997 અનુસાર જ રહેશે.

પહેલું વર્ષ 15મીથી શરૂ, ઇએનટી અને ઓપ્થેલ્મોલોજી ફાઇનલ પાર્ટમાં મૂકાયા
નેશનલ મેડિકલ કમિશને મેડિકલ કોલેજો અને યુનિવર્સિટીઓને શૈક્ષણિક વર્ષ 2022-23માં એમબીબીએસનું પહેલું વર્ષ આગામી 15 નવેમ્બરથી શરૂ કરવા માટેની સૂચના આપી છે. યુનિવર્સિટીએ નેશનલ મેડિકલ કમિશનની ગાઇડલાઇનને જોતા વેકેશનથી માંડીને પરીક્ષા ગોઠવવાની રહેશે. ઉપરાંત ઇએનટી અને ઓપ્થેલ્મોલોજી બન્ને વિષય ત્રીજા વર્ષના પાર્ટ-1માં હતા. જેને હવે ચોથા વર્ષના પાર્ટ-2માં મૂકી દેવાયા છે.

હવે નવા વિદ્યાર્થીઓએ કુટુંબ દત્તક નહીં લેવાના રહેશે
નેશનલ મેડિકલ કમિશનના નોટિફિકેશનમાં લખાયું છે કે કુટુંબ દત્તક કાર્યક્રમ શૈક્ષણિક વર્ષ 2021-22ના બેચ માટે ચાલું રહેશે. પણ નવા શૈક્ષણિક વર્ષ 2022-23ના વિદ્યાર્થીઓ મામલે કોઇ પણ પ્રકારની બાબત લખાય ના હોવાથી એમ મનાશે કે હવે નવા વિદ્યાર્થીઓએ કુટુંબ દત્તક નહીં લેવાના રહેશે.

Most Popular

To Top