Gujarat

પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવા “મહેસૂલી સેવા મેળા” કે કેમ્પનું જિલ્લાવાર આયોજન કરાશે

રાજ્યમાં હવેથી મહેસુલ વિભાગ દ્વારા પ્રજાજનોની રજૂઆત બાદ તેમના પ્રશ્નોના નિકાલ માટે ટૂંક સમયમાં “મહેસૂલી સેવા મેળા” કે કેમ્પનું જિલ્લાવાર આયોજન કરાશે. આજે રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રાજ્યભરના તમામ જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સીધો સંવાદ કર્યો હતો.

કોન્ફરન્સમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે મહેસૂલી સેવાઓમાં શક્ય હોય ત્યાં સુધી મેટર રિમાન્ડ કરવાને બદલે ગુણદોષ પર નિકાલ કરવો, મિલકત બાબતની તકરારમાં અરજી-અપીલ કરવામાં વિલંબ થયો હોય તો વિલંબ અરજી સાથે કરેલી મેરીટ મુજબ નિકાલ કરવો, ચુકાદા ઝડપથી આપવા-સુનાવણી ઝડપથી કરવી જોઈએ.

તેમણે બેઠકમા કહ્યું હતું કે RTS-મહેસૂલી બાબતોના કેસોની સુનાવણીમાં થતો વિલંબ નિવારવો – હવે કોરોનાની મુશ્કેલી ઓછી થઇ હોવાથી અઠવાડિયામાં મંગળ અને ગુરુવાર એમ બે દિવસ અપીલોની સુનાવણી કરવા તથા દિન-૩માં જજમેન્ટ આપવું અને શક્ય હોય ત્યાં સુધી ૩ થી વધુ મુદ્દત ન આપવા તેમજ મહેસૂલી વિભાગને લગતા પ્રજાજનો પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ માટે ટૂંક સમયમાં “મહેસૂલી સેવા મેળા” કે કેમ્પનું જિલ્લાવાર આયોજન કરવા સૂચના આપી હતી.

આ કોન્ફરન્સમાં ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોને ઘર માટે સરળતાથી પ્લોટ મળી શકે તે માટે ગામતળની દરખાસ્તો ૧૦ દિવસમાં નિકાલ કરવા અને જ્યાં ગામતળ ન હોય ત્યાં ૧૫ દિવસમાં દરખાસ્તો મંગાવવા જણાવાયું હતું.ત્રિવેદીએ બિનખેતીના પ્રકરણોમાં ઔઘોગિક હેતુની જમીનોના પરવાનગીના પ્રકરણોમાં વિલંબ ન થાય અને મીઠા ઉઘોગોની અરજીઓ/ રીન્યુઅલની અરજીઓ ત્વરિત નિકાલ થાય તેની સુચનાઓ આપીને જમીન સંપાદનના પ્રકરણોનો ઝડપથી નિકાલ થાય અને વિલંબના કારણે સરકાર પર થતું વ્યાજનું ભારણ અટકે તે મુજબ દરખાસ્તોનો તુરંત નિકાલ કરવા જણાવ્યું હતું તેમજ વિવિધ કોર્ટમાં ચાલતા કેસોમાં સરકાર તરફથી જવાબદાર અઘિકારી ઉપસ્થિત રહીને યોગ્ય વિગતો પૂરી પાડે તેમ ભારપૂર્વક સૂચનાઓ આપી હતી.

આ ઉપરાંત બેઠકમાં રી-સર્વેના કામમાં જિલ્લાવાર મુશ્કેલીઓ અને તેના ઉકેલ માટેના ઉપાયો દરેક કલેક્ટર પાસેથી દિન-૭માં મંગાવવામાં આવ્યા ત્યારબાદ વિભાગ દ્વારા એક ઉચ્ચ સ્તરીય અધિકારીઓ/ એકસ્પર્ટસની મીટીંગ કરી તે જ ઉકેલ માટેનું આયોજન કરવાનું નકકી થયું હતું તેમજ તમામ પ્રકારની ધાર્મિક સંસ્થાઓના રખ-રખાવ માટે અપાયેલી જમીનોમાં જો જમીનોની કોઇ બિનઅઘિકૃત વેચાણ/તબદીલી થઇ હોય તો દરેક કલેક્ટર સુઓમોટો કાર્યવાહી કરી નિયમોનુસાર કરી અત્રે રિપોર્ટ કરવા મંત્રીએ સૂચનાઓ આપી હતી.

સરકારી ગૌચર જમીનોમાં થયેલા દબાણોની નિયમિત સમીક્ષા થાય અને નવા દબાણો ઉપસ્થિત ન થાય તેમજ શહેરી વિસ્તારના પ્રજાજનોને આપવાના પ્રોપર્ટી કાર્ડના કામમાં ઢીલાશ આવી છે. તેમાં ઝડપ લાવવા અને ૧૫ વર્ષે નવી શરતની ખેતીની જમીનમાં સુઓ મોટો જુની શરતમાં ફેરવવાના હુકમોમાં દર માસે રીવ્યુ થાય અને દરેકને સમયસર હુકમો મળે તેવો આદેશ પણ તેમણે આપ્યો હતો. ખૂબ અગત્યની બાબત કે RIC (રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર) દ્વારા આગામી સપ્તાહે ઉચ્ચ અધિકારીઓ સાથે તેમની ટીમો કોઇપણ જિલ્લામાં ઓચિંતી ચકાસણી માટે આવશે, તેમ તમામ કલેક્ટરોને જણાવ્યું હતું.

Most Popular

To Top