Gujarat

ગુજરાતમાં કોરોનાની રસીના 6.76 કરોડ ડોઝ અપાયા

દેશભરમાં કોરોનાની રસીના 100 કરોડ ડોઝ આપવાનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન આપવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં આજે તા.૨૧ ઓક્ટોબર સવારે ૧૦ વાગ્યા સુધી કોવિડ-૧૯ રસીનો ૭૦,૮૩,૧૮,૭૦૩ લોકોને પ્રથમ ડોઝ અને ૨૯,૧૬,૯૭,૦૧૧ લોકોને બીજો ડોઝ મળીને કુલ ૧૦૦ કરોડથી વધુ રસીના ડોઝ મુકવામાં આવ્યા છે. જેમાં ગુજરાત રાજ્યનું પણ મહત્વપૂર્ણ યોગદાન છે.

ગુજરાતમાં તમામ જુથોના ૪,૪૧,૬૫,૩૪૭ લાભાર્થીઓને પ્રથમ ડોઝ તથા ૨,૩૫,૦૬,૧૨૯ લાભાર્થીઓને બીજો ડોઝ મળી કુલ ૬.૭૬ કરોડથી વધુ રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે એટલે કે સમગ્ર દેશના રસીકરણમાં ગુજરાતનો ૬.૭ ટકાથી વધારે ફાળો છે. રાજ્યમાં પ્રતિ દસ લાખ બે ડોઝના લાભાર્થીએ ૬,૮૬,૧૯૧ રસીના ડોઝ આપવામાં આવ્યા છે જેમાં દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસરનું સ્થાન ધરાવે છે.
આજે સવારે ગાંધીનગમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં કુલ ૧૫,૪૩૬ ગામડા, ૪૯૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૩૦ શહેરી આરોગ્ય કેન્દ્ર તથા ૫૩ તાલુકામાં તમામ ૧૮ વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપી ૧૦૦ ટકા કવરેજ કરવામાં આવ્યું છે.

પટેલે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ રસીકરણ અંતર્ગત ૧ માર્ચ, ૨૦૨૧થી આખા દેશની સાથે, ગુજરાતમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ૪૫ વર્ષથી વધુ ઉંમરના અન્ય રોગો ધરાવતા બધાને કોવિડ-૧૯ની રસીકરણ શરૂ કરવામાં આવી હતી. ૧ લી એપ્રિલ, ૨૦૨૧થી ૪૫ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને રસી આપવામાં આવી, જ્યારે તા. ૧લી મે, ૨૦૨૧થી રાજ્યના ૭ કોર્પોરેશન તથા ૩ જિલ્લામાં ૧૮-૪૪ વર્ષ વય જુથ માટે રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી, ત્યારબાદ ૪થી જુન, ૨૦૨૧થી રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં આ વય જુથમાં રસીકરણની સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રસીકરણ ઝુંબેશ થકી રાજ્યમાં ૧૦૦ ટકા રસીકરણ સંપન્ન કરવાની દિશામાં આરોગ્ય વિભાગની ટીમ કાર્યરત છે જે લક્ષ્યાંકને નજીકના દિવસોમાં જ પૂર્ણ કરવામાં આવશે.

રાજ્યમાં કોવિડ ૧૯ રસીનો સંગ્રહ કરવા કુલ ૨૨૫૦ રસીઓના સ્ટોર ઉપલબ્ધ છે, આ તમામ સ્ટોર ખાતે આ વેક્સિનનો સંગ્રહ ૨°C થી ૮°C તાપમાને કરવામાં આવે છે. રાજ્યમાં કોવિડ વેક્સિનનો સંગ્રહ કરવા માટે ૧૧ વોલ્ક-ઈન-કુલર (WIC), ૦૩ વોલ્ક-ઈન-ફ્રિઝર (WIF), ૨,૫૯૯ આઈસ લાઇન્ડ રેફ્રિજરેટર (ILR), ૨,૪૬૭ ડિપ ફ્રિઝર (DF), ૮૪,૯૩૩ વેક્સિન કેરિયર અને ૪૦૩૪ કોલ્ડ બોક્સ જેવા કોલ્ડ ચેઇનના સાધનો ઉપલબ્ધ છે. રાજ્યના તમામ ૨૨૫૦ રસીના સ્ટોર ખાતે વાસ્તવિક સમયે ઉપલબ્ધ વેક્સિનના જથ્થા અને રસીનું નિયત તાપમાને સંગ્રહ અંગેની માહિતી ઉપલબ્ધ થાય તે માટે eVIN પરિયોજના રાજ્યમાં ૨૦૧૬થી કાર્યરત છે. એટલું જ નહિ, રાજ્યમાં ૧૨ હજારથી વધુ તાલીમબદ્ધ વેક્સિનેટર ઉપલબ્ધ છે.

Most Popular

To Top