Dakshin Gujarat

ડેડિયાપાડાનાં વિદ્યાર્થીની લાશને પોતાના પુત્રની સમજી માંડવીના પરિવારે અંતિમવિધિ કરી નાખી

વાંકલ: ઉમરપાડા(Umarpada)ના શરદા ગામ(Sharda Village)ના જંગલમાંથી મળી આવેલા લાશ(Death Body) કેવડી ગામની કસ્તુરબા ઉત્તર બુનિયાદી આશ્રમશાળાની વિદ્યાર્થીની હોવાનું બહાર આવતાં લોકોએ વિદ્યાર્થીની હત્યા(Murder) થયાની આશંકા વ્યક્ત કરી ઉમરપાડા ખાતે તીવ્ર આક્રોશ સાથે રેલી યોજી યોગ્ય તપાસની માંગ કરી છે. આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉંમરપાડા ખાતે ઊમટી પડ્યા હતા.

  • ઉમરપાડાના શરદા ગામના જંગલમાંથી મળેલી લાશ કેવડી આશ્રમશાળાના વિદ્યાર્થીની નીકળી
  • મૃતક વિદ્યાર્થી સંજય વસાવાના પરિવારજનોને પોલીસ મથકે ખબર પડી કે તેમના પુત્રની લાશ ભૂલથી માંડવીનો પરિવાર લઈ ગયો હતો
  • ઉમરપાડામાં તીવ્ર આક્રોશ સાથે સંજયના પરિવારે રેલી યોજી હત્યાની આશંકા સાથે તપાસની માંગ કરી
  • બે યુવકના ગુમ થયા બાદ ભૂલના કારણે એકની લાશ ભળતો જ પરિવાર લઈ જતાં ગૂંચવાયેલો મામલો

નર્મદાના ડેડિયાપાડાના વાડવા ગામનો સંજય રમેશ વસાવા ઉમરપાડાના કેવડી ગામે કસ્તુરબા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા મરોલી સંચાલિતમાં ધો.12માં અભ્યાસ કરતો હતો અને તા.19 સપ્ટેમ્બરે ક્યાંક ગુમ થઈ ગયો હતો. પરંતુ સંસ્થા દ્વારા ગુમ થયા અંગેની જાણ પરિવારજનોને કરવામાં આવી ન હતી. વિદ્યાર્થીના ફોઈ આશ્રમ શાળા ખાતે સંજયને મળવા આવતાં સંસ્થામાંથી સંજય ઘરે ગયો હોવાનું જણાવ્યું હતું. જેથી ફોઈએ તેના પિતાને સંજય વાડવા ગામે આવ્યો હોવાનું જણાવ્યું હતું. પરંતુ સંજય પોતાના ઘરે નહીં હોવાથી ઘણા દિવસો પછી કેવડી આશ્રમ શાળા ખાતે તપાસ માટે આવ્યા હતા. ને પુત્ર ગુમ થયાની ખબર થઈ હતી. બીજી તરફ તા.23ના રોજ શરદા ગામના જંગલમાંથી એક બિનવારસી લાશ મળી આવી હતી. પરંતુ ડીકમ્પોઝ હાલતમાં લાશ હોવાથી પોલીસ માટે ઓળખ કરવું મુશ્કેલ બન્યું હતું. આ સમય દરમિયાન બાજુના માંડવી તાલુકાનો એક વ્યક્તિ ગુમ થયો હોવાથી તે વ્યક્તિના પરિવારજનો પોલીસમથકે આવ્યા હતા. અને આ લાશ પોતાના પરિવારના સભ્યની હોવાનું સમજી પોલીસ પાસેથી કબજો લઇ તેનાં અંતિમસંસ્કાર કરી દીધાં હતાં.

પુત્રની હત્યા થઇ હોવાની પરિવારજનોને આશંકા
આ તરફ ગુમ સંજયના પિતાને ઉમરપાડા પોલીસને એક અજાણી લાશ મળી હોવાની ખબર થતાં તેઓ પોલીસ સ્ટેશને તપાસ કરવા આવ્યા હતા, ત્યારે હાથમાં પહેરેલું કડું અને શર્ટના આધારે પિતાએ આ લાશ પુત્ર સંજયની હોવાનું પોલીસને કહ્યું હતું. પુત્રની હત્યા થઈ તેવી શંકા પરિવારજનોને હતી. છતાં સંજય આશ્રમ શાળામાંથી કેવી રીતે જંગલમાં ગયો? શું ઘટના બની તે અંગેની કોઈ તપાસ નહીં થતાં આદિવાસી સમાજના આગેવાનો ડો.કિરણ વસાવા, જગદીશ વસાવા,વાડવા ગામના સરપંચ તેમજ ઉંમરપાડા માંગરોળના સ્થાનિક આગેવાનો હરીશ વસાવા, અનિલ ચૌધરી સહિતના આગેવાનો સાથે લોકોએ ઉમરપાડામાં તીવ્ર આક્રોશ સાથે રેલી યોજી, દેખાવ-સૂત્રોચાર કરી સંજય વસાવાને ન્યાય આપોની માંગ કરી હતી. અને ફરજ ઉપરના મામલતદાર કિરણસિંહ રણાને એક આવેદનપત્ર સુપરત કરી આગેવાનોએ જણાવ્યું કે, આ ઘટનાની ઉચ્ચસ્તરિય તપાસ થવી જોઈએ.

Most Popular

To Top