Dakshin Gujarat

નવસારી હાઇવે પર આવેલું પ્રેમ, પ્રગતિ, પુરુષાર્થ, સહકાર અને શાંતિવાળું ગામ ‘ભૂલા ફળિયા’

નવસારીથી હાઇવે પર આવેલું ભૂલા ફળિયા ગામ એટલે પ્રેમ, પ્રગતિ, પુરુષાર્થ, સહકાર અને શાંતિવાળું ગામ. નવસારીને અડી આવેલું હોવાને કારણે લોકોનો સંબંધ નવસારી સાથે વધુ રહ્યો છે. ઇતિહાસને ફંફોસીએ તો સમજાશે કે ભૂલા ફળિયા વગડાને એક છેડે પાંગરેલું એક ગામડું છે. સુપા પરગણા તરીકે ઓળખાતો એક વિસ્તાર જેની શરૂઆત ઇટાળવાથી થતી અને કુંભાર ફળિયાએ પૂરી થતી હતી. જો કે, ભૂલા ફળિયાનું નામ કઇ રીતે પડ્યું એ અંગે કોઇ ચોક્કસ માહિતી નથી, પરંતુ કોઇ ભુલાભાઇ નામની અગ્રણી વ્યક્તિના નામ પરથી આ ગામનું નામ ભૂલા ફળિયા પડ્યું હશે એમ માનવામાં આવે છે. નવસારી તાલુકા પંચાયતમાં એક વખત લાગેલી આગને કારણે ભુલા ફળિયાની કેટલીય જૂની વાતો સ્વાહા થઇ ગઇ છે, તે કારણે લોકવાયકાને આધારે જ ગામના ઇતિહાસની ચર્ચા થાય છે. ગામની વસતી 2200ની છે. એમ મનાય છે કે ગામના પહેલા વસાહતી કોળી પટેલો છે. કોળી પટેલ ઉપરાંત આહીર અને હળપતિઓ પણ વસે છે. ગામમાં વિકાસ ઊડીને આંખે વળગે એવો છે. પૂર્વ સરપંચ અને હાલમાં નવસારી તાલુકા ભાજપના પ્રમુખ મુકેશભાઇ પટેલના નેતૃત્વ હેઠળ વિકાસનાં ઘણાં કામો થયાં છે. તેઓ બે ટર્મ સરપંચ તરીકે પણ રહ્યા છે ને નવસારી પૂર્વ વિભાગ કોળી સમાજના ડિરેક્ટર પણ છે. તેઓ સેવાભાવિ હોવા સાથે સાથે ગામના વિકાસમાં અવિરત સક્રિય રહેતા હોવાને કારણે ગામમાં વિકાસ જોવા મળે છે. ગામના રસ્તા સારા બની ગયા છે, તો ડ્રેનેજની પણ સારી સુવિધા છે. સ્મશાનભૂમિ પણ નવી બની ગઇ છે, તો સ્ટ્રીટલાઇટની સુવિધાને કારણે રાત્રે પણ ગામમાં સુવિધા રહે છે. પાણી પુરવઠાની યોજના પણ કાર્યરત છે અને તેને કારણે ગામમાં નળ સે જળની યોજના ફળીભૂત થઇ છે. હળપતિવાસમાં મિનરલ વોટર પ્લાન્ટ પણ છે, તેને કારણે પાણીથી થતા રોગો ઉપર નિયંત્રણ મૂકવાનું સરળ બન્યું છે. હાલમાં જ ચુંટાયેલા સરપંચ બ્રિજલ પટેલ અને તેમની ટીમ વિકાસનાં નવાં આયોજન કરી રહી છે. ગામ રાજકીય રીતે પણ ખૂબ જ જાગૃત છે. રાજકીય રીતે સક્રિય હોવા છતાં ગામમાં ભાઇચારાનો માહોલ જોવા મળે છે. જેથી આ ચૂંટણીમાં ભૂલા ફળિયા ગામ સમરસ બની જતાં ચૂંટણી યોજાઈ ન હતી. તેમજ પ્રજાકીય જાગૃતિને કારણે અનેક કામો થયાં છે.

ત્રણ આંગણવાડી અને એક પ્રાથમિક શાળા કાર્યરત
ગામના લોકોની શિક્ષણભૂખ સંતોષવા માટે ત્રણ આંગણવાડીઓ ચાલે છે, તો એક પ્રાથમિક શાળા પણ છે. જેમાં હાલમાં ૧૬૦ જેટલાં બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. આ સાથે જ શાળામાં બાળકો માટે રમત-ગમતનાં સાધનો પણ વસાવવામાં આવ્યાં છે. બોર્ડિંગ ખાતે હાઇસ્કૂલ પણ છે. ઉપરાંત નવસારી નજીક હોવાને કારણે શિક્ષણની સુવિધા નવસારીમાં સારી મળી રહે છે, તેનો પણ લાભ નવી પેઢીને મળી રહ્યો છે. સુપા બોર્ડિંગ હાઇસ્કૂલ છાત્રાલય સાથેની સ્કૂલ છે. તેની શિક્ષણ ગુણવત્તાની સાથે સાથે તેનું શિસ્ત પણ જાણીતું છે.

ગામનો સાક્ષરતા દર ૮૦ ટકા
શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. સરકારના ઉમદા પ્રયાસોને કારણે ગુજરાતમાં સાક્ષરતા દર વધી રહ્યો છે. નવસારી જિલ્લો પણ અન્ય જિલ્લાની હરોળમાં આગળ ધપી રહ્યો છે એ આનંદની વાત છે. ભૂલા ફળિયા ગામ સ્વાતંત્ર્યસેનાનીઓનું ગામ છે. ગામના લોકો અભ્યાસ ક્ષેત્રે આગળ વધે એ માટે લાઇબ્રેરી અને પ્રાથમિક શાળા બનાવવામાં આવી હતી. જ્યાં ગામના લોકો અભ્યાસ કરે છે. હાલમાં ગામમાં હાઇવેને અડીને ખાનગી શાળા પણ આવેલી છે. જ્યાં ઉચ્ચ અભ્યાસ માટે ગામના બાળકો જઈ શકે છે. જેથી નવસારી સુધી બાળકોએ આવવું પડતું નથી. ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ ગામમાં જ મળી રહે છે. જો કે, ડિગ્રી મેળવવા માટે બાળકોએ નવસારી આવવું પડે છે.

બોર્ડિંગ સ્કૂલ પાસેનો ઓવરબ્રિજ નવો બનાવવા સરકારને રજૂઆત કરી છે : મુકેશ પટેલ
નવસારી તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ગામમાં ઘણાં વિકાસનાં કામો થયાં છે. જો કે, હજી થોડા કામો પ્રગતિમાં છે, જેમાં ગામમાં આવેલી લાઇબ્રેરીનું કામ ચાલુ છે. જ્યારે ગામમાં આવેલા તળાવને વિકસિત કરવાનું કામ બાકી છે. ગામમાં પ્રસૂતિ વિભાગ ટ્રસ્ટનો પ્રમુખ પણ છું. જ્યાં ડર મહીને સરકાર દ્વારા જે દવાઓ આપવામાં આવતી તે દવાઓ હું પૂરી પાડું છું. તેમજ બોર્ડિંગ સ્કૂલ પાસેના ઓવરબ્રિજ સાંકળો છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. જેથી તે ઓવરબ્રિજ નવો બનાવવામાં આવે એ માટે સરકારને રજૂઆત કરી છે.

લોકો માટે હેન્ડપંપ, બોરિંગ અને પાણીની ટાંકીની સુવિધા
ગામના લોકોને પૂરતું પાણી મળે રહે એ માટે ગ્રામ પંચાયત દ્વારા એક ૧૦ લાખ લીટરની પાણીની ટાંકી અને એક 5 લાખ લીટરની પાણીની ટાંકી મૂકવામાં આવી છે. તેમજ ગામમાં 20 હેન્ડ પંપ અને 8 બોરિંગ થયા છે. જેથી ગામમાં પાણીની પૂરતી સુવિધા ગ્રામજનોને મળી રહે છે.

ગામના વિકાસમાં એન.આર.આઈ.નો ફાળો મહત્ત્વનો
ગામના 20થી ૩૦ ટકા લોકો આફ્રિકા, કેનેડા, અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા દેશોમાં જઈ વસ્યા છે. ત્યારે તેઓ ગામના વિકાસ માટે પોતાનો ફાળો નોંધાવી રહ્યા છે. ગામમાં સ્મશાનભૂમિ બનાવવું, મંદિર બનાવવું કે અન્ય મદદ કરી રહ્યા છે. જેના પગલે ગામમાં વિકાસ પણ થઇ રહ્યો છે.
ભૂલા ફળિયાના અનેક લોકો વિદેશમાં સ્થાયી થયા છે
ગામના અનેક લોકો વિદેશમાં સ્થાયી થયા છે. આઝાદી કાળથી જ અનેક સાહસિકો વિદેશ પહોંચ્યા હતા. એ સમયે આફ્રિકા ઘણું જાણીતું હતું. ભૂલા ફળિયામાંથી પણ વિદેશ જનારાઓમાં પહેલાં આફ્રિકા જ ગયેલા હતા. આજે પણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, કેનેડા અને અમેરિકા જેવા અનેક દેશોમાં ભૂલા ફળિયાના લોકો વસે છે.

આરોગ્યની સુવિધા પણ ઉપલબ્ધ
ભૂલા ફળિયા ગામ ખડસુપા બોર્ડિંગ નજીક આવ્યું છે. જેથી બોર્ડિંગ પાસે સી.એચ.સી. હોસ્પિટલની સુવિધા મળે છે. જ્યારે ગામમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આવ્યું છે. આ સિવાય હાલમાં ગામની નજીકમાં નવી બનેલી નિરાલી હોસ્પિટલની સુવિધા પણ ગામજનોને મળી રહે છે. તેમજ ખારેલ હોસ્પિટલ પણ નજીકમાં આવેલી છે.

આ છે ગામની ખાસિયત ગામના પ્રથમ શિક્ષક : રણછોડભાઇ ગોવિંદજી પટેલ
પ્રથમ વિદેશ ગમન : સૌ પહેલી વખત આફ્રિકા જનારાઓમાં છીબુભાઇ રણછોડજી પટેલ, વલ્લભભાઇ ધનાભાઇ પટેલ અને નારણભાઇ રણછોડભાઇ પટેલ, ઇંગ્લેન્ડ જનારા ભગાભાઇ ઉકાભાઇ પટેલ, ન્યૂઝીલેન્ડ જનારાઓમાં પરસોત્તમભાઇ નારણજી પટેલ, લાલભાઇ ભગાભાઇ પટેલ, પરભુભાઇ નારણભાઇ પટેલ છે.

ગામના પહેલા વસાહતી : કોળી પટેલ
ગામના પહેલા પોલીસ પટેલ : ડાહ્યાભાઇ ઉકાભાઇ પટેલ
ગામમાં પહેલી કાર વસાવનાર : ભગાભાઇ ઉકાભાઇ પટેલ
પહેલી સાઇકલ વસાવનાર : કેશવભાઇ પરસોત્તમભાઇ પટેલ
પહેલું ટ્રેક્ટર વસાવનાર : પ્રગતિ બચત મંડળી
પહેલી ટ્રક વસાવનાર : પ્રગતિ બચત મંડળી
યુવક મંડળના પહેલા પ્રમુખ : ઉકાભાઇ હરિભાઇ પટેલ
પહેલા સરપંચ : ગોવિંદજી વલ્લભભાઇ પટેલ
દૂધડેરીના પહેલા સંચાલક રણછોડભાઇ રામભાઇ પટેલ અને મંગુભાઇ ધનાભાઇ પટેલ
ગામના પોલીસ પટેલો : ગોવિંદજી વલ્લભભાઇ પટેલ, નાથુભાઇ ભાણાભાઇ પટેલ, દીપકભાઇ મણીભાઇ પટેલ, બચુભાઇ ભાણાભાઇ હળપતિ, રમીલાબેન હર્ષદભાઇ પટેલ

આ સુવિધા પણ ઉપલબ્ધ
મતદારો : 1780
દૂધડેરી : 01
હેન્ડપંપ : 20
તળાવો : 03
આંગણવાડી : 03
પશુધન : 605
મીની ટ્રેક્ટર : ૩૦
ટ્રેક્ટર : 39
કાચાં મકાન : 53
ઈલે. સબમર્શિબલ : 18
પાકાં મકાન : 544
ઓઈલ એન્જિન : 32
સરકારી આવાસ : અંદાજે ૨૫૦
ગોબર ગેસ : 62
પોસ્ટ ઓફિસ : 01
બેંક : 01
ક્રિકેટ ગ્રાઉન્ડ : 01
લાઇબ્રેરી : 01
પેટ્રોલપંપ : 01
પ્રાથમિક શાળા : 01
શહીદ સ્મારક : 01

આઝાદીની લડતના લડવૈયાઓનું ગામ
દેશ અંગ્રેજોની ગુલામી હેઠળ રહ્યો છે. તેની સામે દેશવાસીઓ લડત ચલાવતા રહ્યા છે. તેમની સામે બળવો પણ થયો હતો. પરંતુ ગાંધીજી આફ્રિકાથી પાછા ફર્યા ત્યાર બાદ આઝાદીની લડતમાં એક નવી દિશા મળી, નવું જોમ ઉમેરાયું. ગાંધીજીએ આખા દેશને એ લડતમાં જોતરી લીધો હતો. ગાંધીજીનો પ્રભાવ જ એવો કે તેમની એક હાકલે દેશ આખાના લોકો લડતમાં જોડાતા હતા, દેખાવોમાં સામેલ થતા હતા અને વિરોધ પ્રદર્શન કરતાં હતાં. આખો દેશ આઝાદીની લડતમાં સામેલ હોય ત્યારે ભુલાફળિયું એ લડતથી દૂર રહી શકે ખરું ? આ ગામના પણ આઠ વ્યક્તિઓ સ્વાતંત્ર્ય સૈનિકો રહ્યા છે. ગામમાં 1941માં પુસ્તકાલયની સ્થાપના માટે દયાળભાઇ નારણજી પટેલે પોતાનું ઘર આપી દીધેલું. તો બીજા જ વર્ષે 1942ની લડતમાં તેમણે સક્રિય ભાગ લીધો અને તેને પગલે તેમની ધરપકડ પણ થઇ હતી. સાબરમતી જેલમાં તેમને રાખવામાં આવેલા. તેમણે સ્વાતંત્ર્ય સૈનિક તરીકે આઝાદી બાદ મળેલા પેન્શનનો વિનયપૂર્વક અસ્વીકાર કર્યો હતો. જો કે તેઓ પાછળથી ન્યૂઝીલેન્ડ પરિવાર સાથે રહેવા ગયા હતા. દયાળભાઇ ઉપરાંત નાથુભાઇ નારણજી પટેલ પણ આઝાદીની લડતમાં જોડાયા હતા. મોટા ભાઇ ખેતી કરીને ગુજરાન ચલાવતા તો નાથુભાઇ આઝાદીની લડતમાં જોડાયેલા. આઝાદીની લડતમાં ભાગ લેવા બદલ તેમને પણ સાબરમતી જેલમાં દોઢ વર્ષની જેલ ભોગવવી પડેલી. એ પછી ઘણા વર્ષો ઇંગ્લેન્ડમાં ગુજાર્યા, પાછા ભૂલા ફળિયા આવીને રહ્યા. ગાંધીમૂલ્યના પુરસ્કર્તા એવા ઉકાભાઇ હરિભાઇ પટેલ શિક્ષક થયા, તેમણે આઝાદીની લડતમાં નેતાગીરી સંભાળી હતી. ગ્રામ સફાઇ, પ્રભાતફેરી તથા બીજા રચનાત્મક કામોમાં સદાય સક્રિય રહ્યા. 1942ની લડાઇમાં ભાગ લેવા બદલ તેમની ધરપકડ થઇ હતી. તેમને યરવડા જેલમાં લઇ જવાયા હતા. મણિભાઇ વલ્લભભાઇ પટેલ છ ભાઇઓ, તેઓ બધા જ આઝાદીની લડતમાં સક્રિય પણ જેલવાસ મણિભાઇએ સ્વીકાર્યો હતો. 1942ની ચળવળમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. જ્યારે ગામના સ્વાતંત્ર્ય સૈનિક મોરારભાઇ પટેલ ભગતસિંહના સમર્થક હતા. મોરારભાઇ આઝાદ હિંદ ફોજના કેટલાક રહસ્યો જાણતા હતા. તેમની પણ સરકારે ધરપકડ કરી હતી. તેઓ સોલ્જર તરીકે જાણિતા હતા અને મોરારજી કાકા જ્યારે ગામમાં આવ્યા હતા, ત્યારે તેમણે પૂછેલું કે સોલ્જર ક્યાં છે ? જ્યારે ગામની પ્રાથમિક શાળા પાસેથી તેઓ સાઇકલ પર પસાર થતા, ત્યારે વિદ્યાર્થીઓ તેમને રાણા પ્રતાપ કહીને બોલાવતા. એ જ રીતે ગોપાળભાઇ ધનાભાઇ પટેલ પણ આઝાદી જંગના લડવૈયા. તેમને યરવડા જેલમાં લઇ ગયેલા ત્યારે પિતાએ ગોપાળભાઇના માર્ગદર્શક એવા ઉકાભાઇને ઠપકો આપેલો. ગોપાળભાઇ જોગીભાઇ પટેલ યુવક મંડળના સ્થાપકોમાંના એક અને ભૂગર્ભ પ્રવૃત્તિમાં અસહકારના કાર્યક્રમોમાં અગ્રહરોળના સૈનિક. આઝાદી આંદોલન વખતે તેમને પણ સાબરમતીની જેલમાં જેલવાસ થયેલા. જેલવાસ દરમિયાન તેમની મુલાકાત રવિશંકર મહારાજ સાથે પણ થયેલી. આઝાદી પછી ગામની સમસ્યા હલ કરવામાં સક્રિય રહ્યા. રાષ્ટ્ર માટે કંઇક કરી છૂટવાની તમન્ના સાથે આઝાદી લડાઇમાં ઉકાભાઇની હાકલથી પરભુભાઇ નાનાભાઇ પટેલ જોડાયા અને તેમની ધરપકડ થઇ, યરવડાની જેલની સજા થઇ હતી.

ભૂલા ફળિયાની મુલાકાત લેનારા મહાનુભાવો
ભૂલા ફળિયાની મુલાકાત કાકાસાહેબ કાલેલકરે પણ લીધી હતી. તેમનાં પ્રવાસ વર્ણનો ખૂબ જ જાણીતા છે. એક સાહિત્યકાર તરીકે તેમને આજે પણ યાદ કરાય છે. 1944માં હિન્દી ભાષાના પ્રચાર માટે તેમણે ભૂલા ફળિયા યુવકમંડળની મુલાકાત લીધી હતી. તો સર્વોદય કાર્યકર બબલભાઇ મહેતા પણ સર્વોદય વિચારના પ્રચાર અને પ્રસાર માટે અહીં આવી ગયા હતા. 1965માં ગાયક પરિવારના સ્થાપક અને ગુરુજી રામશર્મા આચાર્યે પણ ગામમાં તેમના શિષ્ય રણછોડભાઇ પટેલના ઘરે મુલાકાત લીધી હતી. એ ઉપરાંત દાદા ભગવાન પણ 1976 માં અહીં સત્સંગ કરી ગયા છે, તો રૂપાબેન નારણજી પટેલ વારિગૃહના ખાતમુહૂર્ત માટે રવિશંકર મહારાજ આવ્યા હતા, એ વાત ગામ માટે ગૌરવસમી છે. એ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇ, પૂર્વ મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઇ, પૂર્વ મહેસૂલ મંત્રી કેશુભાઇ પટેલ, પ્રમુખ સ્વામી, સર્વોદય કાર્યકર નારાયણ દેસાઇ, સર્વોદય અને ગાંધીવાદી દિલખુશ દિવાનજી જેવા અનેક મહાનુભાવો ભૂલા ફળિયાની મુલાકાત લઇ ચૂક્યા છે.

રાજ્યમાં નામના અપાવનારા સાઇકલવીરો
નવસારીની પાસે આવેલા આ નાનકડા ગામને સાઇકલ સ્પર્ધાનો પરિચય કરાવનારા ચંદુભાઇ પટેલ હતા. નવસારી નગર પાલિકામાં નોકરી માટે સાઇકલ પર જ જતા આવતા હતા. એ કારણે તેમનું શરીર પણ કસાતું ગયું અને તેઓ કસરતબાજ પણ બન્યા. સાઇકલ સ્પર્ધામાં તેમણે 1961થી ભાગ લેવા માંડ્યો. બીજા વર્ષથી જ સતત ત્રણ વર્ષે એ સ્પર્ધામાં તેઓ બીજા ક્રમે આવ્યા. ચંદુભાઇએ સાઇકલની ઘેલછા દયાળભાઇ પટેલને લગાડી. નવસારી મફતમિલમાં નોકરી કરતા હોવાને કારણે તેઓ દરરોજ 16 કિલોમીટર સાઇકલ ચલાવતા હતા. ચંદુભાઇએ તેમને સાઇકલ સ્પર્ધા માટે કેળવ્યા અને તેને પગલે તેમણે 1967, 68 અને 69માં સ્પર્ધામાં ભાગ લઇને બેથી પાંચમો ક્રમ મેળવ્યો. પોરબંદરથી દાંડી સુધીની મેરેથોન સાઇકલ સ્પર્ધામાં ભાગ લઇ તેમણે પાંચમો ક્રમ મેળવ્યો હતો. તો વળી આ બંને સાઇકલવીરોમાંથી પ્રેરણા લઇને છીબુભાઇ પટેલે 1969માં રાજપીપળાથી રાંદેર સુધીની 200 કિલોમીટરની સાઇકલ સ્પર્ધા જીતી લઇને ગામને ગૌરવ અપાવ્યું હતું. તેમણે પણ પોરબંદરથી દાંડી સુધીના મેરેથોન સાઇકલ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પહેલા ક્રમે રહ્યા હતા. ઇશ્વરભાઇ દેવાભાઇ પટેલે પણ ગામની સાઇકલવીરોની પરંપરા આગળ ધપાવી હતી, તેમણે દહાણુથી સુરત સુધીની સ્પર્ધા જીતી લીધી હતી. અમૃતભાઇ પટેલે દાંડીથી એરૂની સાઇકલ સ્પર્ધા જીતી લઇને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. 1973માં તેમણે અંકલેશ્વરથી નવાપુર સુધીની સાઇકલ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. સાઇકલ સ્પર્ધામાં ગામના યુવાનોનો જ ફાળો રહ્યો એમ નહીં માનતા, ગામની રમાબેન ગોપાળભાઇ પટેલે નડિયાદમાં અભ્યાસ કરતી વેળા નડિયાદથી ખંભાત સુધીની મહિલાઓ માટેની સાઇકલ સ્પર્ધા જીતી લીધી હતી.

પશુપાલકો માટે આશીર્વાદરૂપ દૂધ ઉત્પાદક મંડળી
ભૂલા ફળિયામાં દૂધ ઉત્પાદક મંડળી આવેલી છે. ગામ લોકો બહુધા ખેતી અને પશુપાલન કરે છે. નવી પેઢી નોકરી પણ કરતી થઇ છે, ત્યારે દૂધ ઉત્પાદક મંડળી અહીં પશુપાલકો માટે આશીર્વાદરૂપ થઇ છે. દૂધ મંડળીના પ્રમુખ તરીકે જાગૃતિબેન કાર્યભાર સંભાળે છે. દૂધમંડળીના પ્રમુખ અને સરપંચ બંને મહિલા છે, ત્યારે મહિલા સશક્તિકરણમાં ગામ અગ્રેસર છે, તેનો પુરાવો મળે છે. ઉપરાંત અષ્ટગામ સેવા સહકારી મંડળીની શાખા પણ આવેલી છે.

ગામના લોકોનો રોજગારીનો સ્ત્રોત
ભારત કૃષિપ્રધાન દેશ છે એ ઉક્તિ આજના ઔદ્યોગિક દૌરમાં હજુ પણ ખોટી નથી. વધતી વસતી સામે કૃષિ ઉત્પાદનને પણ પ્રાધાન્યતા મળી છે. વળી, કૃષિ ક્ષેત્રે આવી રહેલાં આમૂલ પરિવર્તનોને કારણે ઉત્પાદન પણ વધ્યું છે. સરકારની કૃષિ કાંતિને કારણે આજે ખેડૂત આર્થિક રીતે સધ્ધર થઈ રહ્યો છે. ભૂલા ફળિયા ગામ પણ કૃષિ ક્ષેત્રે જાણીતું છે. ગામમાં મુખ્યત્વે કેરી, ચીકુ, શેરડી, ડાંગર અને લીલીની ખેતી થાય છે. જો કે, ગામમાંથી જ નહેર પસાર થાય છે. જે નહેર દ્વારા ખેડૂતોને પાક માટે પૂરતું પાણી મળી રહે છે. જેથી ગામના ખેડૂતો ખેતી કરી રોજગારી મેળવે છે. એ સિવાય ગામમાં પૌંઆ મિલ પણ આવી છે. જ્યાં પણ ગામના ઘણા લોકો કામ કરી રોજગારી મેળવે છે. ઉપરાંત ગામના યુવાનો નવસારી અને સુરતની ડાયમંડ કંપની અને અન્ય કંપનીઓમાં કામ કરે છે. ગામની મહિલાઓ પણ પગભર થઇ રહી છે. મહિલાઓ ઘર બેઠા સાડી ભરવાનું કામ, પાપડ બનાવવાનું કામ, અથાણું બનાવી તેનું વેચાણ કરી પરિવારોને મદદરૂપ થઇ રહી છે. મનરેગા હેઠળ ગામનાં ૭૬ મહિલા અને પુરુષો કામ કરી રહ્યાં છે.

૧૫મા નાણાપંચ હેઠળ થયેલાં કામો
આઝાદી કાળનાં 75 વર્ષ બાદ વિકાસની દિશામાં ગામડાં આગળ આવી રહ્યાં છે. પહેલાં એવી ઝલક ફક્ત શહેરોમાં જ જોવા મળતી હતી. પરંતુ હવે ગામડાંમાં રસ્તા, પાણી સહિત આરોગ્યની સુવિધા પણ ઉપલબ્ધ થવા માંડી છે. ભૂલા ફળિયા ગામમાં ૧૫મા નાણાપંચ હેઠળ પાકા રસ્તા, બ્લોક પેવિંગ, વરસાદી ગટર અને સ્ટ્રીટ લાઈટનાં કામો કરવામાં આવ્યાં છે. તેમજ ગ્રામ પંચાયતમાં દર વર્ષે અંદાજે 2.5 લાખનો વેરો જમા થાય છે. જે વેરાની રકમમાંથી ગ્રામ પંચાયત દ્વારા ગામમાં સાફ-સફાઈ, લાઈટોનું મેઇન્ટેનન્સ સહિતનાં કામો કરવામાં આવે છે. જો કે, હાલ ગામમાં સીસીટીવી કેમેરાની સુવિધા નથી. ત્યારે આગામી સમયમાં ગામમાં સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવે એ માટેનું આયોજન ગ્રામ પંચાયત દ્વારા ચાલી રહ્યું છે. આ સિવાય મનરેગા હેઠળ ગામની સરકારી મિલકતમાં કેટર્સ અને વોટર હાર્વેસ્ટિંગનું કામ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top