Charotar

થર્મલ પાસે કાર ટક્કરે બાઇક સવારનું મોત

ઇન્દોર – અમદાવાદ ધોરી માર્ગ પર કાકા – ભત્રીજાને અકસ્માત નડ્યો

(પ્રતિનિધિ) નડિયાદ તા.4

ગળતેશ્વર તાલુકાના થર્મલ પાસેથી પસાર થતા ઇન્દોર – અમદાવાદ હાઈવે પર મહારાજના મુવાડા સીમમાં પુરપાટ ઝડપે જતી કારે બાઇકને ટક્કર મારતા તેના પર સવાર યુવકનુ મોત નિપજ્યું હતું. આ અંગે સેવાલીયા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

ગળતેશ્વરના બળેવીયા ગામના હરીપુરા ગામમાં રહેતા રાજેશ પર્વતભાઈ પરમારના કાકાના દિકરા કરણસિંહ ચંદ્રસિંહ પરમારનો પુત્ર જીગરકુમાર પાસે બાઇક નં.જીજે 17 સીસી 7507 હતું. રાજેશભાઈ 3જી એપ્રિલની સાંજના ઘરેથી બાઇક લઇને અંબાવ જવા નિકળ્યાં હતાં. તેઓ સેવાલીયા પહોંચ્યા હતાં. તે વખતે તેમને જાણવા મળ્યું કે, તેમનો પિતરાઇ ભાઇ સંજય લક્ષ્મણ પરમાર, ભત્રીજો જીગર કરણસિંહ પરમારના બાઇકને ગોધરા તરફ જતાં હતાં તે વખતે અકસ્માત સર્જાયો છે. આથી, રાજેશભાઈ તુરંત ઇન્દોર – અમદાવાદ ધોરી માર્ગ અકસ્માતના સ્થળે પહોંચ્યાં હતાં. આસપાસમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, હાઈવે પર મહારાજના મુવાડા સીમ અંબિકા વે બ્રિજની સામે કટ નજીક જતાં પાછળથી પુરપાટ ઝડપે આવતી કાર નં.એચઆર 98 એફ 9445ને ચાલકની બેદરકારીથી જીગરની બાઇકને ટક્કર વાગી હતી. જેના કારણે સંજય અને જીગર બન્ને રસ્તા પર પટકાતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં જીગરનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને 108માં સંજયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ બનાવ સંદર્ભે રાજેશની ફરિયાદ આધારે સેવાલિયા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

Most Popular

To Top