Dakshin Gujarat

ડાંગમાં 2017માં 328, 2022માં 335 મતદાન મથકો ઊભા કરાયા

સાપુતારા : ડાંગ (Dang) જિલ્લામાં 1,93,298 મતદાતાઓ 335 મતદાન મથકો ઉપર મતદાન (Voting) કરશે. જિલ્લા ચૂંટણી તંત્રનાં માર્ગદર્શન હેઠળ પોલિંગ ટીમ અંતરિયાળ વિસ્તારનાં મતદાન મથકો પર જવા રવાના થઇ હતી. ડાંગ જિલ્લામાં મતદાનને લઈને પોલીસ (Police) વિભાગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર 15મી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે એટલે કે તા.1લી ડિસેમ્બરે યોજાનારા પ્રથમ ચરણનાં મતદાન સાથે 173 – ડાંગ વિધાનસભા મતવિસ્તારની પણ ચૂંટણી યોજનાર છે. ત્યારે ખૂબસૂરત ડાંગ જિલ્લામાં આજે 96387 સ્ત્રી મતદારો અને 96909 પુરૂષ મતદારો સાથે બે થર્ડ જેન્ડર મતદાતાઓ મળી કુલ 193298 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી ચૂંટણીનાં લોકશાહીનાં મહાપર્વમાં ભાગ લેશે.

સવારે 7 થી 5 વાગ્યા દરમિયાન યોજાનાર મતદાન માટે ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહજી જાડેજાનાં માર્ગદર્શન હેઠળ તંત્રએ 335 મતદાન મથકો ઊભા કર્યા છે. ગત વિધાનસભાથી સામાન્ય ચૂંટણી-2017માં જિલ્લામાં 328 મતદાન મથકો હતા. જેમા આ વખતે 2.13 ટકાનો વધારો થયો છે. દરમિયાન આ વખતે મતદારોની ઉપર્યુક્ત સંખ્યામાં 41 સેવા મતદારો અને 8680 નવા યુવા મતદારોનો પણ સમાવેશ થયો છે. તો આ મતદારો પૈકી 1158 દિવ્યાંગ મતદારો, અને 80+ના 1757 વરીષ્ઠ મતદારો પણ અલગ તારવવામા આવ્યા છે.

જિલ્લાનાં કુલ 311 ગામોમાં 322 સ્થળોએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ ઊભા કરાયેલા 335 મતદાન મથકો પૈકી 50 ટકા મતદાન મથકો ઉપરથી લાઈવ વેબકાસ્ટિંગ પણ કરવામાં આવનાર છે. જિલ્લામાં સાત જેટલા ‘સખી મતદાન મથકો’ સહિત એક PwD મતદાન મથક, એક મોડલ મતદાન મથક, એક ઈકો ફ્રેન્ડલી મતદાન મથક, એક યુવા મતદાન મથક પણ કાર્યરત કરાયા છે. જ્યા થીમ આધારીત વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું વ્યવસ્થિત સંચાલન કરી શકાય તે માટે આહવાની કોલેજ ખાતે ડિસ્પેચ અને રીસિવિંગ સેન્ટર ઊભુ કરાયુ છે. જ્યાંથી જુદા જુદા મતદાન મથકો ઉપર પોલીંગ માટેની ટીમ રવાના કરવામાં આવી છે.

બે હજારથી વધુ પોલીસ, 4 CRPFની કંપનીના જવાનો
મતદાન માટે 25 નોડલ ઓફિસરો સહિત 70 ઝોનલ/સેક્ટર ઓફિસરો, 335 પ્રિસાઈડીંગ ઓફિસરો, 335 ફર્સ્ટ પોલિંગ અને 335 સેકન્ડ પોલિંગ ઓફિસરો, 30 થર્ડ પોલિંગ ઓફિસરો, 335 મહિલા પોલિંગ ઓફિસરો, 335 પ્યૂન, 84 રીઝર્વ પ્રિસાઈડિંગ ઓફિસરો, સો જેટલા અન્ય રીઝર્વ કર્મચારીઓ, 18 માસ્ટર ટ્રેનર્સ, 25 માઈક્રો ઓબ્ઝર્વરો, 7 ડેટા એન્ટ્રી ઓપરેટરો, બે હજારથી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનો, 4 જેટલી CRPFની કંપનીના જવાનો સમગ્ર મતદાનની પ્રક્રિયા પાર પડે તે સુનિશ્ચિત કરશે.

નાના મોટા 400થી વધુ વાહનો ઉપયોગમા લેવાશે
ચૂંટણી કામગીરી માટે અંદાજીત 400થી વધુ નાના મોટા વાહનો પણ ઉપયોગમાં લેવાશે. જેમને જિલ્લા ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહજી જાડેજા, સહિત જનરલ ઓબ્ઝર્વર તન્મય ચક્રવર્તિ, ખર્ચ માટેના ઓબ્ઝર્વર અતુલકુમાર પાંડે, પોલીસ ઓબ્ઝર્વર ગિરિજા શંકર જયસ્વાલ, જિલ્લાના ખર્ચ નોડલ ઓફિસર ડો. વિપીન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, નિવાસી અધિક કલેક્ટર પદ્મરાજ ગાવિત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.ડી.ચૌધરી, પ્રાંત અધિકારી રાજેન્દ્રસિંહ ચૌહાણ, અને ચૂંટણી મામલતદાર મેહુલ ભરવાડ તથા તેમની સમગ્ર ટીમ માર્ગદર્શિત કરી રહી છે.

ડાંગમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં 73.82 ટકા મતદાન થયુ હતું
ડાંગ વિધાનસભાનાં મતદારોને જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટર ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ વધુમાં વધુ મતદાન કરી લોકશાહીનાં મહાપર્વનાં અવસરને વધાવવાનો અનુરોધ કર્યો છે. જિલ્લામાં આ અગાઉની ચૂંટણીઓની વાત કરીએ તો જ્યારથી ડાંગ વિધાનસભાની અલગ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી એટલે કે 2012ની વિધાનસભાની ચૂંટણીમાં અહીં કુલ 69.74 ટકા, સને 2017ની વિધાનસભા ચૂંટણીમાં 73.82 ટકા, અને સને 2020ની વિધાનસભાની પેટા ચૂંટણીમાં 75.01 ટકા મતદાન નોંધાવા પામ્યુ છે. મતદારોની વાત કરીએ તો સને 2012માં આ બેઠક માટે કુલ 144400 મતદારો, 2017માં 166443 મતદારો, સને 2020માં 178220 મતદારો, અને આ વખતે સને 2022ની ચૂંટણી માટે કુલ 193298 મતદારો નોંધાયા છે.

Most Popular

To Top