Columns

દિલ્હીમાં આગની દુર્ઘટના માટે સરકારી તંત્રનો ભ્રષ્ટાચાર જવાબદાર છે

ભારતની પ્રજાનો જો કોઈ સૌથી મોટો દુશ્મન હોય તો તે સરકારી તંત્રનો ભ્રષ્ટાચાર છે. આ ભ્રષ્ટાચારને કારણે સરકારી તંત્ર પ્રજાના જાન સાથે રમતાં સ્થાપિત હિતો સાથે હાથ મિલાવે છે અને તેમને છૂટો દોર આપે છે. દિલ્હીના માલવીય નગરમાં હોટેલ તરીકે વપરાતી ઇમારતમાં આગ લાગી અને ૨૧ લોકોના જીવ ગયા તે માટે પણ દિલ્હીનું સરકારી તંત્ર ગુનેગાર છે. આગની ઘટના પછી તપાસનું નાટક કરીને આ ગુનેગારોને બચાવી લેવાનો વ્યાયામ શરૂ થઈ ગયો છે.

આ ઘટના બાદ નિયમોની અવગણના અને સુરક્ષાની બેદરકારી અંગે અનેક ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. દિલ્હી ફાયર સર્વિસના ભૂતપૂર્વ વડા અતુલ ગર્ગે જણાવ્યું કે આ એક રહેણાંક ઇમારત હતી, જેણે બેડ એન્ડ બ્રેકફાસ્ટ લાઇસન્સ લીધું હતું. આ યોજના હેઠળ કોઈના મકાનમાં વધારાના ઓરડા હોય તો તેને હોમસ્ટે માટે લાઈસન્સ આપવામાં આવે છે. તેમાં વધુમાં વધુ આઠ કમરા માટે જ મંજૂરી આપવામાં આવે છે, પરંતુ અહીં ૨૫ રૂમ બનાવવામાં આવ્યા હતા, તો પણ લાઈસન્સ આપનારી સરકારી સંસ્થાએ લાંચ લઈને આંખ આડા કાન કર્યા હતા. આ ઇમારતનો ગેરકાયદેસર રીતે હોટલ તરીકે ઉપયોગ થતો હતો. તેના ભોંયરામાં રેસ્ટોરાં ચાલતી હતી, જેના માટે પણ લાઈસન્સ લેવામાં આવ્યું નહોતું.

આ ઇમારતમાં દરેક સલામતી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું. અકસ્માતમાં મોટી સંખ્યામાં મૃત્યુનું કારણ સલામતી સાધનો અને બહાર નીકળવાના રસ્તાઓનો અભાવ પણ માનવામાં આવી રહ્યો છે. દરવાજામાં એક ઇલેક્ટ્રોનિક લોક હતું. આગ લાગી ત્યારે તે બંધ થઈ ગયું, લોકો નીચે આવ્યાં અને પોતાનો જીવ બચાવવા દોડ્યાં હતાં પણ બહાર નીકળી શક્યાં નહીં. ત્યાં ફક્ત એક જ સીડી હતી. જો તેને હોટલ તરીકે મંજૂરી આપવામાં આવી હોત, તો તેમાં બે સીડી હોત. આટલું જ નહીં, ત્યાં ન તો પાણીની ટાંકી હતી, ન તો સીડી, ન તો અગ્નિશામક વ્યવસ્થા. બ્રેડ એન્ડ બ્રેકફાસ્ટ યોજના હેઠળ ફાયર સેફ્ટી લાઈસન્સ પણ લેવામાં આવ્યું નહોતું; તેમ છતાં ફાયર વિભાગ દ્વારા લાંચ લઈને રજા આપવામાં આવી હતી.

 ઘટનાસ્થળે હાજર ઘણાં લોકોએ પ્રશ્ન કર્યો કે જો મિલકતનું નિરીક્ષણ કરવામાં આવ્યું હોત તો શું બેદરકારી શોધી શકાઈ હોત. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ સૌરભ ભારદ્વાજે કટોકટી સેવાઓ દ્વારા પ્રતિભાવમાં વિલંબ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આ પહેલી ઘટના નથી કે જ્યાં આગમાં ફસાયેલાં લોકો મૃત્યુ પામ્યાં હોય. સરકાર તપાસની જાહેરાત કરે છે પણ રિપોર્ટ આવતો નથી. સરકારે સમજાવવું જોઈએ કે ફાયર બ્રિગેડ જેવી કટોકટી સેવાઓના આગમનમાં વિલંબ કેમ થયો. નિરીક્ષણના અભાવ અંગે અતુલ ગર્ગ કહે છે કે હોટેલ બી એન્ડ બી લાયસન્સ પર ચાલી રહી હતી. તેનું નિરીક્ષણ કેમ ન કરવામાં આવ્યું? કોઈને તો જવાબદાર ઠેરવવું જ જોઈએ. આવી ઇમારતોને લાઇસન્સ આપતી સત્તા પર પણ પ્રશ્ન ઉઠાવવો જોઈએ.

એક અમેરિકન નાગરિક માઈકલ પોતાના પરિવારની સારવાર માટે દિલ્હી આવ્યો હતો. તે ફ્લોરિશ બી એન્ડ બીની બાજુમાં આવેલી એક સમાન હોટલમાં રોકાયો હતો. માઇકલે કહ્યું કે ઇમારત આગમાં લપેટાઈ ગઈ હતી. મેં ઘણાં લોકોને કૂદતાં જોયાં હતાં. અહીં ફક્ત એક જ પ્રવેશદ્વાર અને બહાર નીકળવાનો રસ્તો હતો. બીજો કોઈ રસ્તો નહોતો, જેના કારણે ઘણાં લોકો પોતાને બચાવી શક્યાં નહીં. ફાયર બ્રિગેડના નિયમો મુજબ દરેક કોમર્શિયલ ઈમારતમાં કટોકટીમાં બહાર નીકળવાનો વધારાનો રસ્તો હોવો જોઈએ. આ હોટેલે ફાયર બ્રિગેડનું લાઈસન્સ જ લીધું નહોતું, માટે તેને કટોકટીનો દરવાજો મૂકવાની જરૂર જ પડી નહોતી. અકસ્માતમાં આટલી મોટી જાનહાનિનું સૌથી મોટું કારણ એક જ પ્રવેશદ્વાર અને બહાર નીકળવાનો રસ્તો છે.આગ લાગ્યા પછી સ્થાનિક લોકો મદદ માટે સૌથી પહેલાં પહોંચ્યાં હતાં. મેક્સ હોસ્પિટલની સુરક્ષામાં કામ કરતા વસીમ રઝા અને તેમના ઘણા મિત્રો આગમાં ફસાયેલાં લોકોને બચાવવામાં વ્યસ્ત હતાં.

વસીમે જણાવ્યું કે હોટેલનો મુખ્ય દરવાજો બહારથી બંધ હતો. તેને કટરથી કાપવો પડ્યો હતો. બહાર નીકળવાનો રસ્તો બંધ હોવાથી લોકો અટવાઈ ગયાં અને અમને તેમના સુધી પહોંચવામાં મુશ્કેલી પડી. ઘણા પ્રયત્નો પછી જ્યારે હું અને દિલ્હી પોલીસના કેટલાક કર્મચારીઓ ઇમારતમાં પ્રવેશી શક્યા, ત્યારે અમે જોયું કે આખી ઇમારત ધુમાડાથી ભરેલી હતી. અમને ઘણાં લોકો રૂમની અંદર, પલંગ નીચે અને ઉપરના માળે શૌચાલયમાં બેભાન અવસ્થામાં મળ્યાં હતાં. તેમાંથી મોટા ભાગનાં લોકો મૃત્યુ પામ્યાં હતાં. અમે કેટલાંક લોકોને CPR આપીને બચાવવાનો પ્રયાસ કર્યો અને ઘણાંને જીવતાં બચાવી લેવામાં આવ્યાં હતાં.

દિલ્હી ફાયર વિભાગે પણ સ્વીકાર્યું છે કે હોટલમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો, જેના કારણે મોટા ભાગનાં લોકો અંદર ફસાયેલાં રહ્યાં હતાં. આ ગંભીર બેદરકારી માટે ફાયર વિભાગ જવાબદાર હતો. કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન રાજધાની દિલ્હીમાં પ્રવાસીઓ માટે રહેવા માટે રૂમની ઉપલબ્ધતા વધારવાના ઉદ્દેશથી રજૂ કરાયેલી B&B યોજના હેઠળ ફક્ત તે જ મિલકતોની નોંધણી કરાવી શકાય છે જ્યાં માલિકો પોતે રહે છે. આ હોટેલમાં માલિક પોતે રહેતા નથી તો પણ તેને મંજૂરી આપી દેવામાં આવી હતી. આ યોજના હેઠળ સેંકડો મકાનોને તગડી લાંચ લઈને પરવાનગી આપી દેવામાં આવી હતી, જે ડેથ ટ્રેપ જેવાં બની ગયાં છે. હવે આગની દુર્ઘટના પછી આખી યોજના રદ કરવામાં આવી છે, પણ તેમ કરવાથી ૨૧ હુતાત્મા પાછા આવવાના નથી.

રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી (અતુલ્ય ભારત) બોર્ડિંગ અને બેડરૂમ સ્થાપના (નોંધણી અને નિયમન) અધિનિયમ, ૨૦૦૭ હેઠળ આવી મિલકતનો ઉપયોગ હોટલ, ગેસ્ટ હાઉસ, હોસ્ટેલ અથવા વાણિજ્યિક રહેઠાણ સ્થાપના તરીકે થઈ શકતો નથી. દિલ્હીના હૌઝ રાની વિસ્તારમાં જ્યાં ફ્લોરિશ સ્ટેઝ નામની આ મિલકત આવેલી છે, ત્યાં બી એન્ડ બી યોજના હેઠળ નોંધણીના આધારે ઘણી અન્ય હોટલો કાર્યરત છે. આ ઇમારતની નીચે એક રેસ્ટોરન્ટ પણ ગેરકાયદે ચાલે છે. નજીકમાં ઘણી હોટલો મળી, જે સમાન નોંધણીઓ પર કાર્યરત હતી.

વર્ષ ૨૦૨૩ ના ડેટા અનુસાર દિલ્હીમાં આવાં ૪૩૨ ઘરો છે, જે B&B તરીકે નોંધાયેલાં છે અને તેમાં ૨,૨૦૦ થી વધુ રૂમો છે. ગયા અઠવાડિયે જ દિલ્હીની ભાજપ સરકારે એક નવી બી એન્ડ બી પોલિસી બનાવી હતી, જે હેઠળ ૮ રૂમ અને ૧૬ બેડ ધરાવતી મિલકતોને બી એન્ડ બી તરીકે રજીસ્ટર કરાવી શકાય છે. આ નીતિ હેઠળ, સી.સી.ટી.વી. કેમેરા, પોલીસ ચકાસણી અને સલામતીના નિયમોનું પાલન ફરજિયાત છે. જો આ હોટેલની ચકાસણી પોલીસ દ્વારા કરવામાં આવી હોય તો તેમાં ગેરકાયદે વસવાટ કરવામાં આવી રહ્યો છે, તેની જાણ પોલીસને થઈ જ હશે. આ સંયોગોમાં પોલીસે તગડી લાંચ લઈને હોટેલ ચલાવવાની પરવાનગી આપી હોય તે સ્વાભાવિક છે. આવી પરવાનગી આપનારા ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ જેલમાં ધકેલી દેવા જોઈએ.

આગની ઘટના પછી દિલ્હીના એલજી દ્વારા ઉચ્ચ સ્તરે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. આ તપાસ લોકોના ગુસ્સાને શાંત પાડવા અને તેમની આંખમાં ધૂળ નાંખવા માટે યોજવામાં આવતી હોય છે. તેનો રિપોર્ટ આવતા મહિનાઓ અને ક્યારેક વર્ષો વીતી જતાં હોય છે. રિપોર્ટમાં ઘટના માટે જવાબદાર મોટાં માથાંને છોડી દેવામાં આવતાં હોય છે અને નાના અધિકારીઓના માથે દોષનો ટોપલો ઢોળી દેવામાં આવતો હોય છે. જો માર્યા ગયેલા ૨૧ હુતાત્માને ન્યાય આપવો હોય તો દિલ્હીનાં મુખ્ય પ્રધાન, લેફ્ટનન્ટ ગવર્નર, પોલીસ વડા અને ફાયર બ્રિગેડના વડાની તાત્કાલિક ધરપકડ કરીને તેમની સામે ૨૧ વ્યક્તિની હત્યાનો મુકદ્દમો ચલાવવો જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top