Comments

યુનિવર્સિટીઓમાં કોરોનાના બહાને વેપાર કયાં સુધી ચલાવવો છે?

University leaders should take a more humane approach to students during  COVID-19 (opinion)

‘ગુજરાતમાં શિક્ષણ ખાડે ગયું છે, ખાડે ગયુ છે ખાડે ગયું છે’ – આવું આપણે નહિ એક ચુંટાયેલા જનપ્રતિનિધિએ જાહેરમાં કહ્યું હતું! આ વાકયને સાચુ પાડવા માંગતા હોય તેમ ગુજરાતના ઉચ્ચ શિક્ષણમાં સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓના સત્તાવાળા બેફામપણે શિક્ષણનો વેપાર કરી રહ્યા છે. આપણે આ કોલમમાં વારંવાર કહી ચુકયા છીએ કે ગુજરાતના ઉચ્ચ શિક્ષણમાં કોઇ રણીધણી જ નથી. ન શિક્ષણ વિભાગ, ન શિક્ષણવિદો ન યુનિવર્સિટીના વિવિધ શૈક્ષણિક સત્તામંડળમાં બેઠેલા અધ્યાપકો ન વાલિયો ન વિદ્યાર્થીઓ કોઇ કરતા કોઇ શિક્ષણની ગુણવત્તા બાબતે બોલતું નથી.

ગયા વર્ષે તો કોરોનાના કારણે બધાને ભેગા કરી શકાય તેમ ન હતા એટલે યુ.જી.સી.એ પરીક્ષાના તમામ સ્વરૂપો માટે મંજૂરી આપી. ફાયનલ ઇયર માટે પરીક્ષા ફરજીયાત કરી અને તે સિવાયના શૈક્ષણિકવર્ગ માટે માસ પ્રમોશન સ્વિકાર્યું. યુ.જી.સી.ના પત્રનું મનઘડત અર્થઘટન કરીને મોટાભાગની યુનિવર્સિટીએ ઓનલાઇન પરીક્ષાઓ લઇ બધાને પાસ કર્યા. કારણ આ કહેવાતી ઓનલાઇન પરીક્ષા એમસીકયુ બેઝ હતી અને પાછી મોબાઇલ એપથી જ ઘરે બેઠા આપવાની હતી.

શાળાકક્ષાએ દસમા બારમામાં કયાંક પરીક્ષા થઇ તો કયાંક મેટરીબેજ  પ્રમોશન થયું! કોલેજોના પ્રથમ-બીજા વર્ષોમાં તો માસ પ્રમોશન થયું. આમ જોવા જઇએ તો માર્ચ બે હજાર વીસ પછી નકકર શિક્ષણ કે પરિક્ષણ થયું નથી એટલે વર્ષ 2019 તથા વર્ષ 2020 ના વિદ્યાર્થીઓએ મોટે ભાગે સામાન્ય સ્વરૂપમાં પરીક્ષા આપી નથી. ખાસ તો પ્રશ્નોત્તરરૂપે વર્ણન, વિશ્લેષણ કે તર્કબધ્ધ જવાબો લખ્યા જ નથી. હવે, આ વર્ષે તો કોલેજો પહેલેથી જ ચાલી છે. ઓલલાઇન વર્ગો પણ લેવાયા છે. આમ છતાં યુનિવર્સિટીને રેગ્યુલર શિક્ષણ અને નિયત પરિક્ષણ કરવું નથી.

એક તો યુનિવર્સિટીઓએ પ્રથમ વર્ષનું પ્રવેશનું કાર્ય જ ઓકટોબર સુધી પૂરૂ ન કર્યું. સપ્ટેમ્બરમાં પણ ભણાવવાનું શરૂ ન કર્યું. એ તો ઠીક સેમ-3 અને સેમ-5 ના પણ નિયત વર્ગો ન લીધા. દિવાળી પહેલા  પરીક્ષા ન લીધી. અને કેટલીક યુનિવર્સિટીએ દિવાળી વેકેશન ખુલી ગયાને મહિનો થયો પણ પરીક્ષાઓ લેવાનું શરૂ નથી કર્યું. હવે આ યુનિવર્સિટીઓને કાં તો ઓનલાઇન પરીક્ષા લેવી છે. અને સાથે એમસીકયુ બેઝ પરીક્ષા લેવી છે. વર્ણનાત્મક લખાણોવાળી પરીક્ષા લેવી જ નથી. તર્ક એ છે કે એમસીકયુ વાળી પરીક્ષા ઝડપથી યોજાય, ઝડપથી પરિણામો આવી જાય પણ મૂળ વાત એ છે કે સેલ્ફ ફાયનાન્સ કોલેજો અને યુનિવર્સિટીઓએ ફી લીધી છે પણ ભણાવ્યું જ નથી. વળી કોરોનાના બહાના હેઠળ આજની તારીખ સુધીમાં એડમિશન ચાલુ છે. હવે સેમેસ્ટર સિસ્ટમમાં આખુ સેમેસ્ટર પુરુ થઇ ગયું છતાં પ્રવેશ અપાય તો વિદ્યાર્થી ભણે કયારે? પરીક્ષા લેવાય કયારે?

પણ વેપારીઓ જયારે શિક્ષણવિદો થાય ત્યારે કોઇપણ થાય! માટે હવે પ્રવેશ પણ અપાશે. એમસીકયુ વાળી પરીક્ષા પણ લેવાશે! મોટાભાગે બધાને પાસ પણ કરી દેવાશે! માતા-પિતા, વિદ્યાર્થીઓ પણ ટુકાગાળાના લાભમાં છેતરાઇ રહ્યા છે. તેમને નપાસ થવાનો ડર બતાવીને આ અતાર્કીક પરીક્ષા માટે લલચાવી રહ્યા છે. પણ આ વાલીઓ, વિદ્યાર્થીઓ સમજતા નથી કે આ બધાને પાસ કરવાની નીતિ એ માત્ર સંચાલકોને ફી ઊઘરાવવાના લાભાર્થે છે. આ પરીક્ષાના નાટકમાંથી મળેલી ડીગ્રીની કોઇ કિંમત થવાની નથી.

2019 થી જે વિદ્યાર્થીએ પરીક્ષાના પેપર લખ્યા જ નથી. તે હવે સળંગ બે-ત્રણ પાના તર્કબધ્ધ લખી શકતો નથી. લખવાના આખા કૌશલ્યને જ ગ્રહણ લાગ્યું છે. બાળકો થાકી જાય છે. એક પાનુ લખવામાં. સરકારે સ્પષ્ટ રીતે તમામ યુનિવર્સિટીને આદેશ આપવાની જરૂર છે કે કોઇ બહાનાબાજી વગર રેગ્યુલર ફોર્મેટમાં પરીક્ષા લઇને જ ડિગ્રી આપવાની રહેશે. અને સાચા અર્થમાં પૂરા સમય માટે ભણાવ્યા પછી જ પરીક્ષા લઇ શકાશે. બાકી ગુજરાતનું શિક્ષણ ખાડે છે અને ખાડે જ રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top