SURAT

કોરોનાની સ્થિતિ ભયાનક: હોસ્પિ.માં દાખલ થવામાં બે કલાક, દર્દીઓને એમ્બ્યુલન્સમાં રાખવા પડી રહ્યાં છે


સુરતમાં કોરોનાની ભયાનક સ્થિતિ થઈ જવા પામી છે. નવા દર્દીઓની સંખ્યા વધી ગઈ છે અને સાથે સાથે ઓક્સિજનની જરૂરીયાત હોય તેવા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કોરોનાની હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવામાં જ બે કલાકનું વેઈટિંગ ચાલી રહ્યું છે. જેને કારણે દર્દીઓને બે-બે કલાક એમ્બ્યુલન્સમાં જ રાખવા પડી રહ્યાં છે. આવતીકાલે શરૂ થનારી કિડની હોસ્પિટલ પણ બે-ત્રણ દિવસમાં જ ભરાઈ જાય તેવી સંભાવના છે. કોરોનાના દર્દીઓને લઈને નવી સિવિલ હોસ્પિટલ તેમજ સ્મીમેરમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી ગઈ છે.

કોરોનાના હાહાકાર વચ્ચે સુરતમાં 1000 બેડની કોવિડ હોસ્પિટલ ફૂલ થઇ ગઇ છે. ત્યારબાદ નવી સિવિલની જૂની બિલ્ડીંગમાં કેટલાક વોર્ડને કોવિડની સારવાર માટે શરૂ કરાયા છે. સુરત શહેર અને જિલ્લામાં દરરોજ 800થી વધુ કેસો આવી રહ્યા છે. જેને કારણે બુધવારે કોવિડ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઇન લાગી ગઇ હતી. તમામ એમ્બ્યુલન્સમાં કોવિડના દર્દીઓ હતા. દર્દીઓને દાખલ કરવા માટે તેમના સંબંધીઓ રજીસ્ટ્રેશન કરાવવા માટે ગયા હતા. પરંતુ ત્યાં પણ લાંબી લાઇનો હોવાને કારણે દર્દીઓને બે-બે કલાક સુધી એમ્બ્યુલન્સની અંદર જ રાખવા પડ્યાં હતાં.

બપોરે હોસ્પિટલની બહાર એકસાથે 20 એમ્બ્યુલન્સનો ખડકલો થઈ ગયો હતો, એકનું એમ્બ્યુલન્સમાં જ મોતની ચર્ચા
બપોરના સમયે હોસ્પિટલની બહાર એક સાથે જ 20થી વધુ એમ્બ્યુલન્સનો ખડકલો થઇ ગયો હતો. એમ્બ્યુલન્સની કતાર જોતા તબીબો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતાં. ઓક્સિજન અને સારવારના અભાવે દર્દીના એમ્બ્યુલન્સમાં જ મોત થયાની ચર્ચાઓ પણ ઉઠી હતી. હોસ્પિટલની બહાર હાજર એક સિક્યુરિટી કર્મચારીએ પોતાની નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, એક આધેડને તાત્કાલિક સારવાર માટે લવાયો હતો પરંતુ દાખલ થયાના ગણતરીના કલાકમાં જ તેનું મોત થયુ હતુ.

Most Popular

To Top